નકશાશાસ્ત્ર

January, 1998

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે.

નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે ભૂપૃષ્ઠ અને અમુક અંશે તારાઓ અને ગ્રહો આદિ જેવા અવકાશી પિંડો ગણાય છે. નકશાશાસ્ત્ર એ ભૂગોળવિજ્ઞાન છે; ઉપરાંત, તે તંત્રવિદ્યા, કલા અને પૃથ્વી સાથે સંબંધ ધરાવતાં વિજ્ઞાનો વચ્ચેની સહાયરૂપ કડી પણ બની રહે છે. ભૂગોળવેત્તાઓ અભિવ્યક્તિના માધ્યમ તરીકે તથા માહિતીના સ્રોત તરીકે તેનો ઉપયોગ કરે છે. તે એક એવું વિજ્ઞાન છે જે ભિન્ન ભિન્ન ક્ષેત્રના નિષ્ણાતોના સહિયારા અને અનિવાર્ય પ્રયત્નો વિના સંભવી શકે નહિ. આલેખો, ચિત્રો, શબ્દો અને ચિહનોની મદદથી હકીકતો તથા વિચારોની સ્પષ્ટ અને નક્કર રજૂઆત કરવી એ તેનો મુખ્ય હેતુ હોય છે.

પૃથ્વી અંગેની વિવિધ વિગતો તેના કાર્યક્ષેત્રમાં આવે છે. પ્રાગૈતિહાસિક કાળ દરમિયાન આ પ્રકારની વિગતો નોંધવાની સગવડો ઉપલબ્ધ ન હોવાથી માણસ તે પોતાના મનમાં સંઘરી રાખતો હતો. વનવાસીઓ આજે પણ તેમના પોતાના વિસ્તારોના નકશા તેમના મનમાં સંઘરી રાખતા હોય છે.

પ્રવર્તમાન જાણકારીને આધારે નકશાશાસ્ત્રનો ઐતિહાસિક વિકાસ ચાર સ્પષ્ટ તબક્કાઓમાં વહેંચી શકાય : (1) પ્રાગૈતિહાસિક કાળથી ઈ. સ. 400 સુધીનો પ્રાચીન તબક્કો. (2) ઈ. સ. 400થી 1500 વચ્ચેનો મધ્યયુગીન તબક્કો. (3) ઈ. સ. 1500થી 1900 દરમિયાનનો પ્રાગ્-અર્વાચીન તબક્કો, અને (4) ઈ. સ. 1900 પછીનો અર્વાચીન તબક્કો. સૌપ્રથમ તબક્કામાં નકશાશાસ્ત્રના પ્રાથમિક વિકાસનાં પગરણ મંડાયાં. તેમાં ગ્રીક, રોમન અને એશિયાઈ નકશાશાસ્ત્રનો સમાવેશ કરી શકાય. એસ્કિમો, પૉલિનેશિયન, બેદુઇન તથા અન્ય ભટકતી પ્રજામાં તેમની પ્રવૃત્તિઓની મર્યાદામાં આવી જતા વિસ્તારોનું માનસિક અને ચિત્રાંકિત આલેખન કરવાનું વિલક્ષણ સામર્થ્ય હતું. સમયના વહેવા સાથે તેમના જ્ઞાનની ક્ષિતિજો જેમ જેમ વિસ્તરતી ગઈ તેમ તેમ તેઓ તેમની રોજિંદા વ્યવહારની સમસ્યાઓના ઉકેલ માટે વધુ ને વધુ સારા નકશા બનાવતા ગયા. નાઇલ નદીમાં આવતાં પૂરને કારણે જમીનોની બદલાતી સીમા નિશ્ચિત કરવા માટે તેમજ જમીનની આંકણી કરવા માટે ઇજિપ્શિયનોએ ભૌમિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. પૃથ્વી સપાટ પૃષ્ઠભૂમિવાળી અને ગોળાકાર છે તેમજ તે દરિયાઓ અને આકાશથી ઘેરાયેલી છે એવી તેમની માન્યતા હતી. ઈ. સ. 600 સુધીમાં ગ્રીકોએ તત્કાલીન લઘુ એશિયા(એશિયા માઇનર)ના ગ્રીસ સામ્રાજ્યના માઇલેટસ નામક નગર(હાલ તુર્કસ્તાનમાં)ને કેન્દ્રબિંદુ તરીકે લઈને ભૌગોલિક અભ્યાસ તથા ખગોલીય અનુમાનો ચકાસવાની શરૂઆત કરી. દુનિયાનો સૌપ્રથમ નકશો બનાવનાર ગ્રીક તત્વચિંતક એનાક્સીમૅન્ડર (ઈ. સ. પૂ. 611–547) તથા ભૂગોળ પર પ્રથમ પુસ્તક લખનાર હિકેટિયસ તે જ નગરના નિવાસી હતા.

ભૂગોળ પ્રત્યેના વૈજ્ઞાનિક અભિગમને વિકસાવવામાં રસ દાખવનાર સૌથી પ્રથમ આયોનિયન પ્રજા હતી; પરંતુ ઝડપથી બદલાતી સામાજિક-આર્થિક પરિસ્થિતિ તેમજ ક્યારેક ઉદ્ભવતી રાજકીય ઊથલપાથલને કારણે તેમને તેમની અસર બહારના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી હતી. પરિણામે તેમણે ભૂમધ્ય સમુદ્રના કાંઠાના પ્રદેશો તથા ઈરાનના પાટનગર તરફ દોરી જતા વ્યાપારી માર્ગો બતાવતા નકશા તૈયાર કર્યા હતા. સીધી સપાટી પર ગોળાકાર પૃથ્વીને દર્શાવવાની સમસ્યાના ઉકેલ રૂપે ગ્રીક ગણિતજ્ઞ ઇમૅટોસ્થેનિસે (ઈ. સ. પૂ. 276–194) પૂર્વ-પશ્ચિમ વિસ્તરતી બે સમાંતર રેખાઓનો ઉપયોગ કર્યો જેમાંથી એક રેખા જિબ્રાલ્ટર અને કાસ્પિયન સમુદ્રમાંથી અને બીજી રેખા ઇજિપ્ત અને દક્ષિણ ભારતમાંથી પસાર થતી હતી. વૈજ્ઞાનિક નકશાશાસ્ત્રનો આ રીતે પાયો નંખાયો હતો. તેને આધારે ટૉલેમી(ઈ. સ. 100–165)એ તે અંગેની સંકલ્પનાઓનો વિકાસ કર્યો. તેના ભૂગોળ પરના આઠ ગ્રંથો પૈકી એકમાં ગાણિતિક ભૂગોળના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પૃથ્વીની પરિઘની ગણતરી વિશેની ભૂલ તથા અન્ય કેટલીક ભૂલો તેના પછીના ભૂગોળવેત્તાઓએ અને નકશાકારોએ ચાલુ રાખી હતી; દા. ત., અંતરને અંશમાં ફેરવવાની રીત અંગેની ભૂલ, શ્રીલંકાને તેના ખરેખરા વિસ્તાર કરતાં અનેકગણું મોટું બતાવવાની ભૂલ, હિંદી મહાસાગરને ભૂમિથી ઘેરાયેલો બતાવવાની ભૂલ વગેરે. તેથી તે પછીની સદીઓના ગાળામાં નકશાશાસ્ત્રનો વિકાસ પ્રમાણમાં ધીમી ગતિથી થયો છે.

રોમનો માટે તેમના અધિકારીઓના પ્રવાસો દરમિયાન તથા લશ્કરનાં અભિયાનો દરમિયાન નકશાઓ ઘણા ઉપયોગી નીવડ્યા હતા. તેમના નકશાઓમાં માર્ગગૂંથણી તથા યુદ્ધક્ષેત્રો દર્શાવાતાં તે હકીકતમાં ભૌગોલિક સ્થળનિર્દેશો માટે ન હતાં. વાસ્તવમાં તે રોમન સામ્રાજ્યનો વિસ્તાર દર્શાવવા માટેના નકશા હતા; જેમાં કોઈ પણ બે સ્થાન વચ્ચેના અંતર સહિત રસ્તાઓ સીધી રેખા દ્વારા દર્શાવાતા હતા. પરંતુ તેમ કરતી વેળાએ સાચી દિશાઓનો પૂરતો ખ્યાલ રખાતો ન હતો તેમજ વિવિધ પ્રકારનાં ભૌગોલિક લક્ષણોની સાપેક્ષ સ્થિતિ તેમાં સાચી રીતે દર્શાવાતી ન હતી. ઈ. સ. પૂ. બારમી સદીમાં થઈ ગયેલા માર્કસ વિપાસનિયસ અગ્રિપા (ઈ. સ. પૂ. 63–12) દ્વારા તૈયાર કરવામાં આવેલ દુનિયાનું સર્વેક્ષણ રોમનોનું એક આગવું પ્રદાન ગણાય છે. તેનો આ નકશો રોમના નગરવાસીઓનાં અવલોકન અને જાણકારી માટે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તેમાં ઘણી બધી વિગતોનો સમાવેશ વિસ્તારથી કરવામાં આવ્યો હતો.

ભારતના લોકો પ્રાચીન કાળથી પૃથ્વી અને બ્રહ્માંડ અંગેનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હતા તે હકીકત હવે સ્વીકારવામાં આવી છે. ભારતમાં વૈદિક કાળથી જ આ જ્ઞાનનો પાયો નંખાયો હતો. સિદ્ધાંતકાળમાં આ જ્ઞાનનું સંહિતાકરણ કરવામાં આવ્યું હતું. અનુસિદ્ધાંતકાળમાં આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કર અને અન્ય ખગોળવેત્તાઓ દ્વારા પ્રશિષ્ટ પ્રબંધગ્રંથો તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરથી એમ જણાય છે કે ભારતીય ખગોળવેત્તાઓએ સમગ્ર યુરેશિયા તથા આફ્રિકાના કેટલાક વિસ્તારોની અવારનવાર મુલાકાત લીધી હતી. તે સમયે દુનિયાના જ્ઞાત વિસ્તારોને સાત દ્વીપોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. પૃથ્વી ગોળ છે અને તે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલી છે એવું તે જમાનામાં નિ:શંકપણે સ્વીકારવામાં આવતું હતું. ભારતના પ્રાચીન સાહિત્યમાં જે નકશાઓ સામેલ કરવામાં આવ્યા હતા તેમાં પૃથ્વી ઉપરાંત દ્વીપો, નદીઓ અને પર્વતોનાં નામોનો નિર્દેશ પણ કરવામાં આવ્યો હતો તેના પરથી એમ કહી શકાય કે ભારતના તે જમાનાના ખગોળવેત્તાઓએ યુરોપ, રશિયા તથા દુનિયાના અન્ય ઘણા વિસ્તારોની ઘણી વાર મુલાકાત લીધી હતી. તે સમયે ભારત, ચીન, જાપાન અને કોરિયામાં એક યા બીજા પ્રકારના નકશાઓનો ઉપયોગ થતો હતો એ બાબતને સમર્થન મળે તેવા પુરાવા સાંપડ્યા છે.

મધ્યયુગના પ્રારંભિક કાળ(ઈ. સ. 400–1200)માં યુરોપમાં ભૂગોળના અભ્યાસમાં લગભગ સ્થગિતતા આવી ગઈ હતી. તે અરસામાં યુરોપમાં તૈયાર કરવામાં આવેલા નકશાઓમાં પૃથ્વી સપાટ છે એવું દર્શાવવામાં આવ્યું હતું. ઈ. સ. પૂ.ના પ્રથમ સૈકામાં પ્રચલિત એવી મપ્પેમંડી શૈલીને આધારે તૈયાર કરવામાં આવેલ નકશાઓમાં પણ પૃથ્વી સપાટ છે એવું જ દર્શાવવામાં આવતું હતું. એગ્રિપાએ તેમાં સુધારો કરી ગોળાકાર પૃથ્વીનો નકશો તૈયાર કર્યો. આ જ યુગ દરમિયાન ચીનાઓએ દરિયાઈ હોકાયંત્રની શોધ કરી હતી તથા ભારતમાં અક્ષાંશ અને રેખાંશની ગણતરી અંગેના જ્ઞાનનો વિકાસ થયો હતો.

તેરમી સદીના અંતભાગમાં ઇટાલિયન નકશાકારોએ નાવિકવિદ્યા અંગેના નકશા બનાવ્યા, જેમને પૉર્ટોલોન આલેખો તરીકે ઓળખવામાં આવ્યા હતા. ચૌદમી સદીમાં નકશાશાસ્ત્રની શી સ્થિતિ હતી તેનો ખ્યાલ પૉર્ટોલોન આલેખોમાંથી બચી ગયેલા વીસ નકશા પરથી મેળવી શકાય છે. ચર્મપત્રો પર બનાવેલા આ નકશાઓ 90  45 સેમી. તથા 140  75 સેમી. માપના હતા; પરંતુ માપના કયા એકમો દ્વારા તે બનાવવામાં આવ્યા હતા તેનો તેના પર ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. દરિયાકિનારાઓ તથા નામોનો નિર્દેશ તેના પર કાળા રંગમાં તથા ટાપુઓ, નદીઓ, ત્રિકોણ પ્રદેશો, ખડકો અને ખરાબાઓનો નિર્દેશ લાલ રંગમાં કરવામાં આવ્યો હતો. ભૂમિ અંગેની વિગતો ઘેરા લાલ રંગથી દર્શાવાઈ હતી. નકશાઓની ભાત સુશોભનકારી હતી. અક્ષાંશ તથા રેખાંશનો નિર્દેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારપછીના નકશા વિગતવાર મોજણીને આધારે વધુ ચોકસાઈપૂર્વક તૈયાર કરવામાં આવ્યા હતા. ચૌદમી સદીના આરંભમાં ઇટાલીના કૅટાલોનિયનો, જેમાં મેજોરકાન્સ મુખ્ય હતા, અગ્રણી નકશાકારો તરીકે ઊપસી આવ્યા હતા. કૅટાલન ઍટલાસ પૈકી ચાર નકશાપોથીઓ ઘણી મહત્ત્વની હતી : (1)  શિષ્ટ યુગના અને મધ્યયુગના દુનિયાના ગોળાકાર નકશાઓ, (2) ભૂમધ્ય સાગર, કાળો સમુદ્ર તથા યુરોપના સાગરકિનારાઓની રૂપરેખા દર્શાવતા પૉર્ટોલોન આલેખો/નકશાઓ, (3) માર્કો પોલો જેવા પ્રવાસખેડુઓનાં તેરમી અને ચૌદમી સદીનાં પ્રવાસવર્ણનો પર આધારિત નકશાઓ, અને (4) બાર્સોલોના ખાતે ઉપલબ્ધ એવા અરબો દ્વારા બનાવેલા નકશા. એક રીતે જોતાં નકશા બનાવવા અંગેનો તેમનો અભિગમ વૈજ્ઞાનિક હતો; કારણ કે નક્કર પુરાવા ઉપલબ્ધ હતા, તેની જ વિગતોનો તેમણે નકશામાં સમાવેશ કર્યો હતો. તે પછી યુરોપમાં જે નકશા બનાવવામાં આવ્યા તેના પર ટૉલેમીની ભૂગોળની અસર સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ત્યારપછી યુરોપમાં જે નકશાનું આલેખન થયેલું તે ડીઆઝ, કોલંબસ, વાસ્કો દ ગામા, કેબ્રલ, આલ્ફાન્ઝો દ આલ્બુકર્ક અને મૅગેલનની શોધો પર આધારિત હતું અને તેના દ્વારા ટૉલેમીની ભૂગોળની પ્રમાણભૂતતા નિર્ધારિત કરવામાં આવી હતી. આમ આ પ્રવાસીઓની ભૌગોલિક શોધખોળોને લીધે નકશાશાસ્ત્રમાં વધુ રુચિ અને રસ જાગ્રત થયાં હતાં. હેન્રિક્સ માર્ટેલસ દ્વારા આલેખાયેલો દુનિયાનો નકશો (1489), આલ્બર્ટ કૅન્ટિનોનો આલેખ (1500) અને પેડ્રો દ્વારા આલેખાયેલો હિંદ મહાસાગરનો નકશો (1518) આ ક્ષેત્રમાં થયેલી મહત્ત્વની સિદ્ધિઓ ગણાય છે. મોટાભાગના નકશા અને આલેખો લિસ્બન ખાતે કૅસાડા લૅડિયામાં તૈયાર કરવામાં આવ્યા હતા. યુરોપનાં અન્ય કેન્દ્રોમાં રહાઇનલૅન્ડ, નેધરલૅન્ડ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ અને ફ્રાન્સ ઉલ્લેખનીય છે. 1525ના અરસામાં જર્મની અને નેધરલૅન્ડના ભૂગોળવેત્તાઓ અને નકશાકારોએ ખૂણાઓના અવલોકન માટે વધુ ચોક્કસ સાધનોના ઉપયોગ વડે સર્વેક્ષણની ભૌમિતિક પદ્ધતિઓનો આધાર લીધો હતો. 1533માં જેમારા ફ્રિઝિન્સ દ્વારા તથા 1570માં ફિલિપ એપિયન દ્વારા અનુક્રમે પુરસ્કૃત ત્રિકોણીય/ત્રિપક્ષી પ્રાથમિક પદ્ધતિ તથા પ્લેન ટેબલ સર્વે પદ્ધતિનો ઉપયોગ શરૂ થયો. નકશાઓની વધતી માંગને પહોંચી વળવા વાલ્ડસીમ્યૂલર, મુન્સ્ટર અને લૅપ્રેરી ઍટલાસ તૈયાર કરવામાં આવ્યા. ચોક્કસ આકાર અને લાગતાવળગતા દિશાકીય સ્થિતિસ્થાનને ઉપસાવી બતાવવા માટે જ માત્ર નહિ, પરંતુ દુનિયા અંગે નવી પ્રક્ષેપસંકલ્પના પ્રચલિત કરવાની દિશામાં મરકૅટર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલો દુનિયાનો નકશો મહત્ત્વનો ગણાય છે. દુનિયા અંગેની મરકૅટર્સની સંકલ્પના ટૉલેમીની દુનિયા અંગેની સંકલ્પના કરતાં ભિન્ન છે. નકશાશાસ્ત્રના ક્ષેત્રે કૅસીની પરિવારની ચાર પેઢીઓનો ફાળો શકવર્તી ગણાય છે. ગણિત અને ખગોળશાસ્ત્રના ક્ષેત્રે અઢારમી સદીમાં થયેલા વિકાસને પરિણામે સર્વેક્ષણ તથા માપણીનાં સાધનોની બાબતમાં સુધારાવધારા કરવામાં સુગમતા સાંપડી. તે જ ગાળામાં જમીનના ખૂણા માપવાના સાધન થિયોડોલાઇટની શોધ થઈ. 1779માં ભારતના સર્વેયર જનરલ રેનેલે તેનો ભારતનો નકશો પ્રસિદ્ધ કર્યો. ધીમે ધીમે લંડન નકશાઓ બનાવવાનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું.

ઈ. સ. 1800 પછીના ગાળામાં આ ક્ષેત્રમાં જે મહત્ત્વની ઘટનાઓ ઘટી તેમાં (1) રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ, (2) જુદા જુદા પ્રકારના નકશાઓનું મોટા પાયા પર ઉત્પાદન અને ઉપયોગ, (3) વિજ્ઞાન અને ટૅકનૉલૉજીની વધતી અસર, અને (4) આંતરરાષ્ટ્રીય ફલક પર સહકાર – આ ચાર વિશેષ ઉલ્લેખનીય છે. ઘણા દેશોએ રાષ્ટ્રીય સ્તરની સર્વેક્ષણસંસ્થાઓ ઊભી કરી. પદ્ધતિસરનું ભૌગોલિક સર્વેક્ષણ સાત તબક્કાઓ દ્વારા કરવામાં આવ્યું : (1) જેના સંદર્ભમાં દરેક સ્થળની ઊંચાઈ પામી શકાય એવી સરેરાશ દરિયાઈ સપાટીનું નિર્ધારણ કરવું. (2) ત્રિકોણી/ત્રિપક્ષી ગણતરીપદ્ધતિ માટે અનુકૂળ બિંદુઓ નિર્ધારિત કરવા માટે પ્રાથમિક પ્લેન ટેબલ ગવેષણા હાથ ધરવી. (3) પ્રાથમિક અક્ષાંશ, રેખાંશ અને સમાંશ નિર્ધારિત કરવા. (4) તળરેખા(baseline)ની માપણી. (5) થિયોડોલાઇટની મદદથી ત્રિકોણીય માપન કરવું. (6) ત્રિકોણીય માપન તથા ઊંચાઈઓની ગણતરીને પ્લેન ટેબલ પરના કાગળ પર રેખાંકિત કરવી. (7) પ્લેન ટેબલ દ્વારા વિગતોની નોંધ કરવી. થિયોડોલાઇટ, બિનતારી હવાઈ કૅમેરા, વિમાનો તથા અન્ય ટૅકનિકલ સાધનોને કારણે સર્વેક્ષણની ચોકસાઈ તથા ગુણવત્તામાં વધારો થયો છે.

જુદા જુદા પ્રકારનાં વીજાણુ-સાધનોની ઉપલબ્ધિને લીધે નકશાશાસ્ત્રના ક્ષેત્રે વધુ પ્રગતિ સંભવી શકી છે. નકશાઓનું સંકલન, મુસદ્દાઓ (કાચા નકશા) બનાવવા તથા તેનું પુનર્મુદ્રણ કરવા માટે ખાસ પ્રકારના કૅમેરા તૈયાર કરવામાં આવ્યા છે. હવે એવાં સાધનો ઉપલબ્ધ થયાં છે જેના ઉપયોગ વડે ઝીણામાં ઝીણી વિગતો ટાંકી શકાય, તેમજ કૅમેરા દ્વારા વારંવાર ચિત્રો પાડ્યા વિના નૅગેટિવ અને પૉઝિટિવ પ્રાપ્ત કરી શકાય છે. મુદ્રણકળામાં પણ ક્રાંતિકારી પરિવર્તનો થયાં છે, જેનાથી બહુરંગી નકશાઓનું મુદ્રણ સરળતાથી કરી શકાય તેમ છે. ચિત્રકામ કરવાનાં સાધનોની સંખ્યા અને ગુણવત્તામાં વધારો થયો છે. નકશાશાસ્ત્રના ક્ષેત્રમાં તાજેતરમાં જે વિકાસ થયો છે તેમાં દૂર સંવેદન પ્રવિધિ તથા ભૌગોલિક માહિતીપદ્ધતિ (Geographical Information System – GIS) વડે સ્વયંસંચાલિત નકશાશાસ્ત્રની કળાને ઉમેરી શકાય.

કૃષ્ણમૂર્તિ કુલકર્ણી