નકારનું પ્રમાણપત્ર (protest)

January, 1998

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી તેમાં પોતાની સહી કરી હોય. વચનપત્ર એટલે એવો સંલેખ કે જે લખનારે તેમાં સહી કરીને કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવાની બિનશરતી બાંહેધરી આપી હોય. વિનિમયપત્ર અથવા વચનપત્રનો ધારણ કરનાર, તેને પાકવાની તારીખ (due date) અગાઉ અદાકર્તા (drawee) સમક્ષ રજૂ કરે, પરંતુ અદાકર્તા તેને સ્વીકારવાનો અથવા સ્વીકાર કર્યા પછી પાકતી તારીખે નાણાં આપવાનો ઇન્કાર કરે ત્યારે આ પ્રસંગનો પુરાવો જાળવી રાખવા માટે વટાવખત અધિનિયમ, 1881ની કલમ 100 પ્રમાણે નોટરી પબ્લિક સમક્ષ તે પ્રસંગની નોંધ કરાવીને ધારણ કરનારે પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર નકારનું પ્રમાણપત્ર કહેવાય છે. કોઈ વાર વિનિમયપત્રનો સ્વીકાર કર્યા પછી પાકતી તારીખ અગાઉ સ્વીકારનાર નાદાર બને અથવા તેની શાખ ભયમાં મુકાય અથવા તે નાસતો ફરતો હોય ત્યારે ધારણ કરનાર નોટરી પબ્લિક દ્વારા વધારે સારી જામીનગીરી(security)ની માગણી કરી શકે છે. જોકે સ્વીકારનાર વધુ સારી જામીનગીરી આપવા બંધાયેલો નથી અને ધારણ કરનાર પાકતી તારીખ અગાઉ કાયદેસરનાં પગલાં લેવા હકદાર નથી હોતો છતાં સારી જામીનગીરી માટે પોતે કરેલી માગણીનો પુરાવો જાળવી રાખવા માટે ધારણ કરનાર નોટરી પબ્લિક પાસેથી વધારે સારા તારણ માટેનું પ્રમાણપત્ર (protest for better security) મેળવી શકે છે. આ પ્રમાણપત્ર તથા નકારના પ્રમાણપત્રમાં નોટરી પબ્લિક સાધારણ રીતે નીચેની બાબતો નોંધે છે : (1) વિનિમયપત્રમાં લખેલ તમામ વિગતો; (2) જેમની તરફેણમાં અને જેમની વિરુદ્ધમાં પ્રમાણપત્ર અપાયું હોય તેમનાં નામ; (3) ધારણ કરનારના કહેવાથી નોટરી પબ્લિકે વધુ સારા તારણની માગણી કરી હોય તો સ્વીકારનારે આપેલ જવાબ તથા જો જવાબ ન આપેલ હોય તો જવાબ નહિ આપ્યાની નોંધ; (4) સ્વીકારનાર મળી આવતો ન હોય તો તેની વિગત; (5) નકરામણીનાં સ્થળ તથા સમય અને વધુ સારાં તારણ આપવા અંગે કરવામાં આવેલ ઇન્કારનાં સ્થળ તથા સમય; (6) જો માત્ર માન ખાતર જ સ્વીકાર કે ચુકવણી કરવામાં આવે તો જે વ્યક્તિ દ્વારા જેમની તરફેણમાં સ્વીકાર કે ચુકવણી થતી હોય તેમનાં નામ તથા સ્વીકાર કે ચુકવણીની વિગત; (7) પ્રમાણપત્ર આપનાર નોટરીનાં સહી તથા સિક્કો.

ઘણી વાર વિદેશી વિનિમયપત્રો અંગે જે તે સ્થળના કાયદા પ્રમાણે નકારનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત બને છે ; પરંતુ આંતરદેશીય વિનિમયપત્ર માટે આવું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત નથી.

અમર ભટ્ટ