નવજાગૃતિ (Renaissance) : યુરોપમાં પ્રાચીન યુરોપીય સંસ્કૃતિઓના પુનર્જન્મથી વિવિધ ક્ષેત્રે થયેલ પરિવર્તન. વિશ્વના ઇતિહાસમાં નવજાગૃતિ તરીકે ઓળખાયેલ આંદોલનનો પ્રારંભ યુરોપના ઇટાલીમાં ચૌદમી સદીમાં થયો હતો. તેનો સમયગાળો ચૌદમી, પંદરમી તથા સોળમી સદીનો ગણાય છે. આ સદીઓના તર્કશુદ્ધ વિચારકો અને સંતોએ નવજાગૃતિના આંદોલનનો પાયો નાખ્યો. આ આંદોલને રાજકીય, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક દૃષ્ટિકોણોમાં પરિવર્તનો આણ્યાં. વિવિધ ક્ષેત્રોમાં પ્રવર્તતા રૂઢિગત ખ્યાલો બદલાયા અને તર્કશુદ્ધ ખ્યાલોનો આવિર્ભાવ થયો.

‘રેનેસાં’ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. જેનો અર્થ ‘પુનર્જન્મ’ થાય છે. આથી પુનર્જાગૃતિના વિવિધ અર્થોમાંનો એક અર્થ ‘પ્રાચીન ગ્રીક તથા રોમન સાહિત્ય, કલા વગેરેનું પુન: અધ્યયન’ એવો થાય છે. વળી પ્રાચીન ગ્રીક અને રોમન સાહિત્ય તેમજ સંસ્કૃતિ માટે લૅટિન ભાષાનો શબ્દ ‘હ્યુમેનિટાસ’ છે, જેના પરથી અંગ્રેજી ભાષાનો શબ્દ ‘હ્યુમેનિઝમ’ માનવતાવાદ પ્રયોજાયો છે. એટલે ‘રેનેસાં’નો અર્થ માનવતાવાદ પણ થઈ શકે. એ રીતે પુનર્જાગૃતિના આંદોલનને મધ્ય યુગનો અંત લાવનાર અને અર્વાચીન યુગની ઉષા પ્રગટાવનાર આંદોલન તરીકે પણ વર્ણવી શકાય. ઇટાલીમાં શરૂ થયેલા આ આંદોલન પછીથી યુરોપના અન્ય દેશોમાં પણ તે ફેલાયું.

ખ્રિસ્તીઓના પવિત્ર ધામ જેરૂસલેમના કબજા માટે ખ્રિસ્તીઓ તથા મુસ્લિમો વચ્ચે આશરે બે સૈકા સુધી ચાલેલાં ધર્મયુદ્ધો માટે નાણાં મેળવવા ગીરે મૂકેલી જાગીરો સામંતોએ ગુમાવી તથા હકો પણ ગુમાવ્યા. આથી રાજ્ય અને સમાજ પરનો સામંતોનો પ્રભાવ ઘટ્યો. તેમાંથી રાજાશાહીનો ઉદ્ભવ થયો, એટલે રાજાશાહી પ્રથા અસ્તિત્વમાં આવી, જેણે પુનર્જાગૃતિમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. વળી ધર્મયુદ્ધોમાં ખ્રિસ્તીઓનો પરાજય થતાં પોપ તથા ખ્રિસ્તી દેવળની પ્રતિષ્ઠા ઘટી અને તેણે દુન્યવી બાબતોમાં દરમિયાનગીરી કરવાનો પોતાનો હક ગુમાવ્યો. પરિણામે રાજાશાહી પ્રબળ બની અને તેણે પુનર્જાગૃતિની પ્રવૃત્તિને પ્રેરણા આપી.

ધર્મયુદ્ધોમાં ભાગ લેનાર ખેડૂતો, મજૂરો તથા કારીગરો પોતાને વતન પાછા નહિ ફરતાં, વિકસતાં જતાં શહેરોમાં ઉદ્યોગોમાં જોડાયા. નવાં વિકસેલાં શહેરોમાં વેપારી વર્ગનો ઉદય થયો, જેમણે નવજાગૃતિને ઉત્તેજન આપ્યું. આમ પુરાણી સામંતશાહી અર્થવ્યવસ્થા તૂટી અને નવી મૂડીવાદી અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી, વેનિસ, જિનીવા, મિલાન, ફ્લૉરેન્સ, લિસ્બન, માર્સેલ્સ વગેરે શહેરો નવજાગૃતિની પ્રવૃત્તિઓનાં કેન્દ્રો બન્યાં.

ધર્મયુદ્ધો દરમિયાન યુરોપના ખ્રિસ્તીઓ એશિયાના આરબોના સંપર્કમાં આવ્યા. આરબો પ્રાચીન ઈરાની, ભારતીય તથા ગ્રીક સંસ્કૃતિના વાહક હતા. ખ્રિસ્તીઓને આરબો પાસેથી ચડિયાતી સંસ્કૃતિનું જ્ઞાન થયું. આથી તેમને પ્રાચીન ગ્રીક તેમજ રોમન સંસ્કૃતિમાં રસ જાગ્યો અને ખ્રિસ્તી વિદ્વાનોએ પ્રાચીન ગ્રીક તેમજ રોમન સાહિત્ય, કલા, વિજ્ઞાન વગેરેનો અભ્યાસ કર્યો, જેને લીધે નવજાગૃતિની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો. તુર્કોએ સને 1453 માં પૂર્વીય રોમન સામ્રાજ્યનું પાટનગર કૉન્સ્ટેન્ટિનોપલ કબજે કર્યું. આથી ખ્રિસ્તી વિદ્વાનો પ્રાચીન ગ્રીક અને રોમન સાહિત્ય સાથે કૉન્સ્ટેન્ટિનોપલ છોડીને ઇટાલીમાં વસ્યા, જેનાથી ત્યાં નવજાગૃતિની પ્રવૃત્તિ વિસ્તરી.

ચીનાઓની કાગળ અને મુદ્રણાલયની શોધને આરબોએ તેરમી સદીમાં યુરોપમાં ફેલાવી. આથી ચૌદમી-પંદરમી સદીમાં ઇટાલીના વેનિસ, જર્મનીના ગુટેનબર્ગ, ઇંગ્લૅન્ડના લંડન વગેરે શહેરોમાં છાપખાનાં શરૂ થયાં. પરિણામે નવજાગૃતિની પ્રવૃત્તિને વેગ મળ્યો. પ્રાચીન ગ્રીક-રોમન ગ્રંથોનો ફેલાવો થયો અને નવજાગૃતિ પ્રથમ ઇટાલીમાં અને બાદમાં યુરોપના અન્ય દેશોમાં વિસ્તરી.

બારમી-તેરમી સદીના સંતો તેમજ પંડિતોએ નવજાગૃતિના ઉત્થાનમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. આબેલાર (1079-1142) પૅરિસનો નામાંકિત વિદ્વાન હતો. તે સ્વતંત્ર વિચારશક્તિ ધરાવતો હતો અને રૂઢિવાદનો વિરોધી હતો. ફ્રાન્સ ઉપરાંત યુરોપના અન્ય દેશોના સેંકડો વિદ્યાર્થીઓ આબેલાર પાસે શિક્ષણ લેવા જતા. આબેલાર તેમને સમાજ, દેવળ તથા ધર્મમાં થયેલી વિકૃતિઓ સામે જેહાદ જગાવવાની પ્રેરણા આપતો. આબેલારે લખેલાં પુસ્તકોએ નવજાગૃતિમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેના સૌથી લોકપ્રિય પુસ્તક ‘યસ ઍન્ડ નો’માં આબેલારે સૉક્રેટિસની પ્રશ્નપદ્ધતિ અપનાવી હતી અને દેવળ તેમજ સમાજની જડતા પર પ્રહારો કર્યા હતા. આબેલારે ઈશ્વરનાં કલ્પેલાં ત્રણ સ્વરૂપ સ્નેહભાવ, શાણપણ અને સત્તા વિશે લખેલા પુસ્તકથી રોષે ભરાયેલા ધર્મગુરુઓએ તેને તે બાળી મૂકવાની ફરજ પાડી. આબેલારે ‘નો ધાય સેલ્ફ’ (તારી જાતને ઓળખ) નામના પોતાના પુસ્તકમાં ચમત્કારો, ધાર્મિક ક્રિયાકાંડો, સ્વર્ગ-નરકના ખ્યાલો વગેરેની ટીકા કરી. આથી ધર્મગુરુઓએ ધર્મસભા મારફત તેના પર કામ ચલાવીને તેને એક મઠમાં આજીવન કેદમાં રાખ્યો, જ્યાં 63 વર્ષની વયે તેનું અવસાન થયું.

સંત બર્નાર્ડ (1091-1153) જંગલમાં ક્લૅર વૉક્સ નામના સ્થળે મઠ બાંધીને રહેતા હતા. તેઓ સાદા અને પવિત્ર જીવનના આગ્રહી હતા. તેઓ ખ્રિસ્તી ધર્મગુરુઓ તેમજ ધનાઢ્યોના વૈભવ-વિલાસના ટીકાકાર હતા. પોતાનું ધન ગરીબોને વહેંચી દેવા તેઓ ધર્મગુરુઓ તેમજ  ધનાઢ્યોને આગ્રહ કરતા. તેમને ગરીબો પ્રત્યે હમદર્દી હતી. આથી ગરીબો, ખેડૂતો, પશુપાલકો વગેરે તેમના અનુયાયીઓ બન્યા. ધર્મસુધારણામાં સંત બર્નાર્ડની વિચારસરણી અને કાર્યપદ્ધતિએ નોંધપાત્ર પ્રદાન કર્યું.

સંત ડોમિનિક (1170–1221) તથા સંત ફ્રાન્સિસ (1182–1226) આ બંને સંતોએ સાદાઈ, સેવા તથા પવિત્રતા મારફત નવજાગૃતિ અને ધર્મસુધારણાનાં પરિબળોને વેગ આપ્યો. તેઓ બંને પોપ તેમજ ધર્મગુરુઓના વૈભવ-વિલાસથી નારાજ હતા. વળી તેઓ ચમત્કારો તથા રૂઢિવાદી ક્રિયાઓના પણ વિરોધી હતા. તેઓ શુદ્ધ ધર્મ અને સાદાઈના આગ્રહી હતા. તેઓ ગરીબો અને પીડિતોની સેવામાં મગ્ન રહેતા. સંત ડોમિનિકે સ્થાપેલ સમાજે ટૉમસ ઍક્વિનાસ (1225–1274) તથા આલ્બરટસ મૅગ્નસ (1200–1280) જેવા વિદ્વાનો અને સંત ફ્રાન્સિસે સ્થાપેલા સમાજે રૉજર બેકન (1214–1294) જેવા વૈજ્ઞાનિક, સ્કૉટ્સ (1266–1308) જેવા તત્વજ્ઞાની તથા જિયોટો (1267 –1337) જેવા ચિત્રકાર આપ્યા.

તત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રનો સમન્વય કરનાર ટૉમસ ઍક્વિનાસ (1225–1274) તેરમી સદીના મહાન ચિંતક તથા તત્વજ્ઞાની હતા. પ્લેટો અને એરિસ્ટોટલના તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યા બાદ દર્શનશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્ર એકમેકનાં પૂરક હોવાનું તેમણે સિદ્ધ કર્યું. ધર્મની પ્રત્યેક બાબતને તેમણે શ્રદ્ધાની સાથે બુદ્ધિથી ચકાસવાનો અનુરોધ કર્યો. આ રીતે તેમણે પુનર્જાગૃતિની સ્વતંત્ર વિચારસરણીના ઉદય તેમજ અંધશ્રદ્ધાના અસ્તને પ્રેરક બળ પૂરું પાડ્યું. રૉજર બેકન (1214–1294) મધ્યયુગના અંતનો સ્વતંત્ર વિચારદર્શનનો નામાંકિત વિદ્વાન અને વૈજ્ઞાનિક હતો. તેણે ઑક્સફર્ડ તથા પૅરિસની વિદ્યાપીઠોમાં ગણિતશાસ્ત્ર, પ્રાકૃતિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ભાષાશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેની રચનાઓમાં વિશ્વકોશ (એન્સાઇક્લોપીડિયા) નામે ખૂબ દળદાર ગ્રંથ સૌથી જાણીતો છે. તેમાંથી રૉજર બેકને 800 પૃષ્ઠનો ‘મોટો સાર’ તૈયાર કર્યો. તેના સાત ભાગોમાં રૉજર બેકને ધર્મ, દર્શનશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વિજ્ઞાન, અંધશ્રદ્ધા, અજ્ઞાન વગેરેની વિગતથી સમીક્ષા કરી છે. ‘મોટા સાર’ના પાંચમા ભાગમાં રૉજર બેકને ઊડતાં યંત્રો (વિમાનો), પશુઓની મદદ વગર ચાલતાં વાહનો (મોટરગાડીઓ), હલેસાં વગર હંકારાતાં વહાણો (આગબોટો) વગેરેની આગાહી કરી છે. ધર્મગુરુઓએ બેકનનાં આ લખાણોને ધર્મ વિરુદ્ધનાં ગણીને તેને કારાગૃહમાં પૂર્યો હતો. રૉજર બેકનના ઉપર્યુક્ત ખ્યાલો તથા લખાણોએ નવજાગૃતિના ઉદયમાં નોંધપાત્ર ફાળો આપ્યો.

ઇટાલીના ફ્લૉરેન્સ શહેરનો વતની કવિ દાંતે (1265–1321) મધ્યયુગનો સાહિત્યકાર હતો. ઇટાલીમાં ચૌદમી સદીની શરૂઆતમાં કવિ દાંતેકૃત ‘ડિવાઇન કૉમેડી’ પ્રેરણાના સ્રોતરૂપ હતી. દાંતે રૂઢિચુસ્ત હતો. તોપણ તેણે ગ્રીક તથા રોમન સાહિત્યના વિદ્વાનો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરેલ છે. તેનાથી ઇટાલીમાં પુનર્જાગૃતિનાં પરિબળોને વેગ મળ્યો. વિશ્વરાજ્યની કલ્પના કરતા તેના મહાકાવ્યને ધર્મગુરુઓેએ ધર્મ વિરુદ્ધનું ગણીને બાળી મૂક્યું હતું.

ઇટાલી પુનર્જાગૃતિની પ્રવૃત્તિઓનું પ્રથમ કેન્દ્ર હતું. આ યુગમાં સાહિત્ય, ચિત્રકલા, શિલ્પ, સ્થાપત્ય વગેરે ક્ષેત્રે આવેલાં પરિવર્તનોને નવજાગૃતિના આંદોલન તરીકે ઘટાવી શકાય, કારણ કે તેમના પર પ્રાચીન ગ્રીક તેમજ રોમન સાહિત્ય અને તત્વજ્ઞાનની સંપૂર્ણ અસર હતી.

ઇટાલીમાં પુનર્જાગૃતિ યુગને શક્ય બનાવનાર ચૌદમી સદીના સાહિત્યકારો તેમજ માનવતાવાદીઓમાં ફ્લૉરેન્સ શહેરનો વતની પેટ્રાર્ક (1304–1374) અગ્રગણ્ય હતો. તેણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરેલો, પરંતુ તેને પ્રાચીન સાહિત્યમાં ભારે અભિરુચિ હતી, એટલે તેણે વર્જિલની કૃતિ ‘ઇનિડ’, સિસેરોની રચના ‘રેટરિક’ (વક્તૃત્વકલા) વગેરેનો અભ્યાસ કર્યો. આના પરિણામે પૅટ્રાર્કે મધ્યયુગની રૂઢિચુસ્તતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને તર્કશુદ્ધ ધાર્મિકતાની હિમાયત કરી. તેની વિખ્યાત કૃતિ ‘સિક્રેટ’માં તેનો માનવતાવાદ, પ્રકૃતિપ્રેમ અને ભૂતકાળની ભવ્ય સંસ્કૃતિની પુન:પ્રતિષ્ઠા કરવાનો ભાવ વ્યક્ત થાય છે. તેણે ધર્મસત્તા(પોપ)ને રાજકીય બાબતોથી અલિપ્ત રહેવા અનુરોધ કરી ઇટાલીની રાજકીય એકતાની તરફેણ કરેલી.

ફ્લૉરેન્સનો વતની બૉકેટ્શિયો (1313–1375) પૅટ્રાર્કનો અનુયાયી હતો. તે પણ માનવતાવાદી અને પ્રકૃતિપ્રેમી હતો. તેણે પ્રાચીન ગ્રીક તથા રોમન સાહિત્યનો અભ્યાસ કર્યો, જેના પરિપાક રૂપે તેણે વાર્તાસંગ્રહની તેની વિખ્યાત કૃતિ ‘ડેકામેરોન’ રચી. તેમાં પાદરીશાહી, સામંતશાહી, મધ્યયુગની રૂઢિચુસ્તતા અને દાંભિકતાની મજાક ઉડાવી છે. તેણે અન્ય રચનાઓમાં પણ મધ્યયુગીન જીવન પર તીવ્ર કટાક્ષો કર્યા છે. આમ બૉકેટ્શિયો રેનેસાં યુગનો માનવતાવાદી જ્યોતિર્ધર હતો.

ચૌદમી-પંદરમી સદીના ઇટાલીના અન્ય સાહિત્યકારોમાં લુની, પૉડ્જો, વેરોની, ક્રિસો, લોરેસ, ઓરિસ્પા વગેરેએ ગ્રીક તત્વજ્ઞાનીઓ પ્લેટો અને એરિસ્ટોટલ તથા ઇટાલીના વિદ્વાનો સિસેરો, ટેસિટસ ઇત્યાદિની કૃતિઓનું ભાષાંતર કરીને રેનેસાંની પ્રવૃત્તિઓને વેગ આપ્યો. વળી તેમણે ગ્રીક અને રોમની પ્રાચીન સંસ્કૃતિઓને લગતાં શિલ્પો, અભિલેખો, સિક્કા વગેરેની શોધ કરીને રેનેસાંની પ્રવૃત્તિઓને નવો વળાંક આપ્યો.

પંદરમી તથા સોળમી સદી ઇટાલીનાં સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલાના વિકાસનો શ્રેષ્ઠ સમય હતો. તેમાંથી ચમત્કારો તથા દૈવી બાબતોનું મધ્યયુગીન નિરૂપણ લગભગ અશ્ય થયું અને તેને સ્થાને સામાજિક તથા વાસ્તવિક બાબતોનું નિરૂપણ પ્રચલિત થયું. આમ, આ સમયમાં ગ્રીક-રોમન કલાના પ્રભાવથી અર્વાચીન કલાની પુન:પ્રતિષ્ઠા થઈ. ઇટાલીના ફ્લૉરેન્સના મેડિચી પરિવારના શાસકો કૉઝીમો (1430–1464) તથા તેનો પુત્ર લૉરેન્ઝો (1469–1492) વિખ્યાત સ્થપતિઓ, શિલ્પીઓ અને ચિત્રકારોના આશ્રયદાતા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. ઇટાલીના ધનાઢ્ય વેપારીઓએ પણ આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું.

ઇટાલીના પંદરમી સદીના સ્થપતિઓમાં બ્રુને લેસ્કો (1377–1446), મીકૅલૉટ્સુ (1396–1472) તથા ઍલબરટી (1404–1472) વિખ્યાત હતા. બ્રુને લેસ્કોએ ફ્લૉરેન્સમાં ભવ્ય મંદિરો અને મકાનો બાંધ્યાં તથા તેણે 14 વર્ષની મહેનત બાદ ફ્લૉરેન્સના સંત મેરિયાના દેવળનો ભવ્ય તેમજ અજોડ ઘૂમટ બાંધ્યો. મીકૅલૉટ્સે ફ્લૉરેન્સના શાસક કૉસીમો માટે એક ભવ્ય મહેલ બાંધ્યો. ઍલબરટી સ્થપતિ ઉપરાંત શિલ્પી, ચિત્રકાર તથા ભાષાશાસ્ત્રી પણ હતો. તેણે બાંધેલ દેવળો અને રુસેલાઇનો મહેલ સ્થાપત્યકલાના શ્રેષ્ઠ નમૂના ગણાય છે.

ઇટાલીના પંદરમી સદીના શિલ્પીઓમાં જૉકોપો, ગિબટી તથા ડૉનેટેલો પ્રસિદ્ધ હતા. જૉકોપોનું ‘આદમ અને ઈવની સ્વર્ગમાંથી હકાલપટ્ટી’ નામે શિલ્પ જાણીતું છે. ગિબટીએ ડૉનેટેલો તથા અન્ય શિલ્પીઓની સહાયથી ફ્લૉરેન્સના દેવળના ઉત્તર દિશાના કાંસાના દરવાજા 5,50,000 પાઉન્ડના ખર્ચે 21 વર્ષે (1403–1424) પૂરા કર્યા. જ્યારે આ જ શિલ્પીઓની સહાયથી તેણે આ જ દેવળના પૂર્વ દિશાના કાંસાના દરવાજા 27 વર્ષે (1425–1452) સંપૂર્ણ કર્યા. પ્રથમ દરવાજામાં ઈશુ તથા તેના શિષ્યોના જીવનપ્રસંગો કંડારેલા છે, તો બીજા દરવાજામાં મનુષ્યોની સાથે પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ કુદરતી દૃશ્યો કોતરેલાં છે. મહાન શિલ્પી માઇકલૅંજેલોએ તેમને સ્વર્ગના દરવાજા તરીકે વર્ણવેલ છે.

ફ્લૉરેન્સના શાસક કૉસીમોની આર્થિક સહાયથી ડૉનેટેલોએ વિશ્વવિખ્યાત શિલ્પો સર્જ્યાં, જેમાં ડેવિડનું કાંસાનું બાવલું, ઘોડેસવાર ગેટા મે લાટા(રોમન સેનાપતિ)નું કાંસાનું બાવલું, ઈશુના વધનું શિલ્પ વગેરે સુપ્રસિદ્ધ છે.

ઇટાલીના પંદરમી સદીના આગેવાન ચિત્રકારો માઝાત્ચો, યુસેલો, ફિલિપોલિપી તથા ગોઝોલીની કલા ચૌદમી સદીના ચિત્રકાર જૉટો તથા સોળમી સદીના ચિત્રકારો લિયૉનાર્દો, રાફેલ અને ટિશિયનની ચિત્રકલા વચ્ચેની કડીરૂપ ગણાય. મૅસૅસિયોએ ફ્લૉરેન્સના પૂજાઘરની દીવાલો પરનાં તથા દરદીની માવજત કરતા સંત પીટરનાં દોરેલાં ચિત્રો વિખ્યાત છે. યુસેલોનાં યુદ્ધનાં ચિત્રો ખૂબ વાસ્તવિક છે. ફિલિપોલિપીએ દોરેલાં ફ્લૉરેન્સની આસપાસનાં જંગલો તેમજ પર્વતોનાં ચિત્રો હૂબહૂ છે. ગોઝોલીએ સંત ઑગસ્ટિનના જીવનપ્રસંગોનાં દોરેલાં ચિત્રો પ્રેરણાદાયી છે. બોટિચેલીનાં ચિત્રો પંદરમી સદીની ઇટાલીની ઉત્તમ ઐહિક કલાની પરાકાષ્ઠા દર્શાવે છે. તેમાં ઇટાલીનું તત્કાલીન જીવન અભિવ્યક્ત થયેલું છે. વાસ્તવિકતા એ પંદરમી સદીની ચિત્ર તેમજ શિલ્પકલાનું આગવું લક્ષણ હતું, જેનો સોળમી સદીના શ્રેષ્ઠ કલાકારો મારફત ચરમ વિકાસ થયો.

ઇટાલીના પંદરમી-સોળમી સદીના મહાન ચિત્રકારો–શિલ્પીઓમાં લિયૉનાર્દો-દ-વિન્ચી (1452–1519) તથા માઇકલૅંજેલો (1475–1564) જગપ્રસિદ્ધ છે, જ્યારે આ સમયના વિખ્યાત ચિત્રકારોમાં રાફેલ (1483–1520), ટિશિયન (1477–1576) અને ટિન્ટરેટો (1518–1594) ઉલ્લેખનીય છે. આ કલાકારોએ રેનેસાંના વિકાસને ચરમ કક્ષાએ પહોંચાડ્યો.

લિયૉનાર્દો-દ-વિન્ચી તેના સમયનો શ્રેષ્ઠ ચિત્રકાર, પ્રથમ કક્ષાનો શિલ્પી, તીવ્ર બુદ્ધિશક્તિ ધરાવનાર ઇજનેર, ખગોળશાસ્ત્રી, ધર્મનિષ્ઠ તથા વૈજ્ઞાનિક હતો. મિલાનના શાસક લુડોવિકો, ફ્લૉરેન્સના રાજવી બોર્જિયા, રોમના પોપ, મન્તુઆની વિદુષી રાણી ઇઝાબેલા વગેરેના આશ્રય તળે લિયૉનાર્દોએ ‘ધ લાસ્ટ સપર’ (અંતિમ ભોજન), મોના લીસા, ઇઝાબેલા, મેરી વગેરેનાં ઉત્તમ ચિત્રોનું સર્જન કર્યું. તેમાં ‘ધ લાસ્ટ સપર’ અને ‘મોના લીસા’ વિશ્વનાં શ્રેષ્ઠ ચિત્રો ગણાય છે. લિયૉનાર્દોએ મિલાનના શાસક લુડોવિકોના પિતાનું તૈયાર કરેલું કાંસાનું બાવલું તેના શ્રેષ્ઠ શિલ્પ તરીકે ખ્યાતિ પામ્યું છે. ઇજનેર તરીકે લિયૉનાર્દોએ મહેલો, પુલો, નહેરો વગેરેના નકશા બનાવ્યા તથા મહેલોને વિવિધ શિલ્પોથી સુશોભિત કર્યા. લિયૉનાર્દોએ ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય વગેરે વિષયો પર 5000 પૃષ્ઠની 120 હસ્તપ્રતો લખેલી છે જેમાંથી હાલમાં 50 ઉપલબ્ધ છે.

ઇટાલીનો પંદરમી-સોળમી સદીનો બીજો મહાન ચિત્રકાર, શિલ્પી તથા ઇજનેર માઇકલૅંજેલો હતો. તેનું સૌથી પ્રસિદ્ધ ચિત્ર ‘ધ લાસ્ટ જજમેન્ટ’ છે. તેણે ફ્લૉરેન્સ, રોમ, બોલોન્યા વગેરેનાં વિવિધ શિલ્પો કંડાર્યાં. તેમાં ‘પિયેટા’ (મૃત ઈશુ સાથે કુંવારી મેરી), ડેવિડનું બાવલું, મેડૉના, 12 ફિરસ્તાઓ ઇત્યાદિ શિલ્પો ખૂબ વિખ્યાત છે. રોમના સિસ્ટાઈન પૂજાઘરની છત પર દોરેલ અદભુત ચિત્રોની હારમાળાએ તેને પ્રથમ કક્ષાના ચિત્રકાર તરીકેની નામના અપાવી. તે ઉમરાવ કુટુંબનો હોવા છતાંય ગરીબો પ્રત્યે તેને વિશેષ ચાહના હતી. લિયૉનાર્દોની માફક માઇકલૅંજેલોએ પણ કલાકારોની આખી પેઢી ઊભી કરી.

ઇટાલીના પંદરમી-સોળમી સદીના ચિત્રકારોમાં રાફેલ અગ્રગણ્ય હતો. તેણે લિયૉનાર્દો તથા માઇકલૅંજેલો પાસે ચિત્રકાર તરીકેની તાલીમ લીધી હતી. રાફેલે દોરેલાં ચિત્રોમાં પોપ લિયો 10માના સૂચનથી વૅટિકન મહેલની ગૅલરી પરનાં 52 ચિત્રો, ઈશુના 12 શિષ્યોના ઉપદેશો તેમજ કાર્યોને લગતાં રેશમ પરનાં 10 ચિત્રો તથા સિસ્ટાઇન પૂજાઘરમાંના મેડૉનાનાં 50 જેટલાં ચિત્રો વિશ્વનાં શ્રેષ્ઠ ચિત્રો ગણાય છે. રાફેલનું 37 વર્ષની યુવાનવયે અવસાન થયું. રાફેલે પોતાનાં ચિત્રોમાં નિરીશ્વરવાદ તથા ખ્રિસ્તી ધર્મ અને આદર્શવાદ તથા વ્યાવહારિકતાનો સુમેળ સાધ્યો એ તેની સિદ્ધિ કહી શકાય.

ઇટાલીનો પંદરમી-સોળમી સદીનો બીજો વિખ્યાત ચિત્રકાર ટિશિયન હતો. તે વેનિસ શહેરનો વતની હતો. તેનાં ચિત્રોમાં વેનિસના આનંદપ્રિય જીવનનું આલેખન થયેલું છે. આથી તેનાં ચિત્રો દુન્યવી કલાનાં શ્રેષ્ઠ ઉદાહરણ મનાય છે. તેનું ‘કુમારી મેરીનું સ્વર્ગારોહણ’ શ્રેષ્ઠ તૈલચિત્ર ગણાય છે. તેણે દોરેલાં પોતાના સમયના મહાન રાજવી તથા આશ્રયદાતા ચાર્લ્સ પાંચમાનાં 12 જેટલાં ચિત્રો દુન્યવી ચિત્રોના ઉત્તમ નમૂનાઓ છે. તેનાં ચિત્રોમાં પ્રાકૃતિક સૌન્દર્યનાં દૃશ્યો ભરપૂર છે. આમ છતાં તેણે ધાર્મિક ચિત્રો પણ દોર્યાં છે; જેમાં ઈશુ, ફિરસ્તાઓ, સંતો તથા સંત લૉરેન્સની શહીદીનાં દૃશ્યો નોંધપાત્ર છે. ઇટાલીના રેનેસાં યુગની ચિત્રકલામાં તેણે કીમતી પ્રદાન કર્યું.

ટિન્ટેરેટો વેનિસનો સોળમી સદીનો બીજો મહાન ચિત્રકાર હતો. તેણે ટિશિયન પાસે ચિત્રની તાલીમ લીધેલી. તેણે રેશમ, કિનખાબ અને સાટીન પર દોરેલાં ચિત્રોમાં ‘કુમારી મેરી’, ‘ગુલામનો ચમત્કાર’ તથા ‘દારૂના દેવ’ લોકપ્રિય ચિત્રો છે. આ પછી ટિન્ટેરેટોએ વિશ્વની ઉત્પત્તિ, વિશ્વનો અંત, ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર અને ઈશુના પૃથ્વી પર પુનરાગમનને લગતાં 100 જેટલાં ચિત્રો દોર્યાં. ટિન્ટેરેટોએ વેનિસનાં દેવળોની દીવાલો પર દોરેલાં 56 ચિત્રોમાં ખ્રિસ્તી ધર્મનો સળંગ ઇતિહાસ આવરી લેવામાં આવ્યો છે. તેમાં ઈશુના વધને લગતું વિશાળ ચિત્ર ટિન્ટેરેટોનું શ્રેષ્ઠ ચિત્ર ગણાય છે, જે માઇકલૅંજેલોકૃત ‘લાસ્ટ જજમેન્ટ’ની સમકક્ષ મનાય છે. ટિન્ટેરેટોએ ચિત્રોની આ હારમાળામાં અપંગો, અંધો, અનાથો વગેરેની સેવા કરતા સંત રૉકનું દોરેલું ચિત્ર પણ ખાસ ઉલ્લેખનીય છે. તેણે સેનેટના સભાગૃહની આખી દીવાલ પરના કૅન્વાસ પર ‘ઈશુના સ્વર્ગારોહણ’નું ચિત્ર દોર્યું, જેમાં મનુષ્યો, ફિરસ્તાઓ, પ્રાણીઓ વગેરે મળીને 500 જેટલી આકૃતિઓ ચીતરવામાં આવી છે.

ઇટાલી ઉપરાંત, યુરોપના અન્ય દેશો જર્મની, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ વગેરેમાં પણ રેનેસાં યુગનું સાહિત્ય લખાયું તથા માનવતાવાદનો ફેલાવો થયો. જર્મનીમાં પીટર લ્યુડર (1415–1474) પહેલો માનવતાવાદી હતો. તેણે રૂઢિચુસ્ત દેવળ તેમજ સમાજ પર આકરા પ્રહારો કર્યા. જર્મન યુવાન ત્યુચલીમે થ્યુસિડિડીઝનાં પુસ્તકોનો અનુવાદ કર્યો (1482). ફ્રાન્સના લુદેએ (1467–1540) માનવતાવાદના પ્રણેતા પ્રાચીન ગ્રીક તેમજ રોમન સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ફ્રાન્સનો મૉન્ટેઇન મહાન વ્યક્તિવાદી હતો. ઇંગ્લૅન્ડના સર ટૉમસ મૂર (1478–1535) તથા વિલિયમ શેક્સપિયર (1564–1616) મહાન માનવતાવાદી તેમજ રેનેસાં યુગના વિખ્યાત સાહિત્યકારો હતા. સર ટૉમસ મૂરકૃત ‘યુટોપિયા’માં જડ સમાજવ્યવસ્થા, ધાર્મિક આડંબરો વગેરેની કટાક્ષમય શૈલીમાં કડક ટીકા કરવામાં આવી છે. ટૉમસ મૂરે ધર્મનિષ્ઠાને ખાતર શહીદી વહોરી હતી. વિલિયમ શેક્સપિયરનાં સુખાન્ત તેમજ દુ:ખાન્ત નાટકોમાં માનવસ્વભાવનું હૂબહૂ નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં રેનેસાં યુગના માનવ-આવેગોનું વાસ્તવિક ચિત્રણ છે.

રેનેસાં યુગના અંતભાગ પંદરમી-સોળમી સદી દરમિયાન ગૅલિલિયો, કૉપરનિકસ, કૅપ્લર, બ્રૂનો વગેરે વૈજ્ઞાનિકોની શોધખોળોએ પણ રેનેસાં યુગના ઘડતરમાં તથા મધ્યયુગની જડ માન્યતાઓ દૂર કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. કાગળ તથા મુદ્રણકલાની શોધો થવાથી પુસ્તકોની અનેક નકલો તૈયાર થઈ અને જ્ઞાનનો ઝડપી પ્રચાર થયો.

કેટલાક વિચારકો તેને મધ્યયુગી જડતામાંથી આધુનિક યુગની ઉષા પ્રગટાવનાર આંદોલન તરીકે ઘટાવે છે તો અન્ય તેને નીચલા થરના લોકોનું શોષણ કરનાર મૂડીવાદી આંદોલન ગણે છે. બંનેમાં અંશત: સત્ય છે. આ યુગમાં પ્રાચીન ગ્રીક તેમજ રોમન સંસ્કૃતિનું પુનરુત્થાન થયું, જેમાંથી યુરોપની આધુનિક સંસ્કૃતિનું ઘડતર થયું. પરંતુ આ પ્રાચીન સંસ્કૃતિ ઉપલા વર્ગ તેમજ શહેરી સભ્યતા પૂરતી મર્યાદિત હતી એટલે નીચલા થરના લોકો તેમજ ગ્રામીણ સમાજ પર તેની ખાસ કોઈ અસર થઈ નહિ. ઇટાલીનાં શહેરોનાં ભવ્ય ચિત્રો, શિલ્પો તથા સ્થાપત્યોના નિર્માણ પાછળ હજારો ગરીબોનું શોષણ થયેલું છે. રેનેસાંની કલા બહુધા શ્રીમંતાઈનો આવિષ્કાર હતી. તેમાં ધાર્મિક બાબતોની સાથે જાતીય વૃત્તિઓનું તેમજ નૈતિક સ્ખલનોનું ચિત્રણ પણ વિશેષ પ્રમાણમાં છે.

રેનેસાંના સમયમાં શકવર્તી ભૌગોલિક શોધખોળોને લીધે નવા જલમાર્ગો તેમજ નવા દેશોની શોધ થઈ. જેને પરિણામે સમૃદ્ધ યુરોપીય દેશોએ પૂર્વીય દેશોનું આર્થિક શોષણ કર્યું. તેનાથી સંસ્થાનવાદ તેમજ સામ્રાજ્યવાદ પોષાયા. જોકે રેનેસાંએ સામંતશાહીને બદલે રાષ્ટ્રીય રાજાશાહીનું સર્જન કર્યું, જેણે લોકોને સલામતી અને આબાદી આપી. રેનેસાંએ લોકોના રાજકીય, સામાજિક તથા ધાર્મિક દૃષ્ટિકોણો બદલવામાં કીમતી ફાળો આપ્યો. આને લીધે મધ્યયુગી વિચારસરણી વિલીન થઈ અને આધુનિક વિચારસરણીનો ઊગમ થયો. રેનેસાં યુગનું મોટામાં મોટું પ્રદાન માનવતાવાદને ક્ષેત્રે કહી શકાય, જેણે મૂડીવાદી ઢાંચામાં માનવતાવાદનું મૂલ્ય સ્થાપિત કર્યું. રેનેસાંને ધર્મસુધારણાનો પાયો નાખનાર આંદોલન પણ કહી શકાય.

રમણલાલ ક. ધારૈયા