નર્ન્સ્ટ, વાલ્થેર હૅરમાન (જ. 25 જૂન 1864, બ્રિસેન, જર્મની; અ. 18 નવેમ્બર 1941, મસ્કાઉ, જર્મની) : ભૌતિક રસાયણશાસ્ત્રના સ્થાપકો પૈકીના એક વૈજ્ઞાનિક. સનદી અધિકારીના પુત્ર. ઝુરિક, ગ્રાઝ (ઑસ્ટ્રિયા), વુર્ઝબર્ગ અને બર્લિન ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ 1887માં તેઓ ઓસ્વાલ્ડના સહાયક તરીકે જોડાયા. 1895માં ગોટિન્જન અને 1905માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિક રસાયણના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. ગોટિન્જનમાં હતા ત્યારે 1904માં તેમણે વિદ્યુત-દીવાની શોધ કરેલી. તેમણે સિમેન્સ કંપનીને આ શોધની પેટન્ટ ખરીદી લેવા સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેને શોધમાં રસ ન પડવાથી તેમણે દસ લાખ માર્કમાં એ.ઈ.જી.ને તે વેચી દીધી. જોકે એડિસનની વિદ્યુત-દીવાની શોધને કારણે નર્ન્સ્ટનો દીવો પ્રચલિત ન બન્યો. 1889માં તેમણે વિદ્યુતકોષના વીજવિભવને કોષમાંના દ્રાવણની સાંદ્રતા (સક્રિયતા) સાથે સાંકળી લેતું નર્ન્સ્ટ સમીકરણ રજૂ કર્યું, જ્યારે 1893માં વિદ્યુતવિભાજ્યને પાણીમાં ઓગાળતાં તેના આયનો એકબીજાથી દૂર જાય છે (વિયોજન પામે છે) તેવું દર્શાવતો નર્ન્સ્ટ-થૉમ્સન નિયમ સૂચવ્યો. 1893માં જ તેમણે લખેલા પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર ‘એક્સ્પેરિમેન્ટલ ઍન્ડ થિયોરેટિકલ ઍપ્લિકેશન્સ ઑવ્ થરમૉડાયનેમિક્સ ટુ કેમિસ્ટ્રી’ 1916માં પ્રકાશિત થયું.

વાલ્થેર હૅરમાન નર્ન્સ્ટ

1906માં તેમણે ‘નર્ન્સ્ટના ઉષ્માપ્રમેય’ તરીકે ઓળખાતો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ રજૂ કર્યો. આ પ્રમેય મુજબ નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ, સ્ફટિકમય, ઘન પદાર્થો વચ્ચે થતી પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં કોઈ ફેરફાર થતો નથી. 1911માં તેમણે નીચા તાપમાને ઘન પદાર્થોની વિશિષ્ટ ઉષ્મા નક્કી કરવા માટે ખાસ કૅલરીમીટરની રચના કરી. તેમણે ગૅલ્વાની કોષો, રાસાયણિક સમતોલનનું ઉષ્માગતિશાસ્ત્ર, ઊંચા તાપમાને બાષ્પના અને નીચા તાપમાને ઘન પદાર્થોના ગુણધર્મો, પરાવૈદ્યુતિક અચળાંકો, દ્રાવણમાં વિદ્યુતવિભાજ્યોનું વિયોજન અને પ્રસરણ, આયનની જલયોજનમાત્રા, બફરક્રિયા, સૂચકોના ઉપયોગ દ્વારા દ્રાવણના pH મૂલ્યનું માપન વગેરે અનેકવિધ ક્ષેત્રોમાં સંશોધન કર્યું હતું. ઝડપી પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓની બાબતમાં પરમાણ્વીય (atomic) ક્લોરિન ઉપર આધારિત શૃંખલાપ્રક્રિયા (chain reaction) પણ તેમણે સૂચવી હતી. ઉષ્માગતિશાસ્ત્રમાંનાં તેમનાં સંશોધનો બદલ તેમને 1920નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનની સક્રિય સેવાઓને બાદ કરતાં તેમણે 1922 સુધી બર્લિન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. 1924થી 1933 દરમિયાન તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એક્સ્પેરિમેન્ટલ ફિઝિક્સના નિયામક તરીકે કાર્ય કર્યું હતું. સેવાકાળનાં છેલ્લાં વર્ષોમાં તેઓ યુનિવર્સિટીના રેક્ટર પણ બન્યા હતા.

ઓસ્વાલ્ડ અને ફિશરની સાથે રહીને તેમણે કૈઝર વિલ્હેમ બીજાને અને ઔદ્યોગિક સંસ્થાઓને કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં રસ લેતા કર્યા. આ સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વૈજ્ઞાનિકો સંશોધનાર્થે આવતા. 1932માં તેઓ ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીના વિદેશી સભ્ય તરીકે ચૂંટાયા હતા.

નાઝીઓના પ્રિયપાત્ર ન રહેવાને કારણે તેઓ 1933માં નિવૃત્ત થયા. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે ખગોળભૌતિકીય (astrophysical) સિદ્ધાંતોમાં રસ દાખવ્યો હતો. અંતિમ વર્ષો તેમણે વતનમાં ખેતી, મચ્છીમારી અને પોતાની જાગીરનો વહીવટ કરવામાં ગાળ્યાં.

જ. દા. તલાટી