નહેરુ (નેહરુ), મોતીલાલ
January, 1998
નહેરુ (નેહરુ), મોતીલાલ (જ. 6 મે 1861, આગ્રા; અ. 6 ફેબ્રુઆરી 1931, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતના અગ્રણી રાજપુરુષ. પિતા ગંગાધર 1857ના બળવા પહેલાં દિલ્હીના કોટવાલ હતા. ત્યાંથી આગ્રા સ્થળાંતર કર્યું. મોતીલાલના જન્મના ત્રણ મહિના અગાઉ પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ નંદલાલ સાથે અલ્લાહાબાદ રહેવા ગયા. મૅટ્રિક પાસ થઈને અલ્લાહાબાદની મ્યુર સેન્ટ્રલ કૉલેજમાં જોડાયા. 1883માં તેમણે વડી અદાલતની વકીલની પરીક્ષા પસાર કરી, તેમાં સુવર્ણચન્દ્રક મેળવ્યો. સફળ વકીલ તરીકે આ વ્યવસાયમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું અને ધન તેમજ કીર્તિ મેળવવાના અધિકારી બન્યા. કૉલેજના બ્રિટિશ અધ્યાપકોના સંપર્કને લીધે બ્રિટિશ રીતભાત તથા સંસ્થાઓથી પ્રભાવિત થયા હતા.
1899 અને 1900માં તેમણે યુરોપનો પ્રવાસ કર્યો અને પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ આકર્ષાયા. 1909માં ઉત્તર પ્રદેશની કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા. રાજા જ્યૉર્જ પાંચમા તથા રાણી મેરીની ભારતની મુલાકાત દરમિયાન તેમના માનમાં 1911માં યોજાયેલ દિલ્હી દરબારમાં તેમણે હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ અલ્લાહાબાદ મ્યુનિસિપલ બોર્ડ તથા અખિલ હિન્દ કૉંગ્રેસની મહાસમિતિના સભ્ય બન્યા અને ઉત્તરપ્રદેશની પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ચૂંટાયા.
ઍની બેસન્ટે હોમરૂલ ચળવળ શરૂ કરી તે માટે તેમની અટકાયત થયા બાદ જૂન, 1917માં મોતીલાલ તેમાં જોડાયા અને હોમરૂલ લીગની અલ્લાહાબાદ શાખાના પ્રમુખ બન્યા. એક વખતના મવાળવાદી મોતીલાલ ઑગસ્ટ, 1918થી જહાલ જૂથમાં જોડાયા. તેમણે 5 ફેબ્રુઆરી, 1919થી ‘ઇન્ડિપેન્ડન્ટ’ નામનું દૈનિક વર્તમાનપત્ર શરૂ કર્યું. ભારતના રાજકીય મંચ પર ગાંધીજીના પ્રવેશ અને સંપર્કનો પ્રભાવ મોતીલાલના જીવન તથા કુટુંબ પર પડ્યો. જલિયાંવાલા બાગના હત્યાકાંડ તથા માર્શલ લૉનો ભોગ બનેલા સેંકડો લોકોનો મોતીલાલે પોતાની વકીલાતને ભોગે બચાવ કર્યો. પંજાબમાં થયેલાં તોફાનોની તપાસ કરવા કૉંગ્રેસે નીમેલી સમિતિમાં તેમણે ગાંધીજી સાથે કામ કર્યું. ડિસેમ્બર, 1919માં અમૃતસરમાં ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનના પ્રમુખપદે તેઓ ચૂંટાયા.
સપ્ટેમ્બર, 1920માં કૉલકાતા કૉંગ્રેસના ખાસ અધિવેશનમાં ગાંધીજીના અસહકારના ઠરાવને ટેકો આપનાર તેઓ પ્રથમ હરોળના એકમાત્ર નેતા હતા. તે પછી તેમણે ઉત્તરપ્રદેશની કાઉન્સિલના સભ્યપદેથી રાજીનામું આપ્યું. ધીકતી વકીલાતનો ત્યાગ કર્યો, આનંદભવનમાં નોકરોની સંખ્યા ઘટાડી. વિદેશી કપડાંની હોળી કરવા પોતાનાં વસ્ત્રો આપી દીધાં, ખાદીનો અંગીકાર કર્યો અને પાશ્ચાત્ય રહેણીકરણી છોડીને રાષ્ટ્રવાદી જીવનપદ્ધતિ સ્વીકારી પોતાની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન કર્યું. ડિસેમ્બર, 1921માં અસહકારની લડતમાં ભાગ લેવા બદલ તેમને છ માસની સજા કરવામાં આવી. 1922માં બંધારણીય અસહકારનો કાર્યક્રમ આપવા તેમણે ચિત્તરંજન (સી.આર.) દાસના સહકારથી સ્વરાજ્ય પક્ષ સ્થાપ્યો. નવેમ્બર, 1923ની ચૂંટણીઓમાં ભાગ લઈ આ પક્ષે ધારાસભાઓમાં ઘણી બેઠકો મેળવી. મધ્યસ્થ ધારાસભામાં મોતીલાલ વિરોધપક્ષના નેતા બન્યા. તેમની તીવ્ર બુદ્ધિમત્તા, કાયદાનું અગાધ જ્ઞાન, વાક્ચાતુર્ય તથા તરતબુદ્ધિ(ready-wit)ને લીધે ધારાસભાની કામગીરીમાં અપૂર્વ સફળતા મેળવી.
1927માં સાયમન કમિશન નિમાયા બાદ સર્વપક્ષીય પરિષદે તેમના અધ્યક્ષપદે બંધારણની રૂપરેખા ઘડવા સમિતિ નીમી. આ સમિતિએ તૈયાર કરેલ ‘નહેરુ હેવાલ’માં સાંસ્થાનિક સ્વરાજનું સૂચન કર્યું હોવાથી, કૉંગ્રેસની જહાલ પાંખના નેતાઓ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝના જૂથે તેનો વિરોધ કરી, સંપૂર્ણ સ્વરાજની માગણી કરી. મોતીલાલ નહેરુ કૉંગ્રેસના ડિસેમ્બર, 1928ના કૉલકાતા અધિવેશનના પ્રમુખ હતા. તેમાં યુવા-પ્રતિનિધિઓએ પૂર્ણ સ્વરાજનો આગ્રહ કરતાં ગાંધીજીએ સમાધાન કરાવી એક વર્ષમાં સાંસ્થાનિક સ્વરાજ આપવાની બ્રિટિશ સરકારને મહેતલ આપી.
માર્ચ, 1930માં પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે કરેલ સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લઈ, મોતીલાલ જેલમાં ગયા. ત્યાં તબિયત બગડવાથી તેમને જેલમુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ 6 ફેબ્રુઆરી, 1931ના રોજ તેમનું અવસાન થયું. મોતીલાલ બાહોશ વકીલ, સારા વક્તા, મહાન સાંસદ તથા કાર્યક્ષમ સંગઠક હતા.
જયકુમાર ર. શુક્લ