ફેરલ કોષ (Ferrel cell) : વાતાવરણમાં સરેરાશ પવન-પરિવહન દર્શાવતો કોષ. વાતાવરણ-વિજ્ઞાનના અભ્યાસના પ્રારંભિક દિવસોમાં પૃથ્વી ઉપરના વાતાવરણની સરેરાશ (કોઈ એક રેખાંશ માટે તમામ અક્ષાંશ ઉપર લીધેલ સરેરાશ) પરિવહન-વર્તણૂક સમજાવવા માટે ત્રિકોષીય સિદ્ધાંતનું સૂચન કરવામાં આવેલ. ફેરલ કોષ 30થી 60 અંશ અક્ષાંશ વચ્ચેના પરિવહનને અનુરૂપ હોય છે. આ સિદ્ધાંત ફેરલે 1856માં આપ્યો. આ કોષમાં પવન પૃથ્વીની સપાટી નજીક ધ્રુવ અને પૂર્વ તરફ વહે છે, જ્યારે વધુ ઊંચાઈએ આ પવન વિષુવવૃત્ત અને પશ્ચિમ તરફ ફૂંકાય છે. 30 અંશ અક્ષાંશ અને વિષુવવૃત્તની વચ્ચે અસ્તિત્વ ધરાવતા હેડલી કોષ કરતાં આ કોષ બિલકુલ ઊલટા પ્રકારનો હોય છે.

કેટલાક સંજોગોમાં તો વાસ્તવમાં પવન-વહનની રીત, ફેરલની રીત કરતાં જુદી હોય છે. તેમ છતાં સરેરાશની રીત વડે સમજાવવા માટે આ રીતનો ઉપયોગ થાય છે. હાલમાં વાતાવરણીય પરિવહનોને વ્યાપક પરિવહન પરિરૂપ (general circulation models) વડે સારી રીતે વર્ણવી શકાય છે. આવાં પરિરૂપ (models) પૃથ્વી દ્વારા પરિવહનનું સંવર્ધન (accentuate) કરે છે.

પ્રકાશચંદ્ર ગોવર્ધન જોશી

અનુ. એરચ મા. બલસારા