નદવી, અબુઝફર અબુહબીબ (જ. 1889, દસના, બિહાર; અ. 28 મે. 1958, દસના) : ઇતિહાસકાર અને અરબી, ફારસીના વિદ્વાન. તેમણે માધ્યમિક શિક્ષણ વતન દસનામાં તથા ઉચ્ચ શિક્ષણ લખનૌની કૉલેજમાં મેળવીને ‘નદવી’ની પદવી પ્રાપ્ત કરી. તે ધર્મે સુન્ની મુસ્લિમ હતા. તેમણે ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં તથા રવીન્દ્રનાથ ટાગોર પ્રસ્થાપિત શાંતિનિકેતનમાં અરબી-ફારસીના અધ્યાપક તરીકે કામ કર્યું હતું. ઈ. સ. 1939થી તેમણે ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવનમાં ઘણાં વર્ષો સુધી અન્વેષક-અધ્યાપક તરીકે કામ કર્યું હતું. એમણે લખેલા બધા ગ્રંથો ઉર્દૂમાં છે. તેમાં ‘સફરનામા-એ-બર્મા’ (1924), ‘મુખ્તસર તારીખે ગુજરાત’ (1927), ‘તઝીકીર-એ-એકદસ’ (1933), ‘મુખ્તસર-તારીખે હિન્દ’ (1936), ‘તારીખે મુઝફ્ફરશાહી’ (1942), ‘તોહફતુલ મજીલિસ’(1939)નો સમાવેશ થાય છે. ‘ગુજરાતનો ઇતિહાસ’ ભાગ 1 અને 2 (1949), ‘રણમલ છંદની ઐતિહાસિક આલોચના’ (1942), ‘મુઝફ્ફરશાહી (મૂળપાઠ અને અન્વેષણ, 1942)’ – એમના ઉર્દૂ ગ્રંથોમાંથી છોટુભાઈ રણછોડજી નાયકે કરેલા ગુજરાતી અનુવાદો છે.

રસેશ જમીનદાર