નહેરુ (નેહરુ), કમલા (જ. 1 ઑગસ્ટ 1899, દિલ્હી; અ. 28 ફેબ્રુઆરી 1936, લોસાં, જર્મની) : સ્વાતંત્ર્યસૈનિક. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં પત્ની. દિલ્હીના એક વેપારી પંડિત જવાહરમલની પુત્રી. તેમનાં લગ્ન 1916માં અલ્લાહાબાદના યુવાન બૅરિસ્ટર જવાહરલાલ નહેરુ સાથે થયાં હતાં. 1918માં પુત્રી ઇન્દિરાનો જન્મ થયો. પછીનાં ત્રણ વર્ષમાં જવાહરલાલ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને તેમણે અસહકારની ચળવળમાં ઝંપલાવ્યું, જેનાથી સમગ્ર પરિવારની જીવનપદ્ધતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. જવાહરલાલને સ્વતંત્રતાની ચળવળ દરમિયાન વારંવાર જેલમાં જવું પડતું. આ દરમિયાન કમલામાં સચ્ચાઈ, હિંમત, દૃઢનિશ્ચય તથા આત્મબલિદાનની ભાવનાનો વિકાસ થયો. સામ્રાજ્યવાદ વિરુદ્ધની લડાઈમાં તેમણે પતિને નૈતિક સમર્થન તથા પ્રોત્સાહન આપ્યાં. જવાહરલાલ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવાને કારણે ઘરની જવાબદારી સંભાળી શકતા નહિ, ત્યારે કમલાએ તેમના પ્રત્યે ધીરજ અને સહિષ્ણુતા દાખવ્યાં. તે પતિ પ્રત્યે ઉદારતાથી વર્તતાં હતાં.
1925ના શિયાળામાં સખત માંદગીને લીધે તેમને ઘણા મહિના હૉસ્પિટલમાં રહેવું પડ્યું. પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે સવિનય કાનૂનભંગની ચળવળ(1930)માં ઝંપલાવ્યું. કમલા કૉંગ્રેસના સ્વયંસેવકદળમાં દાખલ થયાં અને કવાયતને માટે પુરુષનો પોષાક પહેરતાં. આ ચળવળ દરમિયાન વિદેશી કાપડ તથા દારૂ વેચતી દુકાનો આગળ પિકેટિંગ કરવાને ઉનાળાના ધગધગતા તાપમાં ખડે પગે ઊભાં રહેતાં. સરઘસો તથા દેખાવોમાં તેમણે આગેવાની લીધી અને સભાઓને સંબોધવામાં કમલાએ મુખ્ય ભાગ ભજવ્યો તથા પોલીસો દ્વારા થતો લાઠીમાર સહન કર્યો. અલ્લાહાબાદ શહેર અને જિલ્લાના પ્રદેશમાં તેમણે જુસ્સાથી અને નિશ્ચયથી લડતમાં ભાગ લીધો. પોતાની નબળી તબિયતનું ભાન ભૂલીને તે આખો દિવસ તડકામાં કામ કરતાં. મોતીલાલ પણ તેમની વ્યવસ્થાશક્તિથી પ્રસન્ન થયા હતા. ઉત્તરપ્રદેશ (તે વખતે સંયુક્ત પ્રાંતો) કૉંગ્રેસ સમિતિનાં સભ્ય તથા અલ્લાહાબાદ કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે તેમણે કામ કર્યું હતું. કૉંગ્રેસની કારોબારી સમિતિ ગેરકાયદે જાહેર થઈ અને બધા સભ્યોની ધરપકડ થયા બાદ તેમની કારોબારી સમિતિના અવેજી સભ્યપદે નિમણૂક થઈ હતી. લડતમાં કમલાની શક્તિ અને ઉત્સાહે તેમની નબળી તબિયત ઉપર વિજય મેળવ્યો. તેમના વાંધાજનક પ્રવચનના કારણે 1 જાન્યુઆરી, 1931ના રોજ તેમની ધરપકડ કરીને લખનઉની મધ્યવર્તી જેલમાં લઈ જવામાં આવ્યાં. તે સમયે એક પત્રકારે સંદેશો માગતાં તેમણે જણાવ્યું, ‘મારા પતિનાં પગલાંને અનુસરતાં હું ખૂબ આનંદ અને ગૌરવ અનુભવું છું. મને આશા છે કે લોકો (કૉંગ્રેસનો) ધ્વજ ફરકતો રાખશે.’
કમલાને ગાંધીજીના ઉપદેશમાંથી ઘણું પ્રોત્સાહન મળ્યું હતું. તેમણે રૂઢિવાદી રિવાજોનો ત્યાગ કરીને ગાંધીવાદી વિચારસરણી અપનાવી હતી. તેમણે ધર્મ અને જ્ઞાતિનાં બંધનો ફગાવી દીધાં. બિનસાંપ્રદાયિકતાનાં તથા સ્ત્રીઓની સમાનતાનાં હિમાયતી બન્યાં. ભારતની સ્ત્રીઓ પ્રત્યેનું સમાજનું અન્યાયી વર્તન, પરદાપ્રથા, આર્થિક પરતંત્રતા તથા અન્યાયોને લીધે તેમને ઘણું દુ:ખ થતું. તે પોતાને પુરુષની જુલમગીરી સામે સ્ત્રીઓના હકની રક્ષા કરનાર એક વીરાંગના માનતાં હતાં. પુરુષોએ બનાવેલા કાયદાઓ તેમજ રિવાજો સામેની સ્ત્રીઓની મુક્તિની લડતની વાતો કરીને તે સ્ત્રીઓને પોતાના પુરુષવર્ગથી દબાઈ ન જવાનો આગ્રહ કરતાં. ‘ભગવદગીતા’ તથા રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના જીવન અને ઉપદેશનો તેમના જીવન પર પ્રભાવ પડ્યો હતો. દલિતો અને ગરીબો પ્રત્યે તેમનામાં કરુણા હતી. લાંબી માંદગી બાદ યુવાનવયે તેમનું અવસાન થયું.
જયકુમાર ર. શુક્લ