નયનંદી (દસમી સદી) : જૈનોની દિગંબર પરંપરાના આચાર્ય. તેમનો સમય દસમી સદીનો ઉત્તરાર્ધ અને અગિયારમી સદીનો પૂર્વાર્ધ મનાય છે. તેઓ રાજા ભોજદેવના સમકાલીન હતા, એ સ્પષ્ટ ઉલ્લેખ ભોજદેવના શિલાલેખમાં મળે છે. મહાન દિગંબર આચાર્ય કુંદકુંદની શિષ્યપરંપરામાંના તેઓ એક હતા. તેમના ગુરુનું નામ માણિક્યનંદી ત્રૈવિધ હતું. નયનંદી ધર્મોપદેશક અને તપસ્વી હતા. તેઓ બાર આગમ અને તેનાં અંગોના જ્ઞાતા હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ જેવી ભાષાઓના જ્ઞાતા હતા. તેમની બધી કૃતિઓમાં તેમનું છંદકૌશલ્ય પ્રગટ થાય છે. નવકારમંત્રનું માહાત્મ્ય દર્શાવવા તેમણે ‘सुंदसणचरिउ’ની રચના કરી છે.
‘सुंदसणचरिउ’ કથાત્મક કાવ્ય છે, જેમાં જૈનોના સુપ્રસિદ્ધ નવકારમંત્રના જાપનો પુણ્યપ્રભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. તેમાં જંબુદ્વીપ, મગધપ્રદેશ, રાજગૃહનગર અને રાજા શ્રેણિકનું વર્ણન છે. વિપુલ પર્વત પર ભગવાન મહાવીરના સમોસરણ, ગૌતમ ગણધર, ત્રેસઠ શલાકાપુરુષ વગેરે વિશે સુંદર પ્રશ્નોત્તરી છે. તેમાં એક સ્ત્રી પરપુરુષ પર મોહાસક્ત બની તેનો પ્રેમ પ્રાપ્ત કરવા જે વિવિધ પ્રયત્નો કરે છે તેનું સુંદર વર્ણન છે. તેમાં સુદર્શનના ત્રણ પૂર્વભવોનું વર્ણન છે. તેમાં સુદર્શનમુનિ પર થતા ઉપસર્ગો અને તેમાં મુનિની સ્થિરતા, ચાર ઘાતીકર્મોનો નાશ અને પ્રાપ્ત થતા કેવળજ્ઞાન વિશે સુંદર માહિતી છે.
કલ્પના કનુભાઈ શેઠ