નાગરાજ (king cobra) : દુનિયાના ઝેરી સર્પોમાં સૌથી વધુ મોટો સાપ. તે મહાનાગ પણ કહેવાય છે. વર્ગીકરણ : નામ : નાજા હન્નાહ, કુળ : ઇલેપિડી; ઉપશ્રેણી : સર્પેન્ટિના; શ્રેણી સ્ક્વોમોટા; વર્ગ સરીસૃપ સમુદાય : મેરુદંડી; સૃષ્ટિ : પ્રાણીસૃષ્ટિ. નાગરાજની લંબાઈ 450થી 540 સેમી. હોય છે. 560 સેમી. (18 ફૂટ) લાંબો નાગરાજ પણ દક્ષિણ ચીન, ફિલિપાઇન્સ કે ઇન્ડોનેશિયામાં મળી આવે છે. આ મહાનાગની જાતિ હેમેડ્રિયાડ હન્નાહ છે.

ભારતમાં નાગરાજ અસમ, નીલગિરિ અને પશ્ચિમઘાટના પહાડી પ્રદેશોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ સાપ જોવા મળતો નથી. નાગરાજનો મુખ્ય ખોરાક અન્ય સાપ છે. આ સાપ ક્યારેક મનુષ્યનો પીછો પકડે છે પરંતુ સર્પદંશના બનાવો ઓછા જાણવા મળ્યા છે. નાગરાજ સામાન્ય નાગની માફક જમીનથી 60 સેમી.થી 90 સેમી. અધ્ધર ઊંચો થાય છે અને હુમલો કરવાનો પેંતરો રચે છે. નાગના જેવી તે વિસ્તૃત ફેણ ફેલાવી શકતો નથી.

નાગરાજ

માદા નાગરાજ વાંસનાં પાન, સળેકડી વગેરેનો માળો બનાવી તેમાં ઈંડાં મૂકે છે. નાગરાજનો સંવનનકાળ ચોમાસામાં હોય છે, પરંતુ પ્રત્યક્ષ ઈંડાં માત્ર એપ્રિલમાં મૂકે છે.

નાગરાજ ઘનઘોર જંગલનું પહાડ ઉપરનું પ્રાણી છે. તેના શરીરનો રંગ લીલાશ પડતો ફીકો કાળો હોય છે. તેની ઉપર ગાયની ખરી આકારના ( ) પટ્ટા ઊપસી આવેલા દેખાય છે. નાગ કરતાં નાગરાજ આ બાબતોથી જુદો પડે છે : (1) કપાળ ઉપરનાં ભીંગડાંનાં કવચ બુઠ્ઠાં હોતાં નથી. (2) ઉપરના હોઠ ઉપરનાં મોટાં ભીંગડાં નાક અને આંખને સ્પર્શે છે. (3) નીચેના હોઠ ઉપર ચોથા અને પાંચમા ભીંગડાં વચ્ચે ફાચર જેવું ભીંગડું હોતું નથી. (4) ગુદા પાસેનાં કેટલાંક ભીંગડાં જોડમાં નથી હોતાં, બાકીનાં બધાં જોડમાં હોય છે. (5) તે ફેણ ફેલાવી શકતો નથી.

નાગરાજના કદના પ્રમાણમાં નાગ કરતાં તેના વિષની માત્રા ઘણી વધારે હોય છે. છતાં નાગના ઝેર સામે જે રસી અસરકારક નીવડે છે તે નાગરાજના ઝેર માટે પણ અસરકારક છે.

રા. ય. ગુપ્તે