નાગભૂષણ, ગીતા (શ્રીમતી)

January, 1998

નાગભૂષણ, ગીતા (શ્રીમતી) (. 25 માર્ચ 1942, સાવલ્ગી, જિ. ગુલબર્ગ, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘બદુકુ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને મરાઠી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ ગુલબર્ગમાં નગરેશ્વર પી. યુ. કૉલેજના પ્રિન્સિપાલપદેથી સેવાનિવૃત્ત થયાં. 2010માં કન્નડ સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી.

અત્યાર સુધીમાં તેમણે 31 પુસ્તકો આપ્યાં છે; તેમાં 21 નવલકથાઓ, 2 વાર્તાસંગ્રહ, 1 કાવ્યસંગ્રહ વગેરેનો સમાવેશ થાય છે. ‘ધુમ્માસુ’, ‘આઘાત’, ‘ડાંગે’, ‘હાસિમાંસા મત્તુ હાડુગળુ’, ‘ચિક્કિય હરેયડુ ડિંગળુ’, ‘એરિલિતાગળુ’, ‘અભિમાન’ અને ‘ચૈત્રદા હડુ’ તેમની મુખ્ય નવલકથાઓ અને ‘જ્વલંત’, ‘અવ્યા મત્તુ ઈટરા કથેગળુ’ તેમના વાર્તાસંગ્રહો છે. ‘હાસિમાંસા મત્તુ હાડુગળુ’ પરથી ‘હેણ્ણિત કોગુ’ નામક ફિલ્મ બની છે અને તે કૃતિ મરાઠીમાં અનૂદિત કરવામાં આવી છે. નારીવાદી લેખન માટે તેઓ કન્નડમાં સુવિખ્યાત છે. અગાઉ તેઓ કન્નડ સાહિત્ય અકાદમીના પ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યાં છે.

ગીતા (શ્રીમતી) નાગભૂષણ

તેમને 3 વાર કન્નડ સાહિત્ય પરિષદ પુરસ્કાર, ચુક્કિ ઉમાપતિ પુરસ્કાર, એસ. આર. પાટિલ ટ્રસ્ટ પુરસ્કાર, કાયક રત્ન પ્રશસ્તિ, માણિકબાઈ પાટિલ પ્રશસ્તિ, સર એમ. વિશ્વેશ્વરૈયા પુરસ્કાર, ગુલબર્ગ રાજ્યોત્સવ પુરસ્કાર તથા કન્નડ સાહિત્ય અકાદમી સ્પેશિયલ ઍવૉર્ડ અર્પીને સન્માનિત કરવામાં આવ્યાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘બદુકુ’ સમાજના નીચલા સ્તરના જીવનના ચિત્રાંકન સાથેની મહાકાવ્ય જેવી આ નવલકથા છે. દલિતો, ગરીબો અને વંચિતોના જીવનની આસપાસ તેની ગૂંથણી કરવામાં આવી છે. ગુલબર્ગ જિલ્લાની બોલચાલની ભાષામાં સ્વાભાવિકતા, સમૃદ્ધિ અને વિવિધતા સાથે ગ્રામીણ લોકોના વિશ્વાસો, આચાર અને પરંપરાઓ તથા તેમની અનોખી જીવનપદ્ધતિનું પ્રામાણિકપણે નિરૂપણ હોવાથી આ કૃતિ કન્નડમાં લખાયેલ ભારતીય નવલકથાસાહિત્યમાં અનન્ય ભાત પાડે છે.

બળદેવભાઈ કનીજિયા