નપુંસકતા (impotence) : જાતીય સમાગમ પરિપૂર્ણ કરવા માટે શિશ્નનું ઉત્થાન કરવાની કે જાળવી રાખવાની ક્ષમતા ન હોવી તે. આ પ્રકારની ફરિયાદ ઘણી વ્યાપક છે અને કોઈ રોગવાળી પુખ્ત વ્યક્તિઓના 10 % થી 35 % વ્યક્તિઓ તથા ઉંમર વધતાં, તેથી પણ વધુ સંખ્યામાં વ્યક્તિઓ આ તકલીફથી પીડાય છે. પુરુષોની ઇન્દ્રિય જાતીય સમાગમ સમયે મોટી થાય છે, તેને શિશ્નોત્થાન (erection of penis) કહે છે. તે માટે સામાન્ય પ્રકારનું અને વિકાર વગરનું કેન્દ્રીય ચેતાતંત્ર, કમરના વિસ્તારનું ક્રિયાશીલ સ્વાયત્ત ચેતાતંત્ર (autonomic nervous system), શિશ્નની કાર્યક્ષમ નસો તથા યોગ્ય બંધારણવાળું શિશ્ન હોવું જરૂરી ગણાય છે. તેમાં કોઈ વિકાર કે રોગ ઉદ્ભવે તો નપુંસકતા આવે છે.

તે મુખ્યત્વે 2 જૂથમાં વહેંચાયેલાં હોય છે : (1) કેન્દ્રીય ચેતાતંત્રના વિકારો અને (2) પ્રતિભાવ રૂપે થતા પરિઘીય શિશ્નોત્થાન(erectile response)ના વિકારો. કેટલીક દવાઓની આડ અસર રૂપે પણ નપુંસકતા આવે છે. તેનું નિદાન ઓછું થાય છે; કેમ કે મોટાભાગના દર્દીઓ તેની ફરિયાદ કરતા નથી તથા તબીબો હંમેશાં તેને વિશે સામેથી પૂછતા હોતા નથી. જોકે તેનું મુખ્ય કારણ માનસિક વિકાર કે સ્થિતિ છે, પરંતુ કોઈ રોગ કે વિકારની હાજરી હોવાની સંભાવના પણ ઘણી રહે છે.

મુખ્યત્વે મગજ અને કરોડરજ્જુથી બનતું કેન્દ્રીય ચેતાતંત્ર સામાન્ય શિશ્નોત્થાન માટે મહત્ત્વનું છે. જાતીય ઇચ્છા એટલે કે કામોત્તેજના(libido)નો ઉદ્ભવ મગજના બહિ:સ્તર (cortex) તથા લાગણીલક્ષી તંત્ર(limbic system)માં થાય છે. મગજના રોગોમાં કામોત્તેજના ઘટે છે તેથી નપુંસકતા આવે છે. કેન્દ્રીય ચેતાતંત્રના કાર્ય પર લાંબા સમયના રોગો, માનસિક વિકારો, દવાઓ, અંત:સ્રાવી (endocrine) રોગો તથા કરોડરજ્જુ કે મગજના રોગોની અસર થાય છે. તેને કારણે શિશ્નોત્થાન ઘટે છે. શિશ્નની વિષમ રચના, તેની નસો અને ચેતાઓની વિષમ સ્થિતિ તથા તેના પર અવળી અસર કરતી હોય એવી દવાઓની હાજરી નપુંસકતા લાવે છે. ટેસ્ટોસ્ટીરોન નામના નરજાતીય અંત:સ્રાવની હાજરીમાં કામોત્તેજના અને સમાગમક્ષમતા અથવા નપુંસકતા (potence) બરાબર રહે છે.

કૃત્રિમ અંગ (prosthesis) મૂકીને નપુંસકતાની થતી સારવાર :  (અ) સારવાર માટેના ચામડી પર કરાતા વિવિધ છેદ, (આ) ફુલાવી ન શકાય તેવું (noninflatalble) કૃત્રિમ અંગ, (ઇ) શિશ્નકાય પર છેદ, (ઈ) પહોળા કરાયેલા છેદમાંથી કૃત્રિમ અંગનો પ્રવેશ, (ઉ) કૃત્રિમ અંગનો વધુ પ્રવેશ, (ઊ) ફુલાવી ન શકાય તેવું કૃત્રિમ અંગ મૂકેલું શિશ્ન, (ઋ) ફુલાવી શકાય તેવું કૃત્રિમ અંગ મૂકવા માટેનો છેદ, (એ) ફુલાવી શકાય તેવા  કૃત્રિમ અંગ નાખતાં પહેલાં નખાતો વિસ્તૃતક, (ઐ) ફુલાવી  શકાય તેવું  કૃત્રિમ અંગનો પ્રવેશ, (ઓ) વધુ મુશ્કેલ કિસ્સામાં કેડના હાડકા સાથે જડવામાં આવતું કૃત્રિમ અંગ. નોંધ : (1) જાંઘ, (2) શિશ્નમુકુટ, (3) શિશ્નકાય, (4) શિશ્ન, (5) વૃષણકોથળી, (6) પ્યુબિક વિસ્તાર, (7) પરિગુહેન્દ્રિય છેદ, (8) અવમુકુટીય છેદ, (9) શિશ્નકાયિક છેદ, (10) પ્યૂબિક છેદ, (11) કૃત્રિમ અંગની તારવાળી રચના, (12) ફુલાવી ન શકાય તેવા કૃત્રિમ અંગ, (13) કૃત્રિમ અંગનો આડછેદ, (14) અવમુકુટીય છેદ, (15) પહોળો કરેલો મુકુટીય છેદ, (16) ફુલાવી શકાય તેવા કૃત્રિમ અંગ માટે પ્યૂબિક છેદ, (17) વિસ્તૃતક (dilator), (18) ફુલાવી શકાય તેવું  કૃત્રિમ અંગ, (19) કેડનું હાડકું, (20) હાડકા સાથે કૃત્રિમ અંગને જોડતો જોડક.

સારણી 1 : નપુંસકતાનાં મુખ્ય કારણો

જૂથ ઉદાહરણ
1. કેન્દ્રીય વિકારો (અ) માનસિક રોગો, તણાવ, ક્રિયા કરવાની ચિંતા, ખિન્નતા (depression).
(આ) લાંબા ગાળાના રોગો – હૃદય, ફેફસાં, મૂત્રપિંડ, યકૃતના રોગો, કૅન્સર.
(ઇ) કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરતી દવાઓ : ઘેન કરતી દવાઓ, મનોવિકારને શમાવતી દવાઓ, પ્રતિખિન્નતા ઔષધો, કેન્દ્રીય રુધિરદાબ (blood-pressure) ઘટાડતી દવાઓ (દા.ત., ક્લોનિડીન), આલ્કોહૉલ વગેરે.
(ઈ) અંત:સ્રાવી વિકારો-જનનગ્રંથિ અલ્પતા (hypogonadism), અતિપ્રોલૅક્ટિનરુધિરતા, ગલગ્રંથિ(thyroid-gland)ના વિકારો.
(ઉ) કેન્દ્રીય ચેતાતંત્રના રોગો – લમણાના ભાગના મગજના ખંડ(temporal lobe) અને લાગણીલક્ષી તંત્ર(limbic system)ના રોગો.
(ઊ) કરોડરજ્જુના રોગો : ઈજા, ઉપદંશ (syphilis), બહુવ્યાપી તંતુકાઠિન્ય (multiple sclerosis) વગેરે.
2. પરિઘીય વિકારો (અ) દવાઓ – કૉલિનર્જિક દવાઓ, પ્રતિખિન્નતા દવાઓ, પ્રતિહિસ્ટામિન દવાઓ, બીટા બ્લૉકર્સ, અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજક (sympathomimetic) દવાઓ, લોહીનું દબાણ ઘટાડતી દવાઓ.
(આ) સ્વાયત્ત ચેતારુગ્ણતા (autonomic neuropathy), મધુપ્રમેહ, શ્રોણિ(pelvis)માં શસ્ત્ર-ક્રિયા, અન્ય પ્રકારની ચેતારુગ્ણતા (neuropathy).
(ઇ) નસોના રોગ – મહાધમનીના નીચલા છેડામાં ધમનીકાઠિન્ય (atherosclerosis), મધુપ્રમેહ, ઈજા, શિરાના વિકારો.
(ઈ) શિશ્નના વિકારો – પાયરોનિનો રોગ, સતત શિશ્નોત્થાન (priapism) ઈજા, સૂક્ષ્મશિશ્ન (microphallus, micropenis).

પૂરેપૂરી શારીરિક તકલીફોની નોંધ, શારીરિક તપાસ તથા માનસિક સ્થિતિ અંગેનો યોગ્ય અંદાજ સાચા નિદાન માટે જરૂરી બને છે. માનસિક વિકારવાળા દર્દીઓમાં ઊંઘમાં કે વહેલી સવારે આપોઆપ શિશ્નોત્થાન થાય છે, પરંતુ તેઓ હસ્તમૈથુન સમયે કે જાતીય સમાગમ સમયે તેવું કરી શકતા નથી. શારીરિક રોગવાળી વ્યક્તિમાં દરેક સમયે શિશ્નોત્થાન કરવાની તકલીફ રહે છે. દર્દી કઈ કઈ દવા લે છે તેની ઝીણવટભરી નોંધ કરવાથી ઘણી વખતે નિદાન સ્પષ્ટ થાય છે. નિદાન માટે રાત્રીય શિશ્નોત્થાનિતા (tumescence) અને પટ્ટાદાબ (buckling pressure) માપવાથી શારીરિક કે માનસિક વિકારનું નિદાન થાય છે. માનસિક વિકારમાં સામાન્ય રીતે રાત્રે ઊંઘમાં 45 વખત શિશ્નોત્થાન થાય છે. તેને રાત્રીય શિશ્નોત્થાનિતા (nocturnal penile tumescence, NPT) કહે છે. ઊંઘ દરમિયાન જો મગજનો વીજાલેખ (electro-encephalogram, EEG) લેવામાં આવે તો ઊંઘના વિકારોની NPT પરની અસર જાણી શકાય છે. NPT કરતા પટ્ટાદાબ વડે જાતીય સંભોગની શક્ય સફળતા/નિષ્ફળતા અંગે વધુ સારો અંદાજ મેળવી શકાય છે. હાલ ડૉપ્લર-પદ્ધતિએ શિશ્નના લોહીનું દબાણ અને હાથમાંનું લોહીનું દબાણ જાણી શકાય છે. તેમના ગુણોત્તર પ્રમાણને શિશ્ન/બાહુ અંક કહે છે. તે 0.75 વધુ હોય તો તેને સામાન્ય ગણવામાં આવે છે. જો તે 0.6થી ઓછો હોય તો તે નંપુસકતાનું કારણ નસોનો વિકાર એટલે કે ધમનીવાહિનીજન્ય (arteriovascular) વિકાર ગણાય છે. આવી નપુંસકતાને ધમનીવાહિનીજન્ય નપુંસકતા (arteriovascular impotence) કહે છે. તેને ધમનીચિત્રણ (arteriography) દ્વારા સાબિત કરી શકાય છે. હાલ શિશ્નમાં શિરાને પહોળી કરવાની દવા આપીને અલ્ટ્રાસૉનોગ્રાફી કરવાની તથા સતત શિશ્નોત્થાન થાય તો તેની નોંધ કરવાની પદ્ધતિ પણ વિકસી છે. તેના દ્વારા શિશ્નની શિરામાં કોઈ અવરોધકારી વિકાર હોય તો તે જાણી શકાય છે.

સારણી 2 : શિશ્નોત્થાન ઘટાડતી કેટલીક દવાઓ

જૂથ દવા
1. પરાનુકંપી અવરોધી દવાઓ એટ્રોપિન
(parasympatholytic drugs) એપિટ્રિપ્ટીલિન
2. અનુકંપ-અવરોધી (sympatholytic) અને લોહીનું દબાણ ઘટાડતી દવાઓ. મિથાયલ ડોપા, ગ્વાનેથેડિન, ક્લોનિડિન, પ્રોપ્રેનોલોલ, પ્રેઝોસિન
3. વાહિનીવિસ્ફારકો (vasodilators) હાઇડ્રેલેઝિન
4. મૂત્રવર્ધકો (diuretics) હાઇડ્રોક્લોરથાયેઝાઇડ
5. હિસ્ટામિનરોધક સિમેટિડિન

સારવાર : કારણભૂત વિકારની સારવાર કરવાથી નપુંસકતા મટે છે. મનોલિંગી (psychosexual) સલાહ, શિક્ષણ અને ચિકિત્સા કરવાથી માનસિક વિકારને કાબૂમાં લેવાય છે. જેમનામાં નરજાતીય અંત:સ્રાવોની ખામી હોય તેમનામાં ટેસ્ટોસ્ટીરોન આપવાથી તેમની કામોત્તેજના ફરીથી સ્થાપિત થાય છે તથા નપુંસકતા કાબૂમાં આવે છે. જો પ્રોલેક્ટિનનું સ્તર ઊંચું હોય તો બ્રોમોક્રિપ્ટીન આપીને તે ઘટાડાય છે. પ્રોસ્ટાગ્લેન્ડિનઈ, પેપાવરિન અને/અથવા ફેન્ટોલેમાઇનનું શિશ્નની વાહિની-કાય(corpus covernosum)માં ઇન્જેક્શન અપાય છે. તેના દ્વારા તેની શિરાઓને પહોળી કરીને શિશ્નોત્થાન કરી શકાય છે. તે અસરકારક અને ઓછી આડ અસરોવાળી, પરંતુ ટૂંકા સમયની સારવાર છે. ધમનીનો વિકાર હોય કે શિરાલક્ષી, બહિ:ઝરણ (leak) વધુ હોય તો તે સફળ થતી નથી. મધુપ્રમેહ જેવા દર્દીઓમાં સ્વાયત્ત ચેતાતંત્રનો વિકાર ઘણી વખતે કાયમી હોય છે. ત્યારે શિશ્નની અંદર કૃત્રિમ અંગ (prosthesis) મૂકવામાં આવે છે (જુઓ આકૃતિ). તેનાથી શિશ્નની જરૂરી અક્કડતા (rigidity) ઉત્પન્ન કરી શકાય છે. હાલ આવી શસ્ત્રક્રિયાને સ્થાને એક નિરોધ જેવો નળાકાર મળે છે, જે ઢીલા શિશ્ન પર પહેરી શકાય છે. તેમાંનો શૂન્યાવકાશ એક પ્રકારનું ઋણાત્મક દબાણ (negative pressure) સર્જે છે. તેને કારણે શિશ્નની નસોમાં લોહી ખેંચાઈ આવે છે, અને તેથી શિશ્ન મોટું અને અક્કડ થાય છે. ત્યારબાદ શિશ્નના મૂળ પાસે એક દાબપટ્ટો (constrictive band) લગાવવામાં આવે છે. આ પણ એક ટૂંકા ગાળાની અસરકારક સારવાર છે.

શિલીન નં. શુક્લ

પ્રવીણ અ. દવે