નહાસ પાશા મુસ્તફા

January, 1998

નહાસ પાશા મુસ્તફા (. 15 જૂન 1876, સમન્નુદ, ઇજિપ્ત; . 23 ઑગસ્ટ 1965, ઍલેક્ઝાન્ડ્રિયા) : ઇજિપ્તના મુત્સદ્દી. રાષ્ટ્રવાદી વફદ પક્ષના નેતા. 1952ની ક્રાંતિ સુધી ઇજિપ્તના રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ. તેઓ વ્યવસાયે વકીલ હતા. 1904માં નહાસની ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રચાયેલા વફદ પક્ષમાં તેઓ જોડાયા. 1927માં ઝઘલુલના મૃત્યુ પછી તેમણે વફદ પક્ષનું પ્રમુખપદ સંભાળ્યું. ત્યારબાદ તેઓ પાંચ વાર ઇજિપ્તના વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ મુદત માર્ચ, 1928માં શરૂ થઈ. ઇજિપ્તના રાજા ફુઆદ પહેલાના બંધારણીય સરકાર પ્રત્યેના અણગમાને લીધે તથા વફદ પક્ષના ઉદ્દામ વિભાગે રજૂ કરેલા ખરડા પ્રત્યે બ્રિટિશ હાઈકમિશનરની નાપસંદગીને લીધે તેમને વડાપ્રધાનના પદેથી બરતરફ કરવામાં આવ્યા. 1929માં તેઓ પુન: સત્તા પર આવ્યા, પરંતુ 1930માં સાર્વભૌમ સત્તા પર અંકુશ મૂકવા અંગે રાજા સાથે મતભેદો ઊભા થતાં તેમણે મે, 1936માં હોદ્દાનું રાજીનામું આપી દીધું. નહાસ ત્રીજી વાર વડાપ્રધાન તરીકે નિમાયા ઑગસ્ટ, 1936માં. તેમણે ઇજિપ્તના પ્રતિનિધિમંડળના નેતા તરીકે ઍંગ્લો-ઇજિપ્શિયન જોડાણ અંગેની સંધિ માટે લંડન ખાતેની વાટાઘાટોમાં ભાગ લીધો. આ સંધિ ઈથેયોપિયા પરના ઇટાલીના આક્રમણના પ્રતિભાવ રૂપે કરવાની હતી.

એપ્રિલ, 1936માં ફુઆદના મૃત્યુ પછી ગાદીએ આવેલ ફારૂકે રાજાની સત્તાઓને મર્યાદિત કરવાની તેમજ નહાસની આંતરરાષ્ટ્રીય નીતિ નામંજૂર કરી. ડિસેમ્બર, 1937માં ફારૂકે નહાસને વડાપ્રધાનના હોદ્દા પરથી બરતરફ કર્યા. દ્વિતીય વિશ્વયુદ્ધના આરંભે નહાસે સાથી રાજ્યોની સ્થિતિનું સમર્થન કર્યું. જ્યારે રાજા ફારૂક આ પ્રશ્ને અનિર્ણાયક સ્થિતિમાં હતો. બ્રિટિશ રાજદૂત આખરીનામું અને લશ્કરી બળથી સજ્જ થઈને રાજા ફારૂકને મળ્યો અને નહાસને વડાપ્રધાનપદે નિયુક્ત કરવા અથવા ગાદી છોડવા માટે તૈયાર રહેવા જણાવ્યું. તેથી ફારૂકે 1942માં તેમને વડાપ્રધાનપદે નીમ્યા. 1944માં નહાસને બ્રિટિશરોનો ટેકો બંધ થતાં ફારૂકે તેમને બરતરફ કર્યા.

નહાસનો વડાપ્રધાન તરીકે આખરી હોદ્દાનો કાળ જાન્યુઆરી 1950માં શરૂ થયો. સત્તા પર આવતાં નહાસે બ્રિટન સાથેની 1936ની સંધિને રદ કરવાની માંગણી કરી તથા ફારૂકને ઇજિપ્ત અને સુદાનના રાજવી તરીકે ઘોષિત કર્યા. આ સમયે રાજમહેલમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકવિરોધ વ્યક્ત થવા લાગ્યો હતો તેથી કૅરોમાં અરાજકતા તથા અવ્યવસ્થા ફેલાયાં. તેને કારણે 1952માં ફારૂકે નહાસને વડાપ્રધાનપદેથી ફરી એક વાર બરતરફ કર્યા.

નવનીત દવે