ધ્રુવીય જ્યોતિ (Aurora) : પૃથ્વીના ધ્રુવ-પ્રદેશના આકાશમાં દેખાતો પ્રકાશ. અધિક સૌર-પ્રક્રિયા (solar activity) તથા ભૂ-ચુંબકીય તોફાનો દરમિયાન ધ્રુવીય જ્યોતિની ઘટના બને છે. સૌર તેજ-વિસ્ફોટ (solar flare) દરમિયાન સૂર્યમાંથી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રૉન અને પ્રોટૉન ઉત્સર્જિત થાય છે. આ ઇલેક્ટ્રૉન ભૂ-ચુંબકીય ક્ષેત્રની અસરથી તેના માર્ગમાંથી વિચલિત થઈને પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના ઉચ્ચ વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે એ ઇલેક્ટ્રૉન વાતાવરણના અણુઓને ઉત્તેજિત કરે છે. આવા ઉત્તેજિત અણુઓ તેમની વધારાની શક્તિ લાક્ષણિક ર્દશ્ય પ્રકાશ રૂપે ઉત્સર્જિત કરે છે, જેને ધ્રુવીય જ્યોતિ કહે છે. ઉત્તર ધ્રુવના ધ્રુવ-પ્રકાશને ‘ઑરોરા બોરીએલિસ’ અને દક્ષિણ ધ્રુવના ધ્રુવ-પ્રકાશને ‘ઑરોરા ઑસ્ટ્રેલિસ’ કહે છે. મોટે ભાગે ધ્રુવીય જ્યોતિ 64°થી 70° ભૂ-ચુંબકીય અક્ષાંશ વચ્ચે દેખાય છે. અત્યંત અધિક સૌર-પ્રક્રિયા દરમિયાન ધ્રુવીય જ્યોતિ નીચલા અક્ષાંશ પર પણ દેખાય છે. ધ્રુવીય જ્યોતિ મુખ્યત્વે 100થી 500 કિમી.ની ઊંચાઈએ થરમૉસ્ફિયર સ્તરમાં ઉદભવે છે. મહદંશે તેનો રંગ લીલાશ પડતો પીળો અથવા પોપટી તથા કેટલીક વખત લાલ હોય છે. તેની મુખ્ય વર્ણપટ-રેખા 5577A° અને 6300A° છે. ધ્રુવીય જ્યોતિના નયનમનોહર રંગ અને વિવિધ આકારોથી આકાશમાં અત્યંત સુંદર ર્દશ્ય દેખાય છે.

પરંતપ પાઠક