નહેરુ (નેહરુ), રામેશ્વરી (જ. 10 ડિસેમ્બર 1886, લાહોર; અ. 7 નવેમ્બર 1966) : અગ્રણી સામાજિક કાર્યકર. પંજાબમાં ઉછેર. પિતા દીવાનબહાદુર રાજા નરેન્દ્રનાથ પંજાબના અગ્રણી રાજકીય નેતા હતા. તેઓ સંયુક્ત પંજાબની વિધાનસભામાં પણ ચૂંટાયા હતા.

રામેશ્વરી નહેરુ

શરૂઆતનું શિક્ષણ પરિવારમાં જ થયું. સોળમા વર્ષે બ્રિજલાલ નહેરુ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. બ્રિજલાલ મોતીલાલ નહેરુના મોટા ભાઈ નંદલાલના પુત્ર. બ્રિજલાલ ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા ત્યારે રામેશ્વરી પણ તેમની સાથે ગયાં. તેમના પહેલાં જવાહરલાલ નહેરુ ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ પહોંચી ગયેલા. આ ત્રણેયના ત્રણ વર્ષના સહવાસ દરમિયાન રામેશ્વરી વારંવાર જવાહરલાલને ભારત પાછા ફરી આઝાદીની લડતમાં ઝંપલાવવા પ્રોત્સાહિત કરતાં હતાં. 1942 સુધી રામેશ્વરી પોતે પ્રત્યક્ષ રાજકારણમાં કે આઝાદીની સીધી લડતમાં દાખલ થયાં ન હતાં. છતાં 1945માં તેઓ સંયુક્ત પંજાબની ધારાસભા માટે ચૂંટાયાં હતાં. તેમણે રાજકારણને બદલે સમાજસેવાનું વ્રત લીધેલું. આઝાદીનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન તેમણે પાકિસ્તાનમાંથી નિરાશ્રિતો તરીકે ભારત આવેલી વિધવાઓ અને બાળકોના પુનર્વસવાટનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું. ત્યારબાદ તેમણે વેશ્યાઓના પુન:સ્થાપનનું કાર્ય હાથમાં લીધું. આ કાર્ય એકલદોકલ સ્ત્રી માટે કરવાને બદલે સામૂહિક સ્તર પર વધુ સંગઠિત રીતે કરવાના હેતુથી તેમણે ‘ઍસોસિયેશન ફૉર મૉરલ ઍન્ડ સોશિયલ હાઇજીન’ નામથી એક સંગઠનની સ્થાપના કરી અને તેનાં સ્થાપક પ્રમુખ બન્યાં. પાછળથી તેમના આગ્રહને કારણે સુશીલા નાયર તેનાં પ્રમુખ બન્યાં હતાં. રામેશ્વરી નહેરુએ ‘નારી નિકેતન’ નામની સંસ્થા પણ સ્થાપી હતી. જ્યાં વેશ્યાગૃહોથી મુક્ત કરેલી સ્ત્રીઓને આશ્રય આપવામાં આવતો હતો.

1909માં તેમણે અલ્લાહાબાદમાં ‘સ્ત્રીદર્પણ’ નામના હિંદી સામયિકની શરૂઆત કરેલી, જેના તંત્રીપદે તેમણે 1924 સુધી સળંગ સેવાઓ આપી હતી. આ સામયિક ભારતીય મહિલાઓને તે જમાનામાં સામાન્ય રીતે તેમનામાં જોવા મળતી સામાજિક બદીઓ સામે જાગ્રત કરવાના ધ્યેયને વરેલું હતું. વળી, તેમણે મહિલાસમિતિની સ્થાપના પણ કરી હતી, જે મહિલાકાર્યકરોને સામાજિક સેવાની તાલીમ આપવાનું કાર્ય કરતી હતી. 1926માં તેમણે દિલ્હી વિમેન્સ લીગની સ્થાપના પણ કરી હતી. તેનાં તેઓ સ્થાપક-પ્રમુખ હતાં. 1928માં તત્કાલીન ભારત સરકારે છોકરીઓના લગ્નની વય કાયદા દ્વારા નિર્ધારિત કરવા માટે જે સમિતિની રચના કરી હતી તેના સભ્યપદે રામેશ્વરીની વરણી કરી હતી. આ સમિતિનાં તેઓ એકમાત્ર ભારતીય મહિલાસભ્ય હતાં.

સ્ત્રીઓમાં આત્મસન્માનની ભાવના જાગ્રત થાય, તેઓ પોતાના શોષણ સામે લડત ઉપાડે, પોતાના અધિકારો પ્રત્યે સભાન બને, આઝાદીની લડતમાં સક્રિય ભાગ લે એવા કાર્યક્રમોના આયોજનની પણ રામેશ્વરીએ આગેવાની લીધી હતી. સ્ત્રીમુક્તિ-આંદોલન એ આઝાદીની લડતનો જ એક અનિવાર્ય ભાગ છે એવી તેમની માન્યતા હતી. હરિજનોના ઉદ્ધાર માટે પણ તેમણે સક્રિય કામ કર્યું હતું. હરિજન સેવક સંઘની 15 સભ્યોની કેન્દ્રીય સમિતિનાં તેઓ સભ્ય હતાં (1932).

ભારતીય મહિલાઓનાં પ્રતિનિધિ તરીકે તેમણે ઇંગ્લૅન્ડ અને યુરોપના અન્ય દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. 1931માં જિનીવા ખાતે આયોજિત લીગ ઑવ્ નૅશન્સની પરિષદમાં તેના આમંત્રણને માન આપી તેઓ હાજર રહ્યાં હતાં. 1941માં અખિલ ભારતીય મહિલા પરિષદ(AIWC)ના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી.

1942માં તેમના પતિ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી તુરત જ રામેશ્વરી આઝાદીની લડતમાં સક્રિય બન્યાં હતાં, જેને માટે તેમને છ માસની સજા પણ થઈ હતી. આઝાદી પહેલાં 1937માં અને 1947માં દેશને આઝાદી મળ્યા પછી પણ તેમની સામે અવારનવાર મંત્રીપદની દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ દરેક વખતે તેમણે આવાં સત્તાસ્થાનો સ્વીકારવાની ના પાડી હતી અને એ રીતે તેઓ આજીવન નિ:સ્પૃહભાવે સમાજસેવિકા જ રહ્યાં હતાં.

જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન તેમણે વિશ્વશાંતિ અને નિ:શસ્ત્રીકરણની વૈશ્વિક ઝુંબેશમાં સક્રિય ભાગ લીધો હતો. તેની કદર રૂપે ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ અને સોવિયત સંઘે તેમને લેનિન પારિતોષિક એનાયત કર્યાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે