નંદાદેવી : ભારતના ઉત્તરાખંડ રાજ્યના કુમાઉં-ગઢવાલ ક્ષેત્રની પશ્ચિમ હિમાલયની ઉત્તુંગ ગિરિમાળામાં આવેલું જોડકું શિખર. તે સમુદ્રસપાટીથી લગભગ 7,817 મી.ની ઊંચાઈ ધરાવે છે. તે રાજ્યના ચમોલી જિલ્લામાં 30° 23´ ઉ. અ. અને 79° 59´ પૂ. રે. પર આવેલું છે. તેની નજીકમાં ઉત્તરે દુનાગિરિ, દક્ષિણે નંદાકોટ, ત્રિશૂલ અને પંચ ચુલ્હી શિખરો આવેલાં છે. ગંગા નદીનું મૂળ અહીં નજીકમાં જ આવેલું હોઈ હિંદુઓ તેને પવિત્ર ગણે છે અને કેટલાક યાત્રાળુઓ તેની પૂજા પણ કરે છે. તેના પરનું ચઢાણ ઘણું કપરું ગણાય છે. સૌપ્રથમ એરિક શિપ્ટન અને એચ. ડબલ્યુ. ટિલમૅન નામના પર્વતારોહકોએ તેની તળેટી સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો, ત્યારપછી 1936માં બ્રિટિશ અને અમેરિકી પર્વતારોહકો ટિલમૅન અને ચાર્લ્સ એસ. હ્યુસ્ટનની ટુકડીએ નંદાદેવી શિખર સર કરવામાં સફળતા મેળવી હતી. એ વખતે દુનિયાભરમાં વધુમાં વધુ આટલી ઊંચાઈવાળા શિખર પર ચડવાનું માન તેમને ફાળે ગયેલું અને 1950 સુધી તો આ સ્થિતિ રહેલી. 1950 પછી અન્નપૂર્ણા શિખર પર ચડવામાં ફ્રેન્ચ આરોહકે સફળતા મેળવેલી.

નંદાદેવીનું હિમાચ્છાદિત શિખર

વધુ પડતી ઊંચાઈને કારણે નંદાદેવીનું આ શિખર બારેમાસ હિમાચ્છાદિત રહે છે. અહીં હિમવર્ષા થતી રહેતી હોવાથી તેના પૂર્વ પડખેથી પિન્ડારી નામની હિમનદી નીકળે છે, જે લગભગ 8 કિમી.ની લંબાઈ ધરાવે છે. પિન્ડારીકંદ ઘાટ પાસે તેનો ઉપલો પ્રવાહ લગભગ 5,000 મી.ની ઊંચાઈ પર વહે છે, પણ તેનો નીચલો પ્રવાહ સીધા ઢોળાવ પરથી પસાર થતો હોવાથી તેમાં ઊંડી તિરાડો પડે છે. તે પછીથી આ હિમનદીનો અંત આવે છે. હિમરેખાથી નીચેના ભાગમાં નંદાદેવી અભયારણ્ય આવેલું છે, જે પર્વતારોહકો અને પર્યટકો માટે આકર્ષણરૂપ છે. હિમરેખા નીચે જ્યાંથી બરફ પીગળે છે, ત્યાંથી પિન્ડારગંગા નામની નદી શરૂ થઈ વહે છે. તેનો કર્ણપ્રયાગ પાસે અલકનંદા નદી સાથે સંગમ થાય છે. પિન્ડારગંગા નદી શરૂઆતમાં લગભગ 10 કિમી.ની લંબાઈમાં હિમ-અશ્માવલિઓ (moraines–હિમનદી દ્વારા ઘસડાઈ આવેલા કાંપના જમાવટ પામેલા થરો) ધરાવતાં ઊંડાં કોતરોમાં થઈને વહે છે. વધુ નીચે તરફ આવતાં તેના પ્રવાહમાં ઝૂલતી ખીણો, અસંખ્ય જળધોધ અને ભયાનક ખડકાળ કરાડો (cliffs) જોવા મળે છે.

નંદાદેવીના પહાડી ક્ષેત્રમાં વધુ ઊંચાઈએ આવેલાં ઘાસનાં મેદાનોમાં અન્વાલ લોકો ઘેટાં અને ઢોર ચરાવવાની પ્રવૃત્તિ કરે છે. તેઓ 5,000 મી. સુધીની ઊંચાઈએ પણ પથ્થરની દીવાલોવાળા નીચા આવાસોમાં રહે છે. આવાસો બાંધવામાં તેઓ બર્ચનાં લાકડાંનો અને મામ્લા ઘાસનો ઉપયોગ કરે છે. આ પ્રદેશમાં ઈશ્વરીય શક્તિ  નંદાદેવી અંગે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. અન્વાલ લોકો ખડતલ અને ઉત્તમ પર્વતખેડુઓ ગણાય છે. પિન્ડારી હિમનદી અને અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને તેઓ સેવાઓ પૂરી પાડે છે. આ પહાડી પ્રદેશો તદ્દન આછી વસ્તી-ગીચતા ધરાવે છે.

બીજલ પરમાર