નાઇમેય (Niamey) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ નાઇજર પ્રજાસત્તાકનું પાટનગર, મુખ્ય શહેર તથા નદીબંદર. નાઇમેય તે જ નામ ધરાવતા પ્રાંતનું પણ પાટનગર છે. ભૌગોલિક સ્થાન : 13° 31´ ઉ. અ. અને 2° 07´ પૂ. રે.. તે નાઇજર નદી પર દેશના નૈર્ઋત્ય ખૂણામાં રણની સરહદ પર વસેલું છે. તેનું સરેરાશ તાપમાન 35° સે. તથા વરસાદનું પ્રમાણ સ્થળભેદે 180 મિમી.થી 560 મિમી. રહે છે.

આ શહેર વેપાર તેમજ કૃષિપેદાશોની નિકાસ માટેનુ મહત્ત્વનું કેન્દ્ર છે. કૃષિપેદાશોની ખરીદી અને વેચાણ માટે અહીં બે બજારવિભાગો છે. નાઇજર નદી મોટાભાગની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહી છે. મૂળ કૃષિ સાથે સંકળાયેલ આ નગરનો બીજા વિશ્વયુદ્વ પછી ઝડપી વિકાસ થયો છે. નગરમાં કૃષિપેદાશો તેમજ ઢોરઢાંખરનું બજાર અને ખાદ્યપ્રક્રમણના ઉદ્યોગો વિકસ્યા છે. નાઇજર નદી પરના હાલના પાટનગરના નૈર્ઋત્ય ભાગમાં અગાઉ માઓરી, ઝર્મા અને ફુલાની લોકોથી વસેલું ખેડૂતોનું નાનું ગામ હતું. આજે તો તે નાઇજરિયા, બેનિન, ટોગો તેમજ અન્ય પ્રદેશોના વેપારીઓના વસવાટથી ગીચ બની ગયું છે. 1970 અગાઉ નદીના ડાબા (ઉત્તર) કાંઠા પર વસ્તી  વસવાટ વધુ હતો. 1970માં કૅનેડી બ્રિજ તૈયાર થતાં નદીના જમણા (દક્ષિણ) કાંઠા તરફના વિસ્તારનો ઝડપી વિકાસ થયો છે. નગરની આજુબાજુના વિસ્તારમાંથી સ્થળાંતર કરી ત્યાં વસેલા લોકોમાં ભિન્ન ભિન્ન પ્રકારની કોમોનો સમાવેશ થાય છે. મોટાભાગની ગીચ વસ્તી નાઇજર નદીને કિનારે વસેલી છે. અહીં થોડા ઉદ્યોગો વિકસ્યા છે ખરા, પરંતુ મોટાભાગના લોકો નોકરી કરે છે. કુલ વિસ્તાર 670 ચો.કિમી. કુલ વસ્તી 10,26,848 (2012) છે.

નાઇમેય બંદર

શહેરની મહત્ત્વની ઇમારતોમાં સરકારી કચેરીઓ અને મસ્જિદ મુખ્ય છે. અહીં યુનિવર્સિટી ઑવ્ નાઇમેય (સ્થાપના–1971, દરજ્જો–1973); નૅશનલ સ્કૂલ ઑવ્ ઍડમિનિસ્ટ્રેશન (1963); રાષ્ટ્રીય સંગ્રહાલય; ભૂસ્તરશાસ્ત્ર, ખનિજશાસ્ત્ર, તથા માનવવિજ્ઞાન, અયનવૃત્તીય વનવિદ્યા તથા કૃષિવિદ્યા અને પશુચિકિત્સાને લગતી સંશોધનસંસ્થાઓ આવેલી છે. નગરની બાજુમાં આંતરરાષ્ટ્રીય વિમાની મથક છે. બેનિન અને નાઇજિરિયાનાં ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પરનાં બંદરો સાથે તે માર્ગોથી જોડાયેલું છે.

વીસમી સદીના પ્રથમ દસકામાં, અહીં ઘણા લાંબા સમયથી વસતા કાળા આફ્રિકીઓ પાસેથી ફ્રાન્સે નાઇજરનો કબજો મેળવેલો. 1926માં ફ્રેંચોએ નાઇમેય શહેરનો પાટનગર તરીકે પાયો નાખ્યો. 1960માં ફ્રેંચોના કબજામાંથી નાઇજર સ્વતંત્ર થયું અને પ્રજાસતાક બન્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે