ધ્રુવદેવી : ધ્રુવદેવી ઉર્ફે ધ્રુવસ્વામિનીદેવી ગુપ્તસમ્રાટ ચંદ્રગુપ્ત બીજા(વિક્રમાદિત્ય : 381 થી 412)ની મહારાજ્ઞી હતી. વિશાખદત્ત-કૃત ‘દેવીચંદ્રગુપ્તમ્’ નાટકના ત્રુટિત અંશમાંથી તેમજ બીજાં કેટલાંક સાધનોમાંથી તેની વિગત મળે છે. તે પરથી જણાય છે કે પ્રથમ એ ગુપ્તસમ્રાટ રામગુપ્ત(ઈ. સ. 380 થી 81)ની રાણી હતી. રામગુપ્ત પર શક રાજાનું આક્રમણ થતાં તેનો સામનો ન કરી શકવાને લઈને રામગુપ્ત પોતાની રાણી ધ્રુવદેવી શત્રુરાજાને સોંપી સુલેહ કરવા તૈયાર થઈ ગયો, પણ એ માટે ધ્રુવદેવી તૈયાર નહોતી. એના દિયર, જેનો નાટકમાં ‘કુમાર’ તરીકે ઉલ્લેખ થયો છે તે ચંદ્રગુપ્તે ધ્રુવદેવીનો વેશ ધારણ કરી રાત્રિને સમયે શત્રુના શિબિરમાં અંત:પુરમાં પ્રવેશી, એ વેશે શકરાજાનો વધ કર્યો. આ ઘટનાથી લોકોમાં રામગુપ્તની પ્રતિષ્ઠા ઘટી અને ચંદ્રગુપ્તની લોકપ્રિયતા વધી. રામગુપ્ત ચંદ્રગુપ્તને સંદેહની નજરે જોવા લાગતાં ગુસ્સાથી પાગલ બનેલા ચંદ્રગુપ્તે રામગુપ્તનો વધ કર્યો અને સ્વયં રાજગાદી પર બેઠો. રામગુપ્તની પત્ની ધ્રુવદેવીએ દિયરવટાના રિવાજથી એની સાથે વિવાહ કર્યો અને એ ચંદ્રગુપ્તની પટરાણી થઈ. એનાથી એનો વંશ ચાલ્યો. એના પુત્રો ગોવિંદગુપ્ત અને કુમારગુપ્ત પહેલાના અભિલેખોમાં એનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરેલો છે. ગોવિંદગુપ્તના સમયની એની એક મુદ્રા મળી છે, જેના પર ‘મહારાજાધિરાજ શ્રી ચંદ્રગુપ્ત-પત્ની મહારાજ શ્રી ગોવિંદગુપ્ત-માતા મહાદેવી શ્રી ધ્રુવસ્વામિની’ એવું લખાણ મળે છે. કનૈયાલાલ મુનશીએ આ વસ્તુ લઈને ‘ધ્રુવસ્વામિનીદેવી’ નાટક લખ્યું છે.
પ્રવીણચંદ્ર પરીખ