નાઇટ્રોબેન્ઝિન : આછા પીળા રંગનું મધુર પણ કડવી સુગંધવાળું તૈલી પ્રવાહી. તેનું ઉ. બિં. 210.9° સે., ગ. બિં. 5.6° સે. તથા ઘનતા 1.1987 છે. બેન્ઝિનનું નાઇટ્રિક ઍસિડ તથા સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણ દ્વારા નાઇટ્રેશન કરવાથી તે મળે છે. તેનું અણુસૂત્ર C6H5NO2 તથા બંધારણીય સૂત્ર છે :

નાઇટ્રોબેન્ઝિન વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવે છે, પરંતુ બેન્ઝિનના મુકાબલે પ્રક્રિયા માટે જલદ પરિસ્થિતિ જરૂરી છે. વિસ્થાપન 3 અથવા મેટા સ્થાન પર થાય છે.

ઉત્પાદન થતું મોટાભાગનું નાઇટ્રોબેન્ઝિન અપચયન દ્વારા ઍનિલીન બનાવવામાં વપરાય છે. ઉપરાંત બેન્ઝિડીન, મેટાનીલિક ઍસિડ જેવા રંગક મધ્યસ્થીઓ પણ તેમાંથી બનાવવામાં આવે છે. નાઇટ્રોબેન્ઝિનની ખૂબ વિષાળુ અસરને કારણે કાર્બનિક સંયોજનો માટે તેનો દ્રાવક તરીકે ઉપયોગ ખૂબ સીમિત થાય છે. તે સેલ્યુલોઝ ઈથર માટે દ્રાવક તરીકે તેમજ બૂટપૉલિશ અને ધાતુપૉલિશમાં એક ઘટક તરીકે પણ વપરાય છે. ચામડી દ્વારા શોષાઈને તે વિષાળુ અસર દર્શાવે છે. જો નાઇટ્રોબેન્ઝિનની બાષ્પ શ્વાસમાં લેવામાં આવે તો સાયનોસિસને પરિણામે શરીર વાદળી રંગનું થઈ જાય છે.

જ. પો. ત્રિવેદી