નવરાત્રી : હિંદુ તિથિપત્ર અનુસાર મુખ્યત્વે આસો માસના પ્રથમ નવ દિવસો દરમિયાન ચાલતો હિંદુઓનો શક્તિપૂજાનો તહેવાર. તાંત્રિકો અને શાક્ત સંપ્રદાયના લોકો હિંદુ 12 મહિનાઓમાં બેકી માસના પ્રથમ નવ દિવસો દરમિયાન પણ નવરાત્રી માને છે. નવરાત્રીમાં દેવી પાર્વતીના એક સ્વરૂપ દુર્ગાની પૂજા અને આરાધના કરવામાં આવે છે. પરિણામે બંગાળમાં તેને ‘દુર્ગાપૂજા’ કે ‘પૂજા’ એવા શબ્દથી ઓળખવામાં આવે છે. નવરાત્રીમાં આખો દિવસ ઉપવાસ કરીને સવાર, બપોર અને રાત્રીએ નવે દિવસ મહિષાસુરમર્દિની દુર્ગાદેવીની પૂજા થાય છે. તેમાં રાત્રીએ કરવામાં આવતી પૂજા મુખ્ય ગણવામાં આવી છે. આ પૂજા કરવાનો અધિકાર સર્વ વર્ણોને ધર્મશાસ્ત્રે બક્ષ્યો છે. પરિણામે દુર્ગાપૂજા સાત્વિકી, રાજસી અને તામસી  એવા ત્રણ પ્રકારની છે. માર્કણ્ડેયપુરાણમાં આવતી ‘દુર્ગાસપ્તશતી’નો પાઠ કરવો એ સાત્વિકી પૂજા છે અને તે કરવાનો અધિકાર બ્રાહ્મણને આપ્યો છે. પશુ, ધાન્ય વગેરેના બલિદાનથી થતી રાજસી દુર્ગાપૂજાનો અધિકાર ક્ષત્રિય અને વૈશ્યનો છે, જ્યારે મંત્ર બોલ્યા વગરની પૂજા તામસી દુર્ગાપૂજા છે કે જેનો અધિકાર શૂદ્રને છે. નવરાત્રીમાં દુર્ગાપૂજા કરવાથી મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – એ ચારે પુરુષાર્થો થાય છે, તેનાં પાપ અને શત્રુઓ નાશ પામે છે અને તેને સંપત્તિ પ્રાપ્ત થાય છે એવી ફલશ્રુતિ છે.

નવરાત્રીમાં પ્રત્યેક દિવસે દેવીને સ્નાન કરાવી ત્રણે કાળ પૂજવામાં આવે છે. એ પછી આઠમને દિવસે પાયસ, પશુ વગેરેનું બલિદાન આપી હોમહવન કરવામાં આવે છે. વળી કુમારી કન્યાનું પૂજન કરી વસ્ત્ર અને પાત્ર વગેરેનું દાન કરવામાં આવે છે. નવરાત્રીમાં પોતાના વેદનું પારાયણ કરનાર બ્રાહ્મણ મોક્ષ પામે છે. એવી જ રીતે, નવે દિવસ ભવાનીસ્તોત્ર નામનો પાઠ કરવામાં આવે છે. નવે દિવસ-રાત અખંડ દીપ પ્રગટાવવામાં આવે છે. નવરાત્રીમાં 9,100 કે 1000 દુર્ગાસપ્તશતીના પાઠ કરી, તેના દસમા ભાગના પાઠ હોમીને અનુક્રમે નવચંડી, શતચંડી અને સહસ્રચંડી પણ કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રીમાં ગર્ભદીપ અર્થાત્ કાણાંવાળા ઘડામાં દીપ મૂકીને લોકનૃત્યના જાણીતા પ્રકાર એવા ગરબા અને ગરબીઓ ગાવામાં આવે છે. વચ્ચે ગબ્બર પર્વત ખડો કરી, તેના પર ગરબો, દીવા અને માતાની મૂર્તિ મૂકીને ગરબા ગાવામાં આવે છે, જ્યારે ગરબી એકલા પુરુષો જ ગાય છે.

નવરાત્રીમાં માટીમાં જવારા વાવી ઉગાડવામાં આવે છે અને તેની  પણ પૂજા કરવામાં આવે છે. શિવાનંદરચિત આરતી, જેમાં દેવીનાં 15 તિથિઓમાં વિવિધ રૂપે કરવામાં આવેલાં પરાક્રમો વર્ણવાયાં છે, તે ઠેર ઠેર અનેક વાર ગવાય છે. આ ગરબા અને ગરબી ગુજરાતની આગવી ઓળખ છે. ભારતના અન્ય પ્રદેશોમાં તે જુદી જુદી રીતે ઊજવાય છે, આમ છતાં ધર્મશાસ્ત્રની વિધિ લગભગ સમાન છે. નવરાત્રી પૂરી થયા પછી વિજયાદશમી કે દશેરાને દિવસે દેવીનું વિસર્જન કરવામાં આવે છે.

તદુપરાંત, ધર્મશાસ્ત્રમાં કહ્યા મુજબ નવરાત્રીમાં લલિતાપંચમીને દિવસે લલિતાદેવીનું વ્રત અને તેની કથાનું શ્રવણ કરવામાં આવે છે. ધર્મશાસ્ત્ર મુજબ નવરાત્રીમાં ગુરુઓ અને શિષ્યો સરસ્વતીશયન નામનો વિધિ કરે છે. નવરાત્રીમાં મૂળ નક્ષત્રમાં સરસ્વતીદેવીનું આવાહન અને પુસ્તકમાં સ્થાપન કરવામાં આવે છે. પૂર્વાષાઢા નક્ષત્રમાં સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. એ પછી ઉત્તરાષાઢા નક્ષત્ર હોય ત્યારે સરસ્વતીને ધાન્ય વગેરે બલિદાન આપવામાં આવે છે અને અંતે શ્રવણ નક્ષત્રમાં પુસ્તકમાંથી સરસ્વતીનું વિસર્જન કરવામાં આવે છે. પુસ્તકમાં સરસ્વતીના સ્થાપનથી માંડી વિસર્જન કરવામાં આવે ત્યાં સુધી અધ્યાપન, અધ્યયન, લેખન અને વાચન કરવાનો નિષેધ ધર્મશાસ્ત્રે ફરમાવ્યો છે. સંક્ષેપમાં, નવરાત્રી નૃત્યગીત સાથેની પૂજાવાળો નિરક્ષરથી વિદ્વાન અને રાયથી રંક સુધી આબાલવૃદ્ધ સર્વને આવરી લેતો સાર્વવર્ણિક તહેવાર છે. માઘ, ચૈત્ર, અષાઢ અને આસો-શરદની નવરાત્રી વ્રતાનુષ્ઠાન માટે શ્રેષ્ઠ ગણાય છે. તેમાં શારદ નવરાત્રીનું વિશેષ મહત્ત્વ મનાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી