નરાશ્વ – અ (Centaurus – A) : નરાશ્વ તારકમંડળમાં આવેલી આકાશગંગા. તેના જય-વિજય તારાની નજીકથી, જેમ આપણી આકાશગંગા, મંદાકિની (milky way) પસાર થાય છે, તેમ NGC 5128 (New Generation Catalogue) એટલે કે નરાશ્વ  અ (Centaurus – A) નામની એક આકાશગંગા, એ તારકમંડળમાં જ આવેલી છે.

નરાશ્વ – અ

170 લાખ પ્રકાશવર્ષ દૂર આવેલી નરાશ્વ – અ આકાશગંગા નરી આંખે ઝાંખા તારા જેવી દેખાય છે. (વિદેશી પુસ્તકોમાં આકાશગંગા (galaxy) તરીકે ઉલ્લેખ પામનાર નરાશ્વ  અ ને ગુજરાતી ખગોળવિદ ડૉ. છોટુભાઈ સુથારે સઘન તારકગુચ્છ તરીકે ઓળખાવેલી છે.) નરાશ્વ  અ પૃથ્વીથી સૌથી નજીકની શક્તિશાળી રેડિયો આકાશગંગા છે. તેની તારાસંપત્તિ એક લાખથી વધુની છે, જે પૈકીના અડધા તારાઓ આપણા સૂર્ય કરતાં વધુ તેજસ્વી છે. 13 કલાક 25.5 મિનિટ વિષુવાંશ(right ascension)માં અને –43.01° વિષુવલંબ(declination)માં આવેલી આ આકાશગંગાની વિમિતિ (dimension) 18.2  14.3 છે. તેનો દૃશ્ય વર્ગ (magnitude) 7.0 છે.

દૃશ્ય પ્રકાશ વડે લીધેલી તેની તસવીરમાં તેનું દીર્ઘવૃત્તીય (elliptical) ચિત્ર મળે છે. તેના સક્રિય ગર્ભમાંથી શક્તિશાળી એક્સ-કિરણો, અધોરક્ત (infra-red) કિરણો, ગૅમા-કિરણો (gama rays) અને રેડિયોતરંગો નીકળે છે. તેની રેડિયો-તસવીરમાં તેના ગર્ભમાંથી વછૂટતી વાયુની બે સઘન સેરો દેખાય છે, તો એક્સ-કિરણ ચિત્રમાં 15,000 પ્રકાશવર્ષ લાંબી પદાર્થની સેર વછૂટતી જોવા મળે છે.

નરાશ્વ – અ આકાશગંગા વીસ લાખ પ્રકાશવર્ષ વિસ્તારમાં પથરાયેલી જોવા મળે છે. એ વિશાળ આકાશગંગા હોવા છતાં પણ તે નબળી રેડિયો આકાશગંગા છે, તેની શક્તિ હંસ – અ(Cygnus – A)ની શક્તિ કરતાં એક હજારમા ભાગ જેટલી જ છે.

આ આકાશગંગામાં રેડિયો-ઉત્સર્જનનાં બે વાદળો સ્પષ્ટ દેખાય છે. પણ તેમાં બે નાનાં વાદળાં પણ જણાય છે. રેડિયો-આકાશગંગાના ધારાધોરણ મુજબ તેનું કેન્દ્ર કુલ રેડિયો-ઘોંઘાટનો પાંચમો ભાગ પૂરો પાડે છે, જે ખૂબ ઊંચો ગણાય. એમ મનાય છે કે લાખ્ખો વર્ષ પહેલાં તે આકાશગંગા પહેલી વાર સક્રિય બની હશે ત્યારે વિશાળ પદાર્થ વછૂટ્યો હશે, ત્યારબાદ નરાશ્વ – અ નાના પાયે બીજી વખત સક્રિય બની હશે. આ વર્તણૂક ક્યારેક સક્રિય હોય એવા કૃષ્ણવિવર (black hole) સાથે સંકળાયેલી છે. આ તમામ સંભાવનાને પગલે નરાશ્વ – અ નજીકના સઘન કૃષ્ણવિવર હોવાનું મનાય છે.

નરાશ્વ – અ નું બીજું મહત્ત્વ એ છે કે તેમાં 1986માં રોબર્ટ ઈવાન્સે સુપરનોવાને ખોળી કાઢ્યો હતો.

અશોકભાઈ પટેલ