નરહરિ સરસ્વતીતીર્થ (ઈ. સ. તેરમી સદી) : સંસ્કૃત સાહિત્યના આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘બાલચિત્તાનુરંજની’ નામની ટીકાના લેખક. તેમનું સાંસારિક નામ નરહરિ હતું. એ પછી સંન્યાસ લીધા બાદ તેમને ‘સરસ્વતીતીર્થ’ એવા નામે ઓળખવામાં આવેલા. તે આંધ્રપ્રદેશના વતની અને વત્સગોત્રના બ્રાહ્મણ હતા. તે ત્રિભુવનગિરિ નામના નગરના રહેવાસી હતા, છતાં કાશીમાં રહીને તેમણે પોતાની ટીકા લખી છે. તેમના મોટા ભાઈ નારાયણ વિદ્વાન અને રાજાના પ્રીતિપાત્ર હતા. તેમના પિતાનું નામ મલ્લિનાથ અને માતાનું નામ નાગમ્મા હતું. તેમના દાદાનું નામ નરસિંહ ભટ્ટ હતું અને દાદાના પિતાનું નામ રામેશ્વર હતું. આ બધા જ વિદ્વાનો હતા તેમ નરહરિ સરસ્વતીતીર્થ નોંધે છે. પોતાની જાતને તેમણે પરમહંસ-પરિવ્રાજકાચાર્ય એવું વિશેષણ આપ્યું છે. તેથી તેઓ શાંકરમતના અનુયાયી અદ્વૈતવાદી સંન્યાસી હતા તે સ્પષ્ટ થાય છે. પોતાની જાતને તે ‘શિવભક્ત’, ‘સંન્યાસી’ અને ‘યતિ’ જેવા શબ્દોથી ઓળખાવે છે. 1242માં તેમણે ટીકા લખેલી એવું વિદ્વાનો તારવે છે. વળી તેમના ઉલ્લેખો મુજબ તેમણે ‘સ્મૃતિદર્પણ’ નામનો ધર્મશાસ્ત્ર વિશેનો ગ્રંથ રચેલો. એ જ રીતે તર્કશાસ્ત્ર વિશે ‘તર્કરત્ન’ નામનો ગ્રંથ ‘દીપિકા’ નામની ટીકા સાથે લખેલો. તદુપરાંત, મહાકવિ કાલિદાસનાં ‘મેઘદૂત’ અને ‘કુમારસંભવ’ એ બંને કાવ્યો પર ટીકાઓ તેમણે રચી હતી. ‘કાવ્યપ્રકાશ’ પરની તેમની ટીકા અતિશય વિસ્તૃત સમજ આપનારી અને લેખકના જ્ઞાનનો પરિચય આપનારી છે.
પ્ર. ઉ. શાસ્ત્રી