ધ્રોળ : જામનગર જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. ધ્રોળનું જૂનું નામ ‘ધમાલપુર’ હતું. પણ જામ રાવળના નાનાભાઈ હરધોળજીના નામ ઉપરથી તેનું ‘ધ્રોળ’ નામ પડ્યું છે. ભૌગોલિક સ્થાન : 22° 34´ ઉ. અ. અને 70° 25´ પૂ. રે..

ધ્રોળ તાલુકાની ઉત્તરે અને પશ્ચિમે જોડિયા તાલુકો, પૂર્વ દિશામાં રાજકોટ જિલ્લાનો પડધરી તાલુકો અને દક્ષિણે જામનગર જિલ્લાનો કાલાવડ તાલુકો આવેલો છે. તાલુકાનું ક્ષેત્રફળ 569.8 ચોકિમી. છે. તાલુકામાં ધ્રોળ શહેર ઉપરાંત 41 ગામો આવેલાં છે.

ભૂપૃષ્ઠ : તાલુકામાં મેદાન વચ્ચે છૂટીછવાઈ ટેકરીઓ છે, બાકીનો ભાગ સપાટ છે. તેની જમીન મધ્યમ કાળી અને સાધારણ ફળદ્રૂપ છે. અહીં મે માસમાં સૌથી વધુ ગરમી સરેરાશ 40° સે. પડે છે. જાન્યુઆરીમાં શિયાળામાં સરેરાશ તાપમાન 27° સે. રહે છે. ઉનાળામાં અને શિયાળામાં અનુક્રમે ક્યારેક આ તાપમાન 45° સે. અને 12°થી 16° સે. થઈ જાય છે. 15મી જૂનથી 15મી સપ્ટેમ્બર દરમિયાન 400 મિમી. આસપાસ વરસાદ પડે છે.

ધ્રોળનાં પ્રાચીન મંદિરો

આ સૂકા પ્રદેશમાં બાવળ, ગોરડ, ખીજડો, ગાંડો બાવળ, લીમડો, પીપર જેવાં વૃક્ષો અને ઘાસનાં બીડો જોવા મળે છે. અહીં ગીર ઓલાદની ગાય અને જાફરાબાદી ઓલાદની ભેંશ જોવા મળે છે. સૂકા પ્રદેશને કારણે ઘેટાંબકરાં વિશેષ છે.

આ તાલુકામાં ચૂનાના પથ્થરો, રેતી, મુરમ અને બાંધકામ માટેના રેતિયા પથ્થરો થોડા પ્રમાણમાં મળે છે.

આ તાલુકાની કુલ ખેતીલાયક જમીનના 16 % વિસ્તારમાં ઘઉં, બાજરી, જુવાર અને કઠોળનું વાવેતર થાય છે. બાકીના 84 % વિસ્તારમાં મગફળી, કપાસ અને એરંડાનું વાવેતર થાય છે. કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે.

70 % આસપાસ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ધ્રોળની ઔદ્યોગિક વસાહતમાં કારખાનાં વિકસ્યાં છે. તેલમિલ તથા ખેતીનાં ઓજારો દુરસ્ત કરવાનું કારખાનું છે. ચર્મઉદ્યોગ ગૃહઉદ્યોગ તરીકે વિકસ્યો છે.

તાલુકા પંચાયત અને જાહેર બાંધકામ ખાતા હસ્તક પાકા અને  રાજકોટ-ઓખા બ્રૉડગેજ લાઇન ઉપર માળિયા અને દેવળિયાનાં સ્ટેશનો છે.

આ તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બુનિયાદી અધ્યાપનમંદિર આવેલાં છે.

ધ્રોળ : તે ભૂતપૂર્વ દેશી રાજ્યનું રાજધાનીનું શહેર હતું. તે જામનગરથી 31 અને રાજકોટથી 50 કિમી. દૂર 22° 34´ ઉ. અ. અને  70° 25´ પૂ.રે. ઉપર આવેલું છે. ધ્રોળ તાલુકાનું મથક હોવાથી નજીકનાં ગામો માટેનું ખરીદી અને વેપારનું કેન્દ્ર છે. અહીં બૅંકોની શાખા છે. બધા ઉદ્યોગો ધ્રોળમાં કેન્દ્રિત થયા છે. ઉચ્ચતર માધ્યમિક શાળા, અધ્યાપનમંદિર, પુસ્તકાલય અને બાલમંદિર શિક્ષણની સંસ્થાઓ છે. કુંવર અજોજી અને વજીરજીના પાળિયા નજીક પ્રાચીન મંદિર છે. શ્રાવણ માસની અમાસના દિવસે મેળો ભરાય છે.

ઇતિહાસ : આઝાદી પૂર્વે ધ્રોળ બીજા વર્ગનું દેશી રાજ્ય હતું. તેનું ક્ષેત્રફળ 189 ચોકિમી. હતું અને ગામોની સંખ્યા 34 હતી. હરધોળજીએ આ રાજ્યની 1539માં સ્થાપના કરી હતી. હરધોળજી પછી જસોજી, બામણીઓજી અને હરધોળજી બીજા ગાદીએ આવ્યા હતા. હરધોળજી બીજાના શાસન દરમિયાન ગુજરાતનો છેલ્લો સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો અકબરથી હાર પામીને પ્રથમ જૂનાગઢમાં અને પછી જામ સત્રસાલના આશ્રયે જામનગરમાં રહ્યો હતો. આ કારણે ગુજરાતના સૂબા અઝીઝ કોકાએ સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી. જામના સહાયકોમાં જૂનાગઢનો દોલતખાન ઘોરી અને દેરડીનો લોમો ખુમાણ હતા. આ બંને ખસી જતાં જામ સત્રસાલ જામનગર ચાલ્યા ગયા. ભૂચર મોરી પાસેના યુદ્ધમાં જામનો મીંઢળવંતો કુમાર અજોજી અને જસો વજીર માર્યા ગયા. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આ સૌથી ભીષણ યુદ્ધ ગણાય છે.

હરધોળજી બીજા પછી મોડજી, પચાણજી, કલોજી, જુનોજી, ખતોજી, કલોજી બીજો, વાઘજી, જયસિંહ પહેલો, જુનોજી બીજો, નાથોજી મોડજી બીજો, ભુવનસિંહ અને જયસિંહ બીજાએ અનુક્રમે રાજ્ય કર્યું. જયસિંહ બીજાએ (1844) દરબારગઢ, ધ્રોળનો કિલ્લો, ધર્મશાળા, તળાવ વગેરે બંધાવ્યાં. તે ન્યાયી અને વિદ્વાનોનો આશ્રયદાતા હતા. 1880માં તેમના પુત્ર હરિસિંહના વખતમાં પ્રાથમિક શાળાઓ, અંગ્રેજી શાળા, દવાખાનું વગેરે લોકોપયોગી કામો થયાં. 1914માં તેમના મરણ પછી તેના પુત્ર દોલતસિંહજી ગાદીએ આવ્યા. તેમના શાસન દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવવા મનાઈ કરાતાં ધ્વજ સત્યાગ્રહનો બનાવ બન્યો હતો. 1939માં તેમના પૌત્ર ચંદ્રસિંહજી ગાદીએ આવ્યા. આઝાદી પછી 15 એપ્રિલ, 1948ના રોજ ધ્રોળ રાજ્ય ભારત સંઘ અને સૌરાષ્ટ્ર રાજ્યમાં જોડાયું. ચંદ્રસિંહજી સ્વતંત્ર પક્ષના સભ્ય હતા અને ગુજરાત રાજ્યની વિધાનસભાના પણ સભ્ય હતા.

શિવપ્રસાદ રાજગોર