નંદા, ગુલઝારીલાલ (જ. 4 જુલાઈ 1898, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 15 જાન્યુઆરી 1998, અમદાવાદ) : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની તથા અગ્રણી મજૂર નેતા. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતા ઈશ્વરદેવી. તેમનાં લગ્ન લક્ષ્મીદેવી સાથે થયાં હતાં. તેમણે લાહોર, આગ્રા અને અલ્લાહાબાદમાં અભ્યાસ કરી, અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ એલએલ.બી. થયા. તેઓ મુંબઈની નૅશનલ કૉલેજમાં, 1921માં, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. ત્યાં તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને તેમની પાસેથી પ્રેરણા મેળવીને 1921માં અસહકારની ચળવળમાં જોડાયા. એ જ વરસે અમદાવાદ આવીને મજૂર મહાજન સંઘમાં જોડાયા. આ સંસ્થાના મંત્રી તરીકે 1922થી 1946 સુધી તેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી. આ દરમિયાન તેમણે ભારતની સ્વતંત્રતાનાં વિવિધ આંદોલનોમાં ભાગ લીધો. સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન 1932માં તથા ‘હિંદ છોડો’ લડત દરમિયાન 1942થી ’44 સુધી તેમણે જેલની સજા ભોગવી.
1935ના હિંદ સરકારના કાયદા અનુસાર, 1937માં પ્રાંતોની ધારાસભાઓની રચના માટે કરવામાં આવેલ ચૂંટણીમાં ગુલઝારીલાલ મુંબઈ ઇલાકાની વિધાનસભામાં ચૂંટાયા તથા બાળાસાહેબ ખેરના મંત્રીમંડળમાં તેમની સંસદીય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી. તે દરમિયાન 1937થી ’39 સુધી તેમણે મજૂર તથા આબકારી ખાતાની કામગીરી સંભાળી હતી. અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષ તરીકે તેમણે 1940થી ’42 સુધી તથા બૉમ્બે હાઉસિંગ બોર્ડના પ્રમુખ તરીકે 1946થી ’48 સુધી કામ કર્યું. 1947થી ’50 દરમિયાન ઇન્ડિયન નૅશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસના સંગઠનકાર્યમાં મહત્વનો ભાગ ભજવીને નંદાજી રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકે ઊપસ્યા. આ દરમિયાન તેમણે અખિલ હિંદ કૉંગ્રેસની મહાસમિતિ દ્વારા રચવામાં આવેલી આર્થિક કાર્યક્રમની સમિતિમાં પણ મહત્વની કામગીરી કરી. જિનીવામાં 1947માં ભરવામાં આવેલી 30મી આંતરરાષ્ટ્રીય મજૂર પરિષદમાં તેમણે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો.
નંદાજી 1946થી 1950 દરમિયાન મુંબઈ સરકારમાં મજૂર-વિભાગના મંત્રી રહ્યા. ભારત સરકાર દ્વારા રચવામાં આવેલ આયોજનપંચના ઉપાધ્યક્ષ તરીકે ગુલઝારીલાલે 1950–’51 તથા 1960થી ’63 દરમિયાન ઉત્તમ સેવાઓ આપી. આ દરમિયાન તેઓ ભારત સરકારના આયોજન મંત્રાલયના મંત્રી તરીકે, જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં 1951માં જોડાયા. લોકસભાની 1952ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સાબરકાંઠાની બેઠક પરથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા અને ફરી વાર જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં આયોજન, સિંચાઈ તથા ઊર્જા મંત્રાલયના મંત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ફરી વાર નંદાજી 1957 તથા 1962ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સાબરકાંઠાની બેઠક પરથી ચૂંટાયા. પંડિત જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં મજૂર, રોજગાર અને આયોજન મંત્રાલયના મંત્રી બન્યા. નંદાજીએ 1963થી 1966 દરમિયાન ભારતના ગૃહખાતાના પ્રધાન તરીકે મહત્વની કામગીરી બજાવી. આ દરમિયાન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનું અવસાન થવાથી તેમણે 27 મે, 1964 થી 9 જૂન, 1964 સુધી અને એ પછી લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થવાથી 11મી જાન્યુઆરી, 1966થી 24મી જાન્યુઆરી, 1966 સુધી દેશના કામચલાઉ પ્રધાનમંત્રી તરીકે કામ કર્યું. નવેમ્બર, 1966માં તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ ફેબ્રુઆરી, 1970માં તેઓ રેલવેમંત્રી તરીકે કેન્દ્રીય સરકારમાં, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મંત્રીમંડળમાં જોડાયા. 1971 તથા 1977માં નંદાજી હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર મતદાર વિસ્તારમાંથી કૉંગ્રેસ પક્ષના લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા. કુરુક્ષેત્ર વિકાસ સમિતિના અધ્યક્ષ તથા સિટિઝન્સ સેન્ટ્રલ કાઉન્સિલના ઉપાધ્યક્ષ તરીકે તેમણે સેવા આપી હતી.
જવાહરલાલ નહેરુના પ્રમુખપદે 1951માં ભારત સેવક સમાજ નામથી બિનપક્ષીય સંસ્થા સ્થાપવામાં આવી. તેની કાર્યવાહક સમિતિના અધ્યક્ષ તરીકે ગુલઝારીલાલે નોંધપાત્ર સેવા બજાવી. સમાજના ઉત્કર્ષમાં સાધુસંતોની ઉત્કૃષ્ટ સેવાઓ લેવાના ઇરાદાથી નંદાજીએ દિલ્હી ખાતે અખિલ ભારત સાધુ સમાજની સ્થાપના કરી. તેઓ નવજીવન સંઘ તથા માનવધર્મ મિશનના સ્થાપક પ્રમુખ હતા. તેમણે 1978માં પીપલ્સ ફોરમની રચના કરી હતી. રાજકારણમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે સમય તથા શક્તિનો ઉપયોગ કુરુક્ષેત્રના વિકાસાર્થે કર્યો હતો. 1997માં ભારતની સ્વતંત્રતાના સુવર્ણજયંતીના અને નંદાજીના આયુષ્યના સોમા વરસે ભારત સરકાર તરફથી તેમને ‘ભારતરત્ન’નો ઇલકાબ એનાયત કરવામાં આવ્યો છે.
તેમણે આ પુસ્તકો લખ્યાં છે : (1) ‘હિસ્ટરી ઑવ્ વેજ ઍડજસ્ટમેન્ટ ઇન ધી અહમદાબાદ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી’, (2) ‘સમ આસ્પેક્ટ્સ ઑવ્ ખાદી’, (3) ‘ઍપ્રોચ ટુ ધ સેકન્ડ ફાઇવ ઇયર પ્લાન : સમ બેઝિક કન્સિડરેશન્સ’, (4) ‘ગુરુ તેગબહાદુર : સેન્ટ ઍન્ડ સેવિયર’, (5) ‘ફૉર એ મોરલ રેવોલ્યૂશન’.
જયકુમાર ર. શુક્લ