નયનસુખ (જ. આશરે 1710થી 1724, ગુલેર, ઉત્તરાખંડ; અ. આશરે 1763, બશોલી, ઉત્તરાખંડ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ મણાકુ બંને પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક ‘મિશ્રા’ પણ તેમણે તજી દીધી અને ત્રણેય ચિત્રકાર પ્રથમ નામે જ પ્રસિદ્ધિ પામ્યા. પિતા સેઉ પાસે નયનસુખ તાલીમ પામ્યા. 1740ની આસપાસ ગુલેર છોડી જસરોટા ગયા અને ત્યાંના રાજા મિયાં જોરાવરસિંઘ અને રાજકુમાર રાજા બલવંતસિંઘ જસરોટિયાનો રાજ્યાશ્રય મેળવ્યો. 1763માં રાજા બલવંતસિંઘ જસરોટિયાના અવસાન સુધી નયનસુખનું ચિત્રસર્જન અવિરત ચાલુ રહ્યું. જસરોટિયાના અવસાન પછી બશોલીના રાજા અમૃત પાલનો રાજ્યાશ્રય મેળવ્યો. રાજા અમૃત પાલ સાથે ઓરિસાની પુરીની યાત્રા પણ કરી.

નયનસુખે આલેખેલાં રાજા બલવંતસિંઘ જસરોટિયાના દરબારનાં અને નૃત્યસંગીતની મહેફિલનાં દૃશ્યો, રાજાનાં અને અન્ય દરબારીઓનાં વ્યક્તિચિત્રો, શિકાર-દૃશ્યો, તથા હિંદુ પુરાકથાઓના પ્રસંગોનાં ચિત્રો મળી આવ્યાં છે. આ ચિત્રો કૉલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમ, લંડનના બ્રિટિશ મ્યુઝિયમ, લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, પાકિસ્તાનના લાહોર મ્યુઝિયમ, મુંબઈના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમ (હવે નવું નામ મહારાણા છત્રપતિ શિવાજી મ્યુઝિયમ), વારાણસીના ભારતકલા ભવન, ચંડીગઢના ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ આર્ટ ગૅલરી, સ્વિટ્ઝર્લૅન્ડના મ્યુઝિયમ રિટબર્ગ (ઝ્યૂરિક), અમદાવાદના એન. સી. મહેતા સંગ્રહ, બર્લિનના મ્યુઝિયમ ફૂર ઇન્ડિકે કન્સ્ટ, મૅસેચૂસેટ્સ ફૉક આર્ટ મ્યુઝિયમ અને ફિલાડેલ્ફિયાના ડૉ. એલ્વિન ઓ. બેલાક કલેક્શનમાં સંગ્રહાયેલાં છે.

નયનસુખની ચિત્રકલાને સમગ્ર પહાડી ચિત્રકલાની પરાકાષ્ઠા ગણવામાં આવે છે. તેમાં પહાડી ચિત્રકલાના માધુર્ય ને મુઘલ ચિત્રકલાની પ્રવાહી સ્વાભાવિકતાનો સુંદર યોગ જોવા મળે છે. રાજાના દરબારનું દૃશ્ય હોય કે હિંદુ પુરાકથાનું, તેમાં નયનસુખનાં માનવપાત્રોના ચહેરા સૂક્ષ્મ અને નાજુક માનવભાવો ધરાવતા જોવા મળે છે. આ માનવપાત્રો જોતાં દર્શકને એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક અભ્યાસનો અનુભવ થાય છે. નયનસુખે પોતાનું ચિત્ર પણ આલેખ્યું છે, તે કૉલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમમાં છે.

અમિતાભ મડિયા