નવચેતન (1922) : વીસમી સદીનું પ્રથમ ગુજરાતી સાહિત્યિક માસિક. ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીએ કૉલકાતાથી 1 એપ્રિલ, 1922ના રોજ પોતાના તંત્રીપદે આ માસિકનું પ્રકાશન શરૂ કર્યું હતું. ગુજરાતથી સેંકડો માઈલ દૂર બંગાળમાંથી ગુજરાતી સામયિક શરૂ કરવાના તેમના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, પણ નિષ્ઠાને કારણે તે બધી મુશ્કેલીઓ પાર કરી ગયા હતા. આ માસિક ચાલુ રાખવા માટે એક વાર તેમને પત્નીના દાગીના વેચવા પડ્યા હતા તેમજ એક સમયે તેઓ આપઘાત કરવા પણ તૈયાર થઈ ગયા હતા.
પ્રારંભમાં ‘નવચેતન’ રૉયલ આઠ પેજી સાઇઝમાં સચિત્ર વાચન સાથે 48 પાનાંમાં પ્રગટ થતું હતું. તે વખતે તેનું લવાજમ રૂપિયા છ અને આના છ હતું. એમાં દર અંકે ત્રિરંગી કે દ્વિરંગી ચિત્ર પ્રગટ થતું હતું. નવોદિતોને ઉત્તેજન તથા ગુજરાતી કુટુંબોને શિષ્ટ અને સંસ્કારી વાચન પીરસવાની ‘નવચેતન’ની નીતિ હતી, જે આજે પણ ચાલુ છે.
બીજા વિશ્વયુદ્ધ વખતે 1942થી 1945 સુધી ‘નવચેતન’ વડોદરા લાવી પ્રગટ કરવામાં આવતું હતું પણ ત્યારબાદ 1946થી તે પુન: કૉલકાતાથી પ્રગટ થવા માંડ્યું હતું. કૉલકાતામાં ગુજરાતી કંપોઝિટરની મુશ્કેલી નડવાથી ચાંપશીભાઈ 1948ના ઑગસ્ટમાં અમદાવાદ આવ્યા અને ત્યાંથી ‘નવચેતન’ પ્રગટ થવા લાગ્યું. ચાંપશીભાઈના પુત્ર વિજયસિંહ ઑફિસર હતા. તેમનું આ ક્ષેત્ર ન હતું. તેમજ તે બીજા શહેરમાં રહેતા હોઈ ચાંપશીભાઈ અમદાવાદમાં મુકુન્દભાઈ શાહ સાથે રહેવા લાગ્યા.
ચાંપશીભાઈનું અવસાન (1974) થયું તે પછી ‘નવચેતન’ની સંચાલન-સંપાદનની સઘળી જવાબદારી મુકુન્દ પ્રા. શાહ સંભાળતા હતા. મુકુન્દભાઈનું સ્વાસ્થ્ય ઠીક રહેતું ન હોઈ તેમણે ‘નવચેતન’ શ્રી પ્રીતિબહેન શાહને સોંપ્યું હતું. બાર વર્ષ તેમણે આ જવાબદારી સંભાળ્યા બાદ શ્રી રજની વ્યાસે તે સંભાળ્યું અને હાલમાં ‘નવચેતન’નું સંપાદન શ્રી યશવંત મહેતા કરી રહ્યા છે.
મુકુન્દ પ્રા. શાહ