નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ (જ. 26 ઑગસ્ટ 1904, અંજાર, જિ. કચ્છ; અ. 20 ડિસેમ્બર 1974) : કચ્છના ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી. જયરામદાસનો જન્મ કચ્છના ભાટિયા પરિવારમાં થયો હતો. તેમના પિતાનાં ત્રણ વહાણો તૂણા બંદરે હતાં. જયરામદાસને કિશોર વયથી વાચનલેખનનો શોખ હતો અને તેમણે મૅટ્રિકની પરીક્ષા કૉલકાતાથી પસાર કરી હતી. શરૂઆતમાં વહાણવટાનો વ્યવસાય સ્વીકાર્યા બાદ તે વીમાના વ્યવસાયમાં જોડાયા હતા. અંજાર નગરપાલિકાના ગ્રંથાલય તથા અન્ય સ્થળેથી પુસ્તકો મેળવી તેમણે ઘનિષ્ઠ અભ્યાસ કર્યો. તેઓ ભારતની પ્રાચીન લિપિઓના પણ અભ્યાસી હતા. કરાંચીના કચ્છી ઉદ્યોગપતિ ડુંગરશી ધરમશી સંપટના સંપર્કથી નયગાંધી ઇતિહાસલેખન તરફ આકર્ષાયા. તેમણે ‘કચ્છનો બૃહદ ઇતિહાસ’, ‘કચ્છનો બાળોપયોગી ઇતિહાસ’, ‘કચ્છની રસધાર’ વગેરે પુસ્તકો પ્રગટ કર્યાં. તેમને કચ્છ રાજ્યની શાળાઓમાં પાઠ્યપુસ્તકો તરીકે માન્ય કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તેમણે કચ્છના અર્થકારણનો અભ્યાસ કરીને કેટલાંક પુસ્તકો લખ્યાં તેમાં ‘કચ્છનું અર્થશાસ્ત્ર’, ‘સમાજની બેકારી : તેનાં કારણ અને નિવારણ’ તેમજ ‘કચ્છનું વહાણવટું અને વાણિજ્ય’ ઉલ્લેખનીય ગણાય. તત્કાલીન સ્વાતંત્ર્યસંગ્રામથી પ્રભાવિત થઈને દેશભક્તિથી પ્રેરાઈ નયગાંધી અને તેમનાં પત્નીએ આજીવન ખાદી પહેરવાનું વ્રત લીધું હતું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ કચ્છના વિકાસાર્થે વિચારેલ યોજના તેમણે ‘કચ્છની પંચવર્ષીય યોજના’ પુસ્તકમાં પ્રસિદ્ધ કરી. કચ્છના ચીફ કમિશનરે તે પુસ્તકને રૂ. 500નું ઇનામ આપ્યું હતું. અંજાર નગરપાલિકાના સભ્યપદે ચૂંટાઈને તેમણે નગરપાલિકાના પુસ્તકાલયને સમૃદ્ધ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આઝાદી બાદ અનેક પ્રજાકીય સમિતિઓના સભ્ય તરીકે તેઓ લોકસેવામાં કાર્યરત રહ્યા હતા. તેમના ઇતિહાસલેખનમાં પ્રમાણભૂત દસ્તાવેજોને બદલે દંતકથાઓ તથા કલ્પનાનો આધાર લેવામાં આવ્યો છે, તેમ છતાં આશરે સાત દાયકા અગાઉ તેમણે આમજનતાનો ઇતિહાસમાં રસ જાગ્રત કર્યો એ તેમની સિદ્ધિ ગણાય.

દિલીપ કે. વૈદ્ય

ચીનુભાઈ નાયક