નરપતિજયચર્યા (1097) : રાજાની દૈનિક વાર્ષિક ચર્યા, તેનાં કાર્યો અને યુદ્ધમાં મળનાર જય-પરાજય માટેના ભવિષ્યકથનના સિદ્ધાંતોનો ગ્રંથ. શકુનશાસ્ત્રોનો ગ્રંથ. લેખક નરપતિ. પિતા આમ્રદેવ ગુજરાતના ધારાનગરના વિદ્વાન જૈન. જૈનશાસ્ત્રમાં તેમની વિદ્વત્તા અપ્રતિમ હતી. નરપતિએ આ ગ્રંથ ગુજરાત પ્રદેશના તે વખતના પાટનગર અણહિલવાડ પાટણમાં રચ્યો છે. નરપતિ પણ પિતાની માફક જૈનશાસ્ત્ર, દર્શન વગેરેમાં પારંગત હતા. એ યુગમાં પાટણ જૈનશાસ્ત્રાધ્યયન માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ હતું. તેથી શાસ્ત્રાભ્યાસ અર્થે પાટણ આવેલા નરપતિએ આ ગ્રંથ પણ અભ્યાસ નિમિત્તે જ લખ્યો હશે.
આ ગ્રંથની શ્લોકસંખ્યા 4,500 છે. તે ‘સંહિતા’ વિભાગના શકુનશાસ્ત્રને નિરૂપે છે. જ્યોતિષશાસ્ત્રના ‘ફલાદેશ’ વિભાગને ‘હોરા’ કહેવામાં આવે છે. ‘અહોરાત્ર’ (એટલે કે દિવસ અને રાત્રિ) પરથી ‘હોરા’ શબ્દ આવ્યો છે. ‘હોરા’ના કુલ પાંચ વિભાગો છે, જેને અંગ પણ કહેવામાં આવે છે. (1) જાતક : એમાં માનવીના જન્મથી મૃત્યુ સુધીના જીવન અંગેનું ફળકથન કહેવામાં આવે છે. (2) તાજિક : એમાં પ્રત્યેક જન્મદિવસનું લગ્ન મૂકી જે તે જાતકનું વાર્ષિક ફળકથન કરવામાં આવે છે. (3) મુહૂર્ત : એમાં જાતક સંસ્કારમુહૂર્ત, જમીનપ્રાપ્તિ અંગે મુહૂર્ત, એમ સર્વ પ્રકારનાં મુહૂર્ત અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. (4) પ્રશ્ન-જ્યોતિષ : એમાં આકસ્મિક રીતે કોઈ પણ સમયે માણસને ભવિષ્ય કે પોતે કરેલ કાર્યનાં ફળ, વિલંબ, શીઘ્રતા અંગે જાણવાની જરૂર ઉત્પન્ન થાય ત્યારે ‘પ્રશ્નજ્યોતિષ’ દ્વારા ફળકથન કરાય છે. (5) સંહિતા : એમાં સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો, નક્ષત્રો, રાશિઓ, ગ્રહયુદ્ધ, કુદરતી આપત્તિ, રાજ્યવિદ્યા, શકુનરાજ્યાપત્તિ વગેરેનું જ્ઞાન થાય છે.
આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે તે મધ્યયુગમાં લખાયો છે. વળી તત્કાલીન જ્યોતિષપરંપરાથી વિરુદ્ધ જઈને તેમાં નાકના ફણામાંથી નીકળતી હવા-શ્વાસોચ્છવાસને આધારે વિવિધ શ્વાસધ્વનિઓ જેને તેઓ સ્વર કહે છે તે – ધ્વનિ અને શ્વાસ પર આધારિત જ્યોતિષશાસ્ત્રનો આ ગ્રંથ છે. નાગનાથે મૂળ નરપતિરચિત નરપતિજયચર્યાની ટીકા લખી છે. આ ગ્રંથને પેટાશીર્ષકો પણ આપવામાં આવ્યાં છે, ‘સ્વરોદય’, ‘સારોદ્ધાર’ વગેરે. તેમાં ગુપ્ત રાજકીય જ્યોતિષશાસ્ત્ર નિરૂપ્યું છે એમ કહી શકાય.
‘યામલાન સપ્ત’, ‘યુદ્ધ જયાર્ણવ’, ‘સ્વરાર્ણવ’, ‘સ્વરભૈરવ’, ‘રક્તત્રિમૂર્તિ’, ‘તંત્રરણાંગદ્રાક્ષ’ વગેરે ગ્રંથોનો તેણે આધાર લીધો છે તેનો ઉલ્લેખ આ ગ્રંથના પ્રારંભના શ્લોક નં. 4/5/6 માં કર્યો છે. આ ઉપરાંત વસંતરાજ (ગ્રંથકાર), ચૂડામણિ વગેરેના નામોલ્લેખ પણ મળે છે.
આ ગ્રંથ ઉપર રચાયેલી ટીકાઓમાં હરિવંશકૃત ‘જયલક્ષ્મી’ ટીકા, તેમજ નરહરિ, ભૂદર, રામનાથ વગેરેની ટીકાઓ મુખ્ય છે.
બટુક દલીચા