નવાબ, સારાભાઈ મણિલાલ

January, 1998

નવાબ, સારાભાઈ મણિલાલ (જ. 29 જુલાઈ 1907, ગોધાવી, જિ. અમદાવાદ; અ. 14 જૂન 1983, અમદાવાદ) : જૈનાશ્રિત મંત્રશાસ્ત્ર, વાસ્તુકલા તેમજ ચિત્રકલાના પ્રખર વિદ્વાન. જ્ઞાતિએ અમદાવાદના વીશા શ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વણિક. પિતા મણિલાલ ચુનીલાલ નવાબ અમદાવાદમાં વેપાર કરતા હતા. માતા સમરથબહેન તેમને ચાર વર્ષના મૂકીને ગુજરી ગયાં. સારાભાઈનો જન્મ તેમના મોસાળમાં થયો હતો. તેઓ અમદાવાદમાં શેઠ બી. પી. જૈન ડી. વી. સ્કૂલમાં પ્રાથમિક તથા સામાન્ય માધ્યમિક શિક્ષણ લઈ વેપારના વ્યવસાયમાં જોડાયા; પરંતુ તેમની અંગત અભિરુચિ જૈનાશ્રિત ધાર્મિક સાહિત્યના વાચનમાં તેમજ જૈનાશ્રિત હસ્તપ્રતો તથા તેમાંની ચિત્રકલાના અધ્યયનમાં રહેલી હતી.

એવામાં ઈ. સ. 1931માં અમદાવાદમાં દેશ વિરતિ ધર્મારાધક સમાજ તરફથી જૈન હસ્તપ્રતોનું એક મોટું પ્રદર્શન યોજવામાં આવ્યું. તે પ્રસંગે સારાભાઈ પ્રસ્તુત પ્રદર્શનના એક સક્રિય સંયોજક કલાગુરુ રવિશંકર રાવળના સંપર્કમાં આવ્યા. એ કલાગુરુએ સારાભાઈની કલાદૃષ્ટિને પ્રોત્સાહન આપી હસ્તપ્રતોમાંનાં ચિત્રોની કલાનો તલસ્પર્શી અભ્યાસ કરવા પ્રેર્યા. સારાભાઈએ પોતાનું સમગ્ર ધ્યાન હવે વેપારને બદલે ચિત્રકલાના અધ્યયનમાં કેન્દ્રિત કર્યું. જૈનાશ્રિત ચિત્રકલાના સૂક્ષ્મ અધ્યયન, સંપાદન અને પ્રકાશન અંગે સતત ખંત અને અખૂટ ધીરજથી સારાભાઈએ ‘જૈન ચિત્ર કલ્પદ્રુમ’ નામે પુસ્તક તૈયાર કર્યું. એ જમાનામાં એમણે રૂપિયા દસ હજારનું ગંજાવર ખર્ચ કરી વેપારી કુનેહ અને અનોખી ત્રેવડથી આ ગ્રંથનું 1936માં પ્રકાશન કર્યું ત્યારે તે એ પ્રકારનું યશસ્વી પ્રકાશન નીવડ્યું.

સારાભાઈએ જૈન સ્તોત્રો તથા મંત્રોને લગતાં અનેક પુસ્તકોનું સંપાદન તથા પ્રકાશન કર્યું; જેમ કે, ‘જૈન સ્તોત્ર સંદોહ ભાગ  1’ (1932), ‘મહા પ્રભાવિક નવસ્મરણ’ (1938), ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’ (1940), ‘શ્રી ઘંટાકર્ણ મણિભદ્ર મંત્રતંત્ર કલ્પાદિ સંગ્રહ’ (1941), ‘સ્તવન-મંજૂષા’ (1941), ‘શ્રી જૈન નિત્યપાઠ સંગ્રહ’ (1941), ‘અનુભવ મંત્ર બત્રીશી’, ‘આકાશગામિની પાદલેપ વિધિકલ્પ’, ‘મણિકલ્પ યાને રત્નપરીક્ષા’, ‘જૈન સ્તોત્ર સંદોહ’, ‘અનેકાર્થ સાહિત્યસંગ્રહ’, ‘શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ’, ‘મહાચમત્કારિક વિશાયંત્ર કલ્પ’, ‘અનેકાર્થ સાહિત્યસંગ્રહ ભાગ 1’, ‘મહર્ષિ મેતારજ’ (1941) વગેરે.

હસ્તપ્રતોના અધ્યયન નિમિત્તે સારાભાઈ મુનિ શ્રી પુણ્યવિજયજીના સંપર્કમાં આવ્યા ને એમના પ્રેરક માર્ગદર્શન હેઠળ એમણે ‘ભારતનાં જૈન તીર્થો અને તેનાં શિલ્પ-સ્થાપત્ય’ નામે બીજો યશસ્વી ગ્રંથ 1942માં પ્રકાશિત કર્યો. વળી એ અગાઉ ‘કલ્પસૂત્ર’(બારસા સૂત્ર)ને સુંદર સુશોભનો તથા ચિત્રો સાથે સંપાદિત કરી 1941માં ‘ચિત્રકલ્પ સૂત્ર’ નામે પ્રકાશિત કરેલું.

‘જૈન ડિરેક્ટરી’ તથા ‘જૈન પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલી’ પણ એમનાં યાદગાર પ્રદાન છે.

સારાભાઈનાં લગ્ન લીલાવતીબહેન સાથે થયેલાં. એમને બે પુત્ર અને પાંચ પુત્રીઓ હતાં. એમના બંને પુત્રો ધાર્મિક તથા કલાવિષયક પુસ્તકોના પ્રકાશનમાં સક્રિય રસ ધરાવે છે. સારાભાઈએ પાછલાં વર્ષોમાંય અનેક ઉપયોગી ગ્રંથો પ્રકાશિત કરેલા; જેમ કે ‘જૈન સામુદ્રિક ગ્રંથ’ 1થી 5, ‘સૂરિયંત્ર-કલ્પસંદોહ’, ‘પાર્શ્વનાથ-ઉપાસના’, ‘પદ્માવતી ઉપાસના’, ‘નમસ્કાર મહામંત્ર આરાધન’, ‘ષડાવશ્યક બાલાવબોધ’, ‘કાલક કથા સંગ્રહ’, ‘જૈન ચિત્રાવલી’, ‘વિવિધ કલ્પસંગ્રહ’, ‘સંગીત નાટ્ય રૂપાવલી’ (સંપા. વિદ્યાબહેન નવાબ’) ઇત્યાદિ. આ ઉપરાંત સારાભાઈએ અંગ્રેજીમાંય કેટલાંક સચિત્ર પ્રકાશનો (અનેક અપ્રગટ અને ઐતિહાસિક સંસ્કૃત પ્રશસ્તિઓ સાથે) કરેલાં છે, જેમાં કલ્પસૂત્રચિત્રો, પશ્ચિમ ભારતનાં લઘુચિત્રો, રાજસ્થાનના જૈન ભંડારોમાંનાં પ્રાચીનતમ ચિત્રો, કેન્દ્રીય સંગીત અને નૃત્યનાં ચિત્રો ઇત્યાદિનો સમાવેશ થાય છે. આમ સચિત્ર ગ્રંથોનાં સંપાદન તથા પ્રકાશન દ્વારા સારાભાઈ નવાબે ગુજરાતની ગણનાપાત્ર સેવા કરી છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી