નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે.

કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે : (1) પ્રમાણમાપ, (2) પ્રક્ષેપ, (3) રૂઢ સંજ્ઞાઓ, (4) આલેખકનું કૌશલ્ય અને (5) નકશા બનાવવાની પદ્ધતિ. પૃથ્વીના નકશા બનાવવાની વિવિધ રીતો છે. દા.ત., સાંકળ, સમતલ પાટિયું, ત્રિપાર્શ્વકાચી હોકાયંત્ર અને થિયોડોલાઇટની મદદથી કરવામાં આવતું વાસ્તવિક સર્વેક્ષણ, હવાઈ તસવીરો લેવાની ક્રિયા, રેખાંકનો અને આકૃતિઓ જેમાં પ્રમાણમાપનું મહત્ત્વ ગૌણ હોય છે.

આશરે 3000 વર્ષ અગાઉ ઇજિપ્તવાસીઓએ સર્વપ્રથમ સરળ પ્રકારના નકશા બનાવેલા, જેમાં ભૂમિ સરહદો દર્શાવેલી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ચોકસાઈભરી મહેસૂલ આકારણી કરવાનો હતો; જોકે આ પ્રકારના પ્રાચીન નકશાઓ સ્થાનોની અન્યોન્ય માહિતીના સંદર્ભમાં સામાન્ય પ્રકારના, ચિત્રાત્મક, પ્રમાણમાપ અને ચોકસાઈ વગરના હતા. આધુનિક નકશાઓનો પાયો નાખવાનો જશ એરિસ્ટોટલ, ઇરૅસ્થેનિસ તેમજ ટૉલેમી જેવા ગ્રીક નિષ્ણાતોને ફાળે જાય છે. મધ્યયુગમાં 600 કરતાં પણ વધુ નકશાઓ બનાવવામાં આવ્યા હોય તેમ જણાય છે. ટૉલેમી(100–165)ના ગ્રંથ ‘જૉગ્રાફી’ કે જેનું પ્રકાશન પંદરમી સદી દરમિયાન થયું હતું, તેને લીધે તથા છાપકામ અને નકશાકામ જેવી અનેક શોધખોળો થવાથી નકશા બનાવવાની પ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો હતો. નકશાકાર્યના આધુનિક વિકાસમાં ત્રિકોણમિતીય સર્વેક્ષણ(triangulation survey)ની સંપૂર્ણતા, હવાઈ સર્વેક્ષણની પદ્ધતિઓ, ઉપગ્રહો પરથી લેવાતી તસવીરો, દૂર સંવેદન તક્નીકો તથા શિલાછાપકામ અને તસવીર-કૌશલ્ય જેવાં પરિબળોએ ફાળો આપ્યો છે.

દરેક નકશો પોતાની આગવી લાક્ષણિકતા ધરાવતો હોય છે. તેમ છતાં નકશાઓનાં કેટલાંક સમાન લક્ષણોને આધારે તેમનું જુદા જુદા પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે. નકશાઓના વર્ગીકરણમાં બે મુખ્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે : (1) પ્રમાણમાપ, (2) નકશો બનાવવાનો હેતુ અને તેમાં સમાવાતી વિગતોનો વ્યાપ. પ્રમાણમાપ મુજબ નકશાઓ નાના પ્રમાણમાપના, મધ્યમ પ્રમાણમાપના તથા મોટા પ્રમાણમાપના બનાવી શકાય છે. જે નકશાઓનું પ્રમાણમાપ 1 સેમી. : 1 કિમી. (1:1,00,000) જેટલું હોય તે મોટા પ્રમાણમાપના 1,00,000 થી 10,00,000 વચ્ચેના મધ્યમ પ્રમાણમાપના તથા 10,00,000 થી વધુ ભૂમિભાગને આવરી લેતા નકશાઓ નાના પ્રમાણમાપના ગણાય છે. આ ઉપરાંત, પ્રમાણમાપ મુજબ સીમાદર્શક નકશા, સ્થળવર્ણન નકશા ભીંતનકશા તથા નકશાપોથીના નકશા જેવું પણ તેમનું વર્ગીકરણ કરી શકાય છે. નકશા બનાવવાનો હેતુ તથા તેમાં સમાવાતી વિગતોને આધારે પણ તેમનું વર્ગીકરણ થઈ શકે છે. સામાન્ય રીતે નકશામાં નૈસર્ગિક તથા માનવસર્જિત વિગતો દર્શાવવામાં આવતી હોય છે. આમ, અવકાશી પિંડો દર્શાવતા ખગોલીય નકશા, ભૂપૃષ્ઠવિષયક નકશા, ભૂસ્તરીય, આબોહવાત્મક, વનસ્પતિવિષયક અને સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય, ઐતિહાસિક, લશ્કરી, સામાજિક અને ભૂમિ-ઉપયોગ દર્શાવતા નકશા તૈયાર કરી શકાય છે.

ભૂગોળના અભ્યાસમાં નકશાનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. પૃથ્વીના જુદા જુદા વિસ્તારોના ભૌગોલિક અભ્યાસ માટે જુદા જુદા હેતુઓથી રાજકીય, પ્રાકૃતિક, આર્થિક નકશાઓ તેમજ ઊંચાઈ દર્શાવતા, મનુષ્ય-પ્રાણી-વનસ્પતિનું વિતરણ દર્શાવતા, આબોહવાત્મક અને સ્થળવર્ણન કરતા નકશાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરથી કહી શકાય કે નકશો એ પૃથ્વીની સપાટી પરના સમાવિષ્ટ વિસ્તારની સંપૂર્ણ માહિતી આપતો સંગ્રહ છે.

વિગત, વિતરણનું વિશ્લેષણ અને સમન્વય દર્શાવવા માટે નકશાઓનું મહત્ત્વ કેટલું છે તે સમજી શકાય છે. કોઈ પણ સ્થળની સ્થિતિ, જ્ઞાનોપાર્જન, લશ્કરી હેતુઓ તથા વિકાસના હેતુ માટે નકશાઓની જરૂર પડે છે.

કૃષ્ણમૂર્તિ કુલકર્ણી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે