નાગપુર : મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. તે પૂર્વ વિદર્ભના શાસકીય વિભાગમાં 20° 35´ થી 21° 44´ ઉ. અ અને 78° 15´ થી 79° 40´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 150 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ આશરે 130 કિમી. જેટલી છે. કુલ વિસ્તાર 9810 ચોકિમી. જેટલો છે, જે મહારાષ્ટ્ર રાજ્યના કુલ વિસ્તારનો 3.25 ટકા જેટલો ભાગ આવરી લે છે. તેની પૂર્વ તરફ રાજ્યનો ભંડારા જિલ્લો, અગ્નિ અને દક્ષિણ તરફ રાજ્યનો ચંદ્રપુર જિલ્લો, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ રાજ્યનો વર્ધા જિલ્લો, વાયવ્ય તરફ રાજ્યનો અમરાવતી જિલ્લો તેમજ ઉત્તર અને ઈશાન તરફ મધ્યપ્રદેશના સિવની તથા છિંદવાડા જિલ્લા આવેલા છે. જિલ્લાના કુલ છ તાલુકા છે.

નાગપુર શહેર જિલ્લાનું મુખ્ય વહીવટી મથક હોવા ઉપરાંત રાજ્યની વૈકલ્પિક રાજધાની પણ છે, જ્યાં વર્ષમાં એક વાર વિધાનસભાનું સત્ર યોજાય છે. 1956માં ભારતનાં રાજ્યોની ભાષાના ધોરણે જ્યારે ભૌગોલિક પુનર્રચના કરવામાં આવી ત્યારે મધ્યપ્રદેશનો સાવનેર તાલુકો આ જિલ્લામાં સમાવેશ પામ્યો હતો. જિલ્લાની કુલ વસ્તી 46,53,171 (2011) છે.

ભૂપૃષ્ઠ : નાગપુર જિલ્લો દખ્ખણની ઊંચી, સપાટ પઠારભૂમિનો ઉત્તરતરફી ભાગ છે, જેમાં સાતપુડા પર્વત અને તેની શાખાઓ આવેલી છે. જિલ્લાનું ભૌગોલિક સ્થાન સમુદ્ર સપાટીથી સ્થાનભેદે સરેરાશ 275 અને 305 મીટર વચ્ચેની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની ટેકરીઓની ઊંચાઈ લગભગ 450થી 600 મીટર જેટલી છે. સાતપુડા હારમાળાથી ઉત્તર તરફ જતાં ઊંચાઈનું પ્રમાણ વધતું જાય છે. ઈશાન તરફ રામટેકની ટેકરીઓ આવેલી છે. આ ટેકરીઓની પશ્ચિમે વર્ધા નદી અને પૂર્વ તરફ વેનગંગા નદીઓ વહે છે. આ બંને ગોદાવરી નદીની શાખાઓ છે. જિલ્લાનો  ભાગ વર્ધા નદીની ખીણોથી અને બાકીનો B ભાગ વેનગંગા નદીની ખીણોથી આવરી લેવાયેલો છે. વર્ધા નદીની ઉપનદીઓમાં નંદ, જામ અને બુન્ના તથા વેણગંગા નદીની ઉપનદીઓમાં ચંદ્રભાગા, બાવનથરી, કન્હાન, સુર, કોલાર, આંબ, પેંય, નાગ અને સાંડનો સમાવેશ થાય છે. જિલ્લામાં રામસાગર, અંબાઝરી અને ગોરેવાડા  એ ત્રણ મોટાં જળાશયો છે.

આબોહવા : નાગપુર જિલ્લો ભારતના ભૂમિભાગના કેન્દ્રસ્થાને તેમજ દરિયાથી દૂર અંદરના ભાગમાં આવેલો હોવાથી અહીંની આબોહવા સૂકી અને વિષમ રહે છે. સરેરાશ વાર્ષિક તાપમાન 26.8° સે. જેટલું રહે છે. ઉનાળામાં મે માસનું સરેરાશ તાપમાન 43° સે. તથા શિયાળામાં જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 4° સે. જેટલું થઈ જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન મહત્તમ તાપમાન 45° સે. કરતાં પણ વધુ નોધાયું છે. જૂનથી સપ્ટેમ્બરનો ગાળો વર્ષાઋતુનો હોય છે, વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ 1160 મિમી. જેટલું રહે છે. જુદા જુદા તાલુકાઓમાં સ્થાનભેદે વરસાદનું પ્રમાણ જુદું જુદું રહે છે.

ખેતી : જિલ્લામાં મુખ્ય વ્યવસાય ખેતી છે. કુલ જમીનમાંથી આશરે 55 % જમીનને ખેતી અને બાગાયત હેઠળ આવરી લેવામાં આવેલી છે. જિલ્લાના કુલ શ્રમિકો પૈકીના આશરે 50 % ખેતીમાં તથા સંલગ્ન વ્યવસાયોમાં રોકાયેલા છે, જે પૈકી 30 % ખેડૂતો અને બાકીના ખેતમજૂરો છે. ખાદ્ય ખેતીપાકોમાં જુવાર, ઘઉં, તુવેર, ચણા, વટાણા અને મગફળીનો તથા રોકડિયા પાકોમાં કપાસનો સમાવેશ થાય છે. જિલ્લાની જમીન કપાસના વાવેતર માટે વધુ યોગ્ય ગણાય છે. સંતરાં એ જિલ્લાના બાગાયતની મુખ્ય પેદાશ છે. અહીંનાં સંતરાં ભારતભરમાં જાણીતાં બનેલાં છે. તાજેતરનાં વર્ષો દરમિયાન દ્રાક્ષની પેદાશમાં ઠીક ઠીક વધારો થયો છે, જ્યારે તાંબૂલ(ખાવાનાં પાન)ની પેદાશ પણ સારા પ્રમાણમાં થાય છે. વનસ્પતિમાં સાગ, સીસમ, બાવળ, વાંસ, બોર, ટેમ્બુર્ણી અને પળલ ઉલ્લેખનીય છે.

ફળફળાદિ માટે ખ્યાતિપ્રાપ્ત નાગપુર શહેરનું સંતરાંનું જથ્થાબંધ વ્યાપારનું બજાર

ખનિજો : આ જિલ્લામાં મૅંગેનીઝ અને કોલસાની ખાણો આવેલી છે, જે જિલ્લાના ઉદ્યોગોને ધમધમતા રાખે છે. અહીં અબરખ, લોહ-ધાતુ ખનિજ, ચૂનાખડક અને ચીકણી માટી ઉપરાંત ઍન્ટિમની, ફેલ્સ્પાર અને ટંગ્સ્ટન જેવાં ખનિજો મળે છે.

ઉદ્યોગો : જિલ્લામાં થતા મબલક કપાસના વાવેતરને કારણે કાપડઉદ્યોગ, સાડી અને ધોતી બનાવવાનો તેમજ જિનિંગ અને પ્રેસિંગનો વિકાસ થયો છે. નાગપુરમાં સુતરાઉ કાપડની મિલ આવેલી છે. આ ઉપરાંત જિલ્લામાં બીડી-ઉદ્યોગ છે અને તેલની ઘાણીઓ આવેલી છે. સિમેન્ટના પાઇપ બનાવતું એક કારખાનું પણ છે.

પરિવહન : વાહનવ્યવહારની બાબતમાં જિલ્લાનો નોંધપાત્ર વિકાસ થયેલો છે. અઢારમી સદીના પ્રથમ દશકામાં નાગપુર વસ્યું, 1861માં અંગ્રેજોએ તેને તત્કાલીન મધ્યપ્રાંતનું પાટનગર બનાવ્યું અને તેનો વિકાસ કર્યો. 1867 માં ‘ગ્રેટ ઇન્ડિયા પેનિન્સુલર (GIP) રેલવે નાંખવામાં આવી, ત્યારથી જિલ્લાનો વ્યાપારી અને ઔદ્યોગિક વિકાસ થતો ગયો છે. મુંબઈ–હાવરા, નાગપુર–ઇટારસી, નાગપુર–છિંદવાડા, તથા નાગપુર–રામટેક જેવી મહત્ત્વની બ્રૉડગેજ રેલવે આ જિલ્લામાંથી પસાર થાય છે. ધૂળેજળગાંવનાગપુરકૉલકાતા (રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક 6) અને વારાણસી–નાગપુર–કન્યાકુમારી (રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક 7) જેવા માર્ગો આ જિલ્લામાં થઈને પસાર થાય છે, જેની પ્રાદેશિક જિલ્લામાંની કુલ લંબાઈ 196 કિમી. છે. તે સિવાય 5 રાજ્યકક્ષાના માર્ગોની જિલ્લામાંની લંબાઈ 268 કિમી. તથા જિલ્લાકક્ષાના પ્રમુખ માર્ગોની લંબાઈ 467 કિમી. છે.

પર્યટનસ્થળો : જિલ્લાનાં પર્યટનસ્થળોમાં રામટેકનું વિશેષ મહત્ત્વ છે. ત્યાંની ટેકરી પર શ્રીરામનું પ્રાચીન મંદિર આવેલું છે. આ ટેકરીઓ પર 600 વર્ષ જૂનાં મંદિરો પણ આવેલાં છે. આ ઉપરાંત ત્યાં જૈનોનું પણ તીર્થધામ છે. વર્ષ દરમિયાન ઘણાં યાત્રિકોની અહીં અવરજવર રહ્યાં કરે છે. આ જ સ્થળે મહાકવિ કાલિદાસનું સ્મારક આવેલું છે. રામટેકથી માત્ર 2 કિમી.ને અંતરે ખિંડસી તળાવ અને મધ્યમ કક્ષાનો જલસિંચન પ્રકલ્પ છે, જ્યાં નૌકાવિહારની ઉત્તમ સુવિધા છે. વળી તેને કારણે જિલ્લામાં સિંચાઈની સગવડમાં પણ વધારો થયો છે. આદાસા ખાતે ગણેશની વિરાટકાય મૂર્તિ છે, ધાપેવાડા ખાતે વિઠ્ઠલ-રુક્માઈનું પ્રાચીન મંદિર તથા કોલબા સ્વામીનો મઠ છે.

નાગપુર (શહેર) : મહારાષ્ટ્ર રાજ્યનું મહત્ત્વનું શહેર સમગ્ર ભારતીય વિસ્તારના મધ્યવર્તી સ્થાને 21° 09’ ઉ. અ. અને 79° 06’ પૂ. રે. પર, નાગ નદીને કાંઠે તે વસેલું છે. આ શહેર મુંબઈ–કૉલકાતા અને દિલ્હી–ચેન્નાઈના મુખ્ય રાષ્ટ્રીય માર્ગ પર, મુંબઈથી 705 કિમી. ઈશાનમાં, કૉલકાતાથી 960 કિમી. પશ્ચિમે આવેલું છે. મધ્યભારતીય રેલમાર્ગ પરનું અગત્યનું જંકશન છે. આમ તે રેલમાર્ગે, ધોરીમાર્ગે અને હવાઈ માર્ગે ભારતનાં મુખ્ય શહેરો સાથે સંકળાયેલું છે. પરિવહન સુવિધાઓને કારણે તે ઔદ્યોગિક અને વ્યાપારી ક્ષેત્રે વિકાસ પામ્યું છે. આ જ કારણે અહીં કપાસની ખેતીને તેમજ કાપડ-ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે. અહીંથી ભારતનાં જુદાં જુદાં સ્થળોએ જવા માટે પરિવહનનાં સાધનો મળી રહે છે અને વાહનો બનાવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે. રેશમી કિનારી અને સોના-ચાંદીના ભરત-ગૂંથણવાળું હાથવણાટનું સુતરાઉ કાપડ નાગપુરની વિશિષ્ટ પેદાશ ગણાય છે.

રાજ્યનાં વિદ્યાધામોમાં તેની ગણતરી થાય છે. 1923માં સ્થપાયેલ નાગપુર યુનિવર્સિટી ઉપરાંત અન્ય ચાર યુનિવર્સિટી પણ આવેલી છે. તે પૈકી આર્ટ્સ-કૉમર્સ વિદ્યાશાખાની આઠ કૉલેજો છે. ઇજનેરી વિદ્યાશાખાની 26 કૉલેજો પણ છે. તદુપરાંત મૅનેજમેન્ટનો અભ્યાસ કરાવતી સંસ્થા પણ છે. તે પૈકી એમ.ટેક. સુધીનું શિક્ષણ આપતી લક્ષ્મીનારાયણ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (I.I.T.) તથા અભિયાંત્રિકીની વિવિધ શાખાઓનું સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ આપતી વિશ્વેશ્વરૈયા રીજિયૉનલ એન્જિનિયરિંગ કૉલેજનો તેમાં સમાવેશ થાય છે. વળી વિદેશ સાથે સંકળાયેલી શિક્ષણ સંસ્થાઓ પણ છે.

નાગપુર શહેરમાં પર્યટકો માટે જોવાલાયક સ્થળો આવેલાં છે, તે પૈકી આધુનિક ઢબે વિકસાવેલ સેમિનરી ટેકરીઓ, જુમા તળાવ, તેલીનખરી તળાવ, અંબાઝરી તળાવ, ગોરેવાડા તળાવ જેવાં જળાશયો, મહારાજબાગ ઉદ્યાન, મહાલ વિભાગમાંનું ગાંધીસાગર તળાવની નજીકનું બાલોદ્યાન, બાલાજી મંદિર, સિતાબર્ડી કિલ્લો, પ્રાણીસંગ્રહાલય, ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારક(દીક્ષાભૂમિ)તથા ડૉ. હેડગેવાર સ્મૃતિમંદિર વિશેષ ઉલ્લેખનીય છે. ભારતીય વાયુસેનાના અનુરક્ષણ વિભાગનું મુખ્યાલય આ નગરમાં સેમિનરી ટેકરીઓ પર વિકસાવવામાં આવ્યું છે.

ઇતિહાસ : અઢારમી સદી અગાઉનો નાગપુર શહેરનો કોઈ ખાસ ઇતિહાસ ઉપલબ્ધ નથી. અઢારમી સદીના પ્રારંભમાં ગોંડ રાજા બખ્ત બુલંદે આ શહેર વસાવ્યું હોવાની માહિતી મળે છે. એ વખતે તે છિંદવાડામાં દેવગઢના ગોંડ રાજ્યનો એક ભાગ હતું. 1740માં મરાઠા યુગના વર્ચસ વખતે ભોંસલે વંશના રાજવીએ આ પ્રદેશ જીતી લઈ તેને રાજધાનીનું મથક બનાવેલું. 1817માં મરાઠાઓ અને બ્રિટિશ કંપની વચ્ચે સિતાબર્ડી ટેકરીના સ્થાને લડાઈ થઈ, નાનકડા બ્રિટિશ લશ્કરે તેનાથી વધુ સંખ્યાબળ ધરાવતા મરાઠા લશ્કરને હરાવ્યું અને અંગ્રેજોએ આ પ્રદેશ પર પોતાનું વર્ચસ સ્થાપિત કરી દીધું. 1853માં આ રાજ્યનો કોઈ વારસદાર ન હોવાથી તે અંગ્રેજ હકૂમત હેઠળ ગયું. 1861માં નાગપુરને મધ્યપ્રાંતમાં ભેળવી દેવાયું અને પ્રાદેશિક પાટનગર બનાવાયું. 1867 પછી વ્યાપારી મથક તરીકે વિકસ્યું. 1947માં ભારત સ્વતંત્ર થતાં આ વિસ્તાર મધ્ય પ્રાંતમાંથી મધ્યપ્રદેશ બન્યો અને નાગપુરને રાજ્યના પાટનગરનો દરજ્જો મળ્યો. 1956માં ભાષાવાર રાજપુનર્રચના થતાં, મધ્યપ્રદેશનો આ મરાઠીભાષી ભાગ દ્વિભાષી મુંબઈ રાજ્ય હેઠળ મુકાયો. 1960માં દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો અલગ પડ્યાં, ત્યારથી તે મહારાષ્ટ્ર રાજ્યની વૈકલ્પિક રાજધાનીનો વિશિષ્ટ દરજ્જો ભોગવે છે. 1971–80 દરમિયાન નજીકના કામ્પટી (તેનાં કારખાનાં સહિત) નગરને પણ નાગપુર વિસ્તારમાં ભેળવી દેવાયું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે