ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’

March, 2016

ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (જ. 17 ઑક્ટોબર 1859, બહિયેલ, દહેગામ; અ. 13 માર્ચ 1938) : અગ્રણી ગુજરાતી સાક્ષર. 1876માં મૅટ્રિક, 1882માં બી.એ. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. 1908માં આર.સી. હાઈસ્કૂલના હેડમાસ્તર થયા. 1915માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક નિમાયા. 1934માં નિવૃત્ત થયા. 1920થી 1938 સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. 1907માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

કેશવલાલ હર્ષદરાય ધ્રુવ

સંશોધનની સંસ્કૃત પરંપરામાં કેશવલાલ ધ્રુવનું પ્રદાન મૂલ્યવાન છે. કાલિદાસ, અમરુ, ભાસ, જયદેવ જેવા કવિઓની કૃતિઓ અંગે એમણે આપેલાં મંતવ્યોએ સંસ્કૃત વિવેચકોને પાછળથી ઘણી પ્રવૃત્તિઓ અને સંશોધન માટેનું કાર્યક્ષેત્ર પૂરું પાડ્યું છે. તે ક્વચિત્ કલ્પના અને અનુમાનથી પાઠ-ફેરફારોમાં પ્રેરાતા હોવા છતાં એમનાં સંશોધન અને સંપાદન રુચિની પરિષ્કૃતતા અને સર્જકતાનો સ્પર્શ દર્શાવે છે.

ગુજરાતી સાહિત્યને કેન્દ્રમાં રાખીને તેમણે કેટલાક મધ્યકાલીન કવિઓ તથા કેટલીક કૃતિઓ વિશે ઠીકઠીક લખ્યું છે. એમનાં સંપાદનો વિદ્વત્તાપૂર્ણ પ્રાસ્તાવિકો અને દ્યોતક ટિપ્પણોથી ધ્યાનાકર્ષક બન્યાં છે. મધ્યકાલીન ભાષા અને સાહિત્યનો એમાં ર્દષ્ટિપૂર્વકનો અભ્યાસ છે. ભાલણની ‘કાદંબરી’ના પૂર્વભાગ (1916)નું અને ઉત્તરભાગ (1927)નું સંપાદન કરવા ઉપરાંત એમણે ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય’ (1927)નું સંપાદન કર્યું છે. રત્નદાસકૃત ‘હરિશ્ચન્દ્રાખ્યાન’ (1927), અખાકૃત ‘અનુભવબિંદુ’ (1932) વગેરે એમનાં અન્ય સંપાદનો છે. અજ્ઞાતકવિકૃત ‘વસંતવિજય’ને તેઓ જ પહેલી વાર પ્રકાશમાં લાવે છે.

ભાષાવિષયક સંશોધન અને સાહિત્યવિચારણા રજૂ કરતા એમના લેખો ‘સાહિત્ય અને વિવેચન’ ભાગ 1–2(1939, 1941)માં સંગ્રહાયા છે. 1931માં તેમણે મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પિંગલવિષયક વિચારણા પ્રસ્તુત કરતાં પાંચ વ્યાખ્યાનો ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ (1932) રૂપે મળે છે. તેમણે ગુજરાતી છંદોનો આખો ઇતિહાસ પૂરો પાડ્યો છે. આ છંદો ક્યાં ક્યાં વપરાયા, ક્યાં ક્યાં એમાં સુધારા-વધારા થયા, કેવી કેવી રીતે એમનાં મિશ્રણો થયાં એ બધી ઝીણવટભરી વિગતો તેમણે આપી છે. ‘રણપિંગળ’ પછીનો ગુજરાતીમાં છંદ પરનો આ બીજો પ્રમાણિત ગ્રંથ છે.

‘વાગ્વ્યાપાર’માં ભાષાશાસ્ત્રના કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા જોવા મળે છે. ગુજરાતી ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ તરફ તેમણે જે અંગુલિનિર્દેશ કર્યો છે તે એમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમણે કરેલાં સંપાદનોનાં ટિપ્પણોમાં કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ આપવાનો પ્રયાસ તેમણે કર્યો છે. અલબત્ત; ઘણે સ્થળે તેમણે કલ્પનાને આધારે વ્યુત્પત્તિઓ આપી છે.

સંસ્કૃત કાવ્યો અને નાટકોના એમણે કરેલા અનુવાદો એમનું અગત્યનું પ્રદાન છે. રસિકતા અને પાંડિત્ય સાથે યથાર્થ ભાષાંતર કેવાં થઈ શકે એનાં એ ર્દષ્ટાંતો છે. મૂળકૃતિના મર્મને તે ગુજરાતીમાં સફળતાપૂર્વક ઉતારી શક્યા છે. ‘અમરુશતક’ (1892), ‘ગીતગોવિંદ’ (1895) અને ‘છાયાઘટકર્પર’ (1902) એમના સંસ્કૃત કાવ્યોના અનુવાદ છે, તો ‘પ્રધાનની પ્રતિજ્ઞા’ (1915), ‘સાચું સ્વપ્ન’ (1917), ‘મધ્યમવ્યાયોગ’ (1920) અને ‘પ્રતિમા’ (1928) એ એમના ભાસનાં સંસ્કૃત નાટકોના અનુવાદ છે. વિશાખદત્તનું ‘મુદ્રારાક્ષસ’ ‘મેળની મુદ્રિકા’ (1889) ને નામે, કાલિદાસનું ‘વિક્રમોર્વશીયમ્’ ‘પરાક્રમની પ્રસાદી’ (1915) ને નામે એમણે ગુજરાતીમાં અનૂદિત કર્યાં છે. એમણે અનુવાદની ભાષાને ઝડઝમક અને વિશિષ્ટ શબ્દોના ઉપયોગના ભારથી લાદી દીધી અને સંસ્કૃત કૃતિઓમાં આવતા પ્રાકૃતનો અનુવાદ ‘બોલી’માં કરવાની મથામણ કરી. એમ કહી શકાય કે એમના અનુવાદો ઊંચું નિશાન તાકનારા છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ