નવરોઈન રાધા (. સત્તરમી સદી) : મધ્યકાલીન કાશ્મીરી સંત કવિ. એમના જીવન અને કાવ્ય વિશે ‘ઋષિનામા’ પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. તેમાં જણાવ્યા મુજબ નાનપણમાં જ એમનાં લગ્ન થયાં હતાં. ગૃહસ્થજીવનમાં નિરાશા સાંપડતાં એમણે એકાંત ગુફામાં જઈને યોગસાધના કરી અને કાશ્મીરનાં સાધ્વી કવયિત્રી લલ્લેશ્વરીના એ શિષ્ય બન્યા. એમનાં કાવ્યો ‘નુંદદ્રેશિ’ નામે પ્રગટ થયાં છે. એમનાં કાવ્યોમાં આધ્યાત્મિક સંદેશ છે. આ સમન્વયવાદી કવિ અનેક સૂફી સંતોના સંપર્કમાં આવ્યા હતા. એ સૌની એમના પર સ્પષ્ટ છાપ હતી. વળી લલ્લેશ્વરીના સંપર્કને લીધે હિંદુ દર્શન અને ભક્તિભાવનાનો એમની પર પ્રભાવ પડ્યો. એમનાં કાવ્યોમાં એ ઈશ્વરની પ્રિયતમા તરીકે આરાધના કરે છે. એથી ‘નવરોઈન રાધા’ તરીકે પણ એમની ઓળખાણ અપાય છે. એમણે સંસારની માયા છોડવાનો પણ ઉપદેશ આપ્યો છે.

ચન્દ્રકાન્ત મહેતા