નત્થનખાં (જ. 1840; અ. 1900) : આગ્રા ઘરાનાના ભારતીય ગાયક. પિતાનું નામ શેરખાં. તેમના પૂર્વજો રાજપૂત હતા, પરંતુ મુસ્લિમ શાસનકાળ દરમિયાન જે હિંદુ પરિવારોનું ધર્માંતર થયું તેમાં તેમના પરિવારનો પણ સમાવેશ થાય છે. નત્થનખાં બે વર્ષના હતા ત્યારે આ પરિવારે પ્રથમ મુંબઈ અને ત્યારબાદ આગ્રા ખાતે સ્થળાંતર કર્યું હતું. ત્યાં પિતા શેરખાંનું અવસાન થયું. તેમણે સંગીતની શિક્ષા ગુલામ અબ્બાસખાં તથા ઘસીટખાં નામના સંગીતકારો પાસેથી મેળવી હતી. 12 વર્ષ સુધી સંગીતનું શિક્ષણ લીધા પછી તેઓ આગ્રાથી જયપુર ગયા. તે જમાનામાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં જયપુરના ગાયકોનું નામ મોખરે હતું. 12 વર્ષ સુધી જયપુર રહી નિપુણતા મેળવ્યા પછી તેમણે ભારતના જુદા જુદા પ્રદેશોનું ભ્રમણ કર્યું, તથા સંગીત-સંમેલનોમાં હાજરી આપી ઠેર ઠેર પોતાની ગાયકીનો પરિચય આપ્યો. પ્રવાસ દરમિયાન વડોદરા પહોંચ્યા. ત્યાં ગાયકવાડ નરેશના દરબારમાં ગાવાની તક મળી. ગાયકવાડ નરેશ તેમના ગાનથી એટલા બધા પ્રભાવિત થયા કે ગાન પછી ખુલ્લા દરબારમાં નરેશે તેમને સોનાનો હાર ભેટ આપ્યો. વડોદરાના નિવાસ દરમિયાન ઘણા શિષ્યોને સંગીતની તાલીમ આપી, તેમાં વિખ્યાત ગાયક ભાસ્કર બુઆ બખલે(1869–1922)નો પણ સમાવેશ થાય છે. ત્યારપછી થોડોક સમય મુંબઈ રહ્યા બાદ મૈસૂર રિયાસતના દરબારમાં ગાયકની નોકરી સ્વીકારી. ત્યાં આજીવન રહ્યા. ભારતના વિખ્યાત સંગીતજ્ઞ વિલાયતહુસેનખાં (1900–62) તેમના સુપુત્ર હતા.

નત્થનખાં

નત્થનખાંની ગાયકી વિશિષ્ટ શૈલીની હતી, જેની અસર ફૈયાઝખાં(1886–1950)ની ગાયકી પર પણ પડી હતી એમ કહેવાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે