ફેરી ક્વીન, ધ (1590)

February, 1999

ફેરી ક્વીન, ધ (1590) : અંગ્રેજ કવિ એડમન્ડ સ્પેન્સર(1552 ? – 1599)-રચિત સુદીર્ઘ રૂપકકાવ્ય. પ્રથમ 3 સર્ગ 1590માં, દ્વિતીય આવૃત્તિના 1થી 6 સર્ગ 1596માં અને 1થી 8 સર્ગની સમગ્ર આવૃત્તિ 1609માં પ્રસિદ્ધ થઈ. પ્રથમ આવૃત્તિમાં પોતાના મિત્ર સર વૉલ્ટર રાલેને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં સંપૂર્ણ કાવ્ય 12 સર્ગોમાં રચાનાર છે તેવો ઇશારો છે. કમનસીબે આ યોજના પૂરી થઈ શકી નહિ. સ્પેન્સરના મૃત્યુ બાદ 10 વર્ષે પ્રથમ ‘ફોલિયો’ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ તેમાં બે અધૂરા સર્ગ (mutability cantos) ઉમેરવામાં આવ્યા, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ‘ફેરી ક્વીન’ના પાછળના સર્ગો માટે તૈયાર કરેલ તે રચના હોઈ શકે. રાલેને ઉદ્દેશીને લખેલા પત્રમાં આ કાવ્યના વસ્તુ(theme)નો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આ વસ્તુ તે પ્રત્યેક ભાગમાં ર્દષ્ટિગોચર થતા રાજા આર્થરની રાણી ગ્લૉરિયાનાની ખોજ. ગ્લૉરિયાના જાજરમાન રાણી અને સમ્રાજ્ઞી ઇલિઝાબેથનું પ્રતિનિધિ પાત્ર છે. ગ્લૉરિયાનાનું પાત્ર સદગુણ અને સૌંદર્યના પર્યાય રૂપ છે.

પ્રથમ ગ્રંથમાં પવિત્ર ઉમરાવ રેડક્રૉસનું પાત્ર મુખ્ય છે. તેના જીવનનું એકમાત્ર ધ્યેય તે યૂનાનું રક્ષણ કરવાનું છે. રેડક્રૉસ પરદુ:ખભંજક છે. તે અનેકોને રાક્ષસોના પંજામાંથી મુક્ત કરે છે. અંતે યૂના સાથે તે લગ્નગ્રંથિથી જોડાય છે. આ ભાગમાં બનતી ઘટનાઓ પર ‘એપૉકેલિપ્સ’ (બાઇબલમાં આવતું પ્રકરણ) અને તેના પર કરવામાં આવેલ પ્રૉટેસ્ટન્ટ ભાષ્યની પ્રબળ અસર જણાય છે. બીજા ભાગમાં મિતાહારી દેવ ગાયૉનનાં સાહસોની કથા છે. તેની ‘બાવર ઑવ્ બ્લિસ’ની સાહસિક દરિયાઈ મુસાફરી ‘ઑડિસિયસ’ની વાર્તાને મળતી આવે છે. ગાયૉન બાવરનો સર્વનાશ કરે છે. અહીં ઇન્દ્રિયસુખ કેવું લોભામણું છે તેની કાવ્યાત્મક રજૂઆત છે. ત્રીજા ભાગમાં પવિત્રતાની દેવી બિટૉમાર્ટનું મુખ્ય ધ્યેય પોતાના પતિ આર્થેગૉલની શોધ કરવાનું રહે છે. આ કથાનકની સાથે ઍમૉરેટ અને સ્કુડામૉર, ફ્લૉરિમેલ અને મૅરિનેલ જેવાં વિખૂટાં પડેલાં પ્રેમીઓની કથાઓના તાણાવાણા જોડાય છે. એડોનિસનો બગીચો અહીં કેન્દ્રસ્થાને છે. ચોથા ભાગમાં મૈત્રીની કથા છે. વિખૂટાં પડેલાં પ્રેમીઓની અગાઉની કથા અહીં ચાલુ રહે છે અને મોટાભાગનાં યુગલોનું અહીં મિલન થાય છે. થૅમ્સ અને મૅડવેના લગ્નપ્રસંગના ભવ્ય વર્ણનથી આ ભાગ પૂરો થાય છે. પાંચમા ભાગમાં સૌથી વધુ સ્થાનિક વાતોનો સંદર્ભ છે. ન્યાયના ઉમરાવ આર્થેગૉલનું ધ્યેય રાક્ષસ ગ્રાન્ટૉર્ટૉનો ધ્વંસ કરીને ઇરીનાને બચાવવાનો છે. અહીં બનતી ઘટનાઓનું સામંજસ્ય ઇલિઝાબેથના રાજ્યકાલ દરમિયાન નેધરલૅન્ડ્ઝ, ફ્રાન્સ, સ્પેન અને આયર્લૅન્ડના બનાવો સાથે છે. છઠ્ઠા ભાગમાં સ્ત્રીદાક્ષિણ્યના ઉમરાવ કેલિડૉરનું ધ્યેય બ્લૅટન્ટ બીસ્ટને પોતાના આધિપત્ય નીચે લેવાનું છે. આ ભાગને અંતે બ્લૅટન્ટ બીસ્ટ કાવ્યની સૃષ્ટિમાંથી ભાગી છૂટે છે અને ઘડીભર કવિના સર્જનને ધમકી આપતો હોય તેમ લાગે છે. છેલ્લા પણ અધૂરા ગ્રંથોમાં દેખીતી રીતે કોઈ ઉમરાવ કે શોધ ર્દષ્ટિગોચર થતાં નથી. આગળના 6 સર્ગો સાથે આ સર્ગોને કોઈ સંબંધ હોય તેમ લાગતું નથી. અહીં અસ્થિરતાના દૈત્યની સત્તાની વાત છે. પ્રકૃતિના મત મુજબ આ દૈત્ય પોતે જ સ્થિરતા અને ર્દઢતાનો પુરાવો છે. કારણ કે પરિવર્તનશીલતા એ શાશ્વત ચાલુ રહેતી ઘટના છે. કાવ્યની અંતિમ બે કડીઓમાં કવિ આવી ઇંદ્રજાળ પાથરતી જિંદગીમાં અનંતતાનું ચિંતન કરે છે. સૅબેઑથના દેવને થતી પ્રાર્થના કાવ્યનું અસાધારણ ચરમબિંદુ બની રહે છે.

‘ફેરી ક્વીન’ ઉદાત્તવીરચરિતની સાથે રૂપકકાવ્ય પણ છે. ઇટાલિયન કવિ ઓરિઓસ્ટૉના ઓટાવા રિમા છંદમાં ઘટતો ફેરફાર કરી સ્પેન્સર અંતની પંક્તિઓમાં ઍલેક્ઝાન્ડ્રાઇનનો ઉપયોગ કરે છે, જેમાંથી 9 પંક્તિઓનો ‘સ્પેન્સેરિયન સ્ટાન્ઝા’ ઉપલબ્ધ થાય છે. આ કાવ્યની રચનામાં મહાકાવ્યની વ્યાખ્યા, આલંકારિક યુક્તિઓ અને અનેક પ્રતીકો જોવા મળે છે. સદગુણ અને દુર્ગુણના મધ્યકાલીન ખ્યાલોથી માંડી રાજવી, ભપકાદાર રંગબેરંગી સરઘસો અને સંગીત, કાવ્ય, નાટ્યતત્વ વગેરેમાંથી સ્પેન્સર પ્રતીકો યોજે છે. કેટલીક વાર તેનાં અર્થપ્રચુર પ્રતીકો સહેલાઈથી સમજાય તેવાં નથી હોતાં. ડૂયેશા એકીસાથે અસત્ય, દંભ, ધર્મ અને રોમન કૅથલિક ચર્ચના અર્થોની દ્યોતક છે. તે મેરી ક્વીન ઑવ્ સ્કૉટ્સ પણ હોઈ શકે. એક ર્દષ્ટિએ ‘ફેરી ક્વીન’ માનવજાત સામે ધરેલો અરીસો છે. આ કાવ્યની અસર જ્હૉન મિલ્ટન, શેલી અને કીટ્સ જેવા અંગ્રેજ કવિઓ પર વિશેષ છે.

કૃતિનું કાવ્યત્વ ખૂબ જ મનોહર અને સંતર્પક છે. એનું આગવું સંગીત વાચકને તેના પ્રવાહમાં ખેંચી જાય છે. વચમાં વચમાં મધ્યકાલીન રીતિના સદગુણ-દુર્ગુણોને પાત્રવિશેષ તરીકે નિરૂપતાં વર્ણનો, રોમાન્સ પ્રકારમાંથી પડઘાતી અદભુત ર્દશ્યાવલિઓ – એવાં વિવિધ આકર્ષણો જડી રહે છે.

દિગીશ મહેતા

વિ. પ્ર. ત્રિવેદી