નમ્યદંડ (flexible shaft) : શાફ્ટ બે પ્રકારની છે. નમ્ય અને અનમ્ય. શાફ્ટનું કાર્ય મુખ્યત્વે મશીનમાં એક જગાએથી બીજી જગાએ ગતિ કે યાંત્રિક શક્તિનું પરિવહન કરવું તે છે. શાફ્ટ પર ગરગડી કે દાંતાચક્રો લગાવાય છે અને તેની દ્વારા ગતિનું પરિવહન એક શાફ્ટથી બીજી શાફ્ટ પર થાય છે. જરૂરિયાત પ્રમાણે શાફ્ટને એક છેડે કપલિંગ કે ક્લચ પણ લગાડવામાં આવે છે.

અમુક યંત્રો કે સાધનોમાં ગતિ-યાંત્રિક શક્તિનું પરિવહન એક જગાએથી બીજી ચોક્કસ જગાએ કરવાને બદલે મર્યાદિત રીતે બીજી કોઈ પણ જગાએ કરવું જરૂરી હોય છે. આવી સ્થિતિમાં નમ્ય શાફ્ટ વાપરવી પડે  છે. નમ્ય શાફ્ટના ઉપયોગનું ઉદાહરણ એ સુવાહ્ય પેષણયંત્ર છે. આ પેષણયંત્ર જોડાણ કરેલ ભાગ કે ઢાળણ કરેલ મોટા દાગીના પર પેષણ કરવા માટે વપરાય છે. પેષણચક્ર નમ્ય શાફ્ટને છેડે લગાવેલ હોય છે. શાફ્ટ નમ્ય હોવાને કારણે તેને ગમે તે દિશામાં વળાંક આપી ચક્ર ફેરવી શકાય છે.

સાદી દૃઢ શાફ્ટ ઘન કે પોલા ગોળ આડછેદવાળા દંડમાંથી બનાવાય છે. તેને નમ્ય શાફ્ટ બનાવવા સ્ટીલ પટ્ટીને સર્પિલ (helical) અને આવર્તક આકારમાં વાળીને તૈયાર કરાય છે. સર્પિલ પટ્ટીને લીધે શાફ્ટ નમ્ય બને છે.

નમ્ય શાફ્ટની જેવી પ્લાસ્ટિકની નમ્ય ટ્યૂબો અને પાઇપો પણ હવે પ્રચલિત છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ