નાઇટ્રોસિલ ક્લોરાઇડ (NOCℓ) : અમ્લરાજ(aqua ragia)માંનો એક ઉપચયનકારી ઘટક. વાયુરૂપમાં તે પીળો જ્યારે પ્રવાહી રૂપમાં રતાશ પડતા પીળા રંગનો હોય છે. પ્રવાહીનું ગ. બિં. –59.6° સે.અને ઉ. બિં. –6.4° સે. તથા ઘનતા 1.273 (20° સે.) છે. વાયુ સળગી ઊઠે તેવો કે સ્ફોટક પ્રકૃતિનો નથી; પરંતુ ખૂબ જ સંક્ષારક (corrosive) છે.
શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ અને નાઇટ્રોસિલ સલ્ફયુરિક ઍસિડ(O2N·SO3H)ની વચ્ચેની પ્રક્રિયા દ્વારા તેમજ સોડિયમ નાઇટ્રેટ ઉપર ક્લોરિનની પ્રક્રિયા દ્વારા તે બનાવી શકાય છે : નાઇટ્રિક ઑક્સાઇડ અને ક્લોરિન સાથેની પ્રક્રિયા વડે તથા આર્દ્ર (moist) પોટૅશિયમ ક્લોરાઇડ ઉપર N2O4 પસાર કરવાથી પણ તે મેળવી શકાય છે.
2NO + Cl2 → 2NOCl
N2O4 + KCl → NOCl + KNO3
અમ્લરાજમાં જે નારંગી રંગ દેખાય છે તે નાઇટ્રોસિલ ક્લોરાઇડને લીધે છે. પાણી સાથે તે વિઘટન પામે છે. ગરમ કરતાં તે નાઇટ્રિક ઑક્સાઇડ અને ક્લોરિનમાં વિઘટન પામે છે. ધૂમાયમાન સલ્ફ્યુરિક ઍસિડમાં તે દ્રાવ્ય છે. હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં નાઇટ્રોસિલ ક્લોરાઇડ હાઇડ્રોકાર્બન સાથે પ્રકાશ-રાસાયણિક પ્રક્રિયા દ્વારા સામાન્ય તાપમાને ઑક્ઝાઇલ સંયોજનો બનાવે છે. આ પ્રક્રિયા ટર્પીન રસાયણમાં ઘણી ઉપયોગી છે. જેમાં નાઇટ્રોસિલ ક્લોરાઇડ એક પ્રક્રિયક તરીકે દ્વિબંધ પારખવા તથા પ્રક્રિયા કરવા વપરાય છે. આ ઉપરાંત નાઇટ્રોસિલ ક્લોરાઇડ મધ્યવર્તી તરીકે, ઉદ્દીપક તરીકે તથા સંશ્લેષિત પ્રક્ષાલકો બનાવવામાં વપરાય છે.
આ વાયુથી આંખો ખૂબ બળે છે તથા ચામડી અને આંતરત્વચા (mucous membrane) ઉપર પણ બળતરા થાય છે. તે શ્વાસમાં જાય તો રક્તસ્રાવ તથા ફેફસાં ઉપર પણ વિપરીત અસર કરે છે.
જગદીશ જ. ત્રિવેદી