નથમલની હવેલી, જેસલમેર : રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જેસલમેરની પથ્થરના સ્થાપત્યની બેનમૂન ઇમારત. જેસલમેર રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક અત્યંત સુંદર કિલ્લેબંધ નગર છે; ત્યાંનું પથ્થરથી બંધાયેલ સ્થાપત્ય અપ્રતિમ લાક્ષણિકતા ધરાવે છે. કિલ્લાની બહાર વસેલા ભાગમાં તત્કાલીન શ્રીમંત લોકોની હવેલીઓ અદભુત કારીગરીનાં બેનમૂન ઉદાહરણો છે. પટવા અને નથમલની હવેલીઓ આમાંનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. નથમલની હવેલી બીજી હવેલીઓની જેમ ઊંચાઈવાળા ભોંયતળિયા પર બંધાયેલ છે; તે ખાસ કરીને અત્યંત આકર્ષક દરવાજા અને બંને બાજુના ઓટલાવાળા પ્રવેશદ્વારના કારણે બીજી હવેલીઓથી અલગ તરી આવે છે. શેરી પરનો તેનો સમગ્ર દર્શનીય ભાગ, દરેક મજલા પરની અત્યંત આકર્ષક કોતરણીથી તત્કાલીન કારીગરીનો ખ્યાલ આપે છે. આ કારીગરીથી સૂર્યપ્રકાશની તીવ્રતા અદભુત રીતે છાયામાં ફેરવાઈ જાય છે. અને આજુબાજુનું વાતાવરણ ભરઉનાળામાં શીતળતામાં ફેરવાઈ જાય છે. હવેલીઓની રચનામાં બહુમજલી બાંધકામ અને અંદરનું આંગણ મુખ્ય હતાં. તેની આજુબાજુ ઘરના ઓરડાઓનો વિસ્તાર ગોઠવાતો. આ રીતે રણની આબોહવાને નાથી મકાનમાં રહેવા લાયક વાતાવરણ ઊભું કરાતું. હવેલીની કારીગરીમાં પથ્થરની જાળીઓ, ઝરૂખા તથા નકશીકામની કાબેલિયત ઉલ્લેખનીય છે, જે નથમલની હવેલી ઉપરાંત પટવાઓની હવેલી તેમજ બીજી ઇમારતોમાં પણ પૂર્ણ કળાએ ખીલેલી જોવા મળે છે.

રવીન્દ્ર વસાવડા