ધ્રોળ ધ્વજ સત્યાગ્રહ

March, 2016

ધ્રોળ ધ્વજ સત્યાગ્રહ (ઈ. સ. 1931) : રાષ્ટ્રધ્વજ પરત મેળવવા ગુજરાતમાં ધ્રોળની પ્રજાએ કરેલો સત્યાગ્રહ. સૌરાષ્ટ્રમાં હાલના જામનગર જિલ્લામાં આવેલા ધ્રોળના જૂના દેશી રાજ્યમાં રાજા દોલતસિંહ(1914–1939)ના સમયમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કચડી નાંખવામાં આવતી. ત્યાંના રાષ્ટ્રવાદી નેતા પુરુષોત્તમ ઉદેશીને રાજ્યની પોલીસે માર્ચ 1931માં જેલમાં પૂરી ખૂબ મારવાથી લોકોમાં ભય ફેલાયો હતો. ગાંધી-ઇર્વિન કરાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા. 1931માં કરાંચીમાં કૉંગ્રેસ અધિવેશનમાં ધ્રોળના આગેવાનોએ ભાગ લઈ, રાજ્યના અન્યાય સામે લડવાની પ્રેરણા મેળવી. કૉંગ્રેસનો સંદેશો લોકોને પહોંચાડવા સ્થાનિક નેતાઓએ ધ્રોળમાં જાહેર સભા યોજી. રાજ્યની પોલીસે નિયત સ્થળે એકઠા થયેલા લોકોને વિખેરી નાખી પુરુષોત્તમભાઈ પાસેથી રાષ્ટ્રધ્વજ ખૂંચવી લીધો. તેથી તેમણે ધ્વજ મેળવવા ઉપવાસ કરી સત્યાગ્રહ આરંભ્યો. સૌરાષ્ટ્રના આગેવાન મણિલાલ કોઠારી ધ્રોળના દીવાનને મળ્યા ત્યારે દીવાને રાષ્ટ્રધ્વજ પાછો આપવાની ખાતરી આપવાથી પુરુષોત્તમભાઈએ પારણાં કર્યાં. પરંતુ ઘણા દિવસ સુધી ધ્વજ પરત ન મળવાથી ફૂલચંદભાઈ શાહે પાંચ સ્ત્રીઓ સહિત 54 સત્યાગ્રહીઓ સાથે ધ્રોળ જઈ 26 મે, 1931ના રોજ સરઘસ કાઢી, દરબારગઢ ચોકમાં સભા ભરી ધ્વજ સોંપી દેવાની માગણી કરી. બીજે દિવસે સભા-સરઘસની મનાઈ ફરમાવી, સત્યાગ્રહીઓ પર લાઠીમાર કરી પુરુષોત્તમ ઉદેશીની ડેલીમાં જ બધાને 24 કલાક સુધી પૂરી દેવામાં આવ્યા. 30 મે, 1931ના રોજ ધોલેરા, બરવાળા, ભાવનગર વગેરે સ્થળેથી આવેલા સત્યાગ્રહીઓ સભા, સરઘસ તથા ઉપવાસમાં જોડાયા. ધ્રોળના લોકોએ સાંજે તેમને પારણાં કરાવ્યાં. 31 મે, 1931ના રોજ પોલીસે ધ્વજ પરત કર્યો ત્યારે લોકોએ વિજયનો ઉત્સવ ઊજવ્યો. આ સત્યાગ્રહથી ધ્રોળની કચડાયેલી પ્રજામાં અપૂર્વ જાગૃતિનો સંચાર થયો.

મહેબૂબ દેસાઈ