નવાયસ લોહ : આયુર્વેદિક ઔષધ. શરીરમાં લોહી ઘટી જવાથી જે ફીકાશ–પાંડુતા આવી જાય છે તેને દૂર કરનાર આ ઔષધિ છે.

હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી પીપર, વાવડિંગ, નાગરમોથ અને ચિત્રક એ દરેક ઔષધિનું બારીક ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈ તેમાં તેટલા જ પ્રમાણમાં શાસ્ત્રીય વિધિથી તૈયાર કરેલ લોહભસ્મ ભેળવી ખરલમાં ઘૂંટીને મિશ્રણ તૈયાર કરાય છે. તેનું નામ નવાયસ લોહ છે. આની માત્રા 1 થી 2 ગ્રામ જેટલી હોય છે. તે મધમાં મેળવી સવાર સાંજ બે વાર ચાટી શકાય છે. આ ઔષધિના ઉપયોગથી પાંડુરોગ, કમળો તેમજ લોહીની ઓછપને કારણે આવેલી નબળાઈ દૂર થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા