ધોળાવીરા

March, 2016

ધોળાવીરા (કોટડો) : ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર. કચ્છના મોટા રણમાં આવેલા ખડીર બેટની ઉત્તર-પશ્ચિમે આવેલા ઉજ્જડ થઈ ગયેલા આદ્ય-ઐતિહાસિક કાળના શહેરના અવશેષો અહીં આવેલા છે. કિલ્લાનો 16.5 મી. ઊંચો ભાગ 10 કિમી. દૂરથી દેખાય છે. કિલ્લાને સ્થાનિક લોકો કોટડો–મહાદુર્ગ કહે છે. ધોળાવીરા ગામની નજીક હોવાથી તે ધોળાવીરા તરીકે ઓળખાય છે. શહેરના અવશેષો 100 હેક્ટરમાં ફેલાયેલા છે. બે નહેર તેની પડખેથી પસાર થાય છે, જેના સામે કાંઠે પણ અવશેષો પડેલા છે.

1967માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના જગત્પતિ જોષીએ કોટડાની મુલાકાત લીધી. એ પછી પુરાતત્વવિદ ડૉ. સુમનબહેન પંડ્યાએ ધોળાવીરામાં રહીને તેનું નિરીક્ષણ કરી તેનું મહત્વ સ્થાનિક તથા રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કર્યું. પરિણામે ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના રવીન્દ્રસિંહ બિશ્તે 1989–93માં મર્યાદિત ઉત્ખનન કર્યું; જેમાંથી મળેલા પુરાવશેષોના આધારે આ શહેરને સિંધુ સંસ્કૃતિ પહેલાંનો સમય, સિંધુ સંસ્કૃતિનો સમય અને ઉત્તર સિંધુકાલીન સમય એમ ત્રણ કાળમાં વહેંચવામાં આવેલું છે.

પ્રથમ કાળના લોકો માટીનાં પકવેલાં બે રંગનાં ચિતરામણો અને સફેદ તથા રંગીન ઓપવાળાં અનેક પ્રકારનાં વાસણો વાપરતા. તેમને તાંબાની કળા સિદ્ધ હતી. હાલના કિલ્લાનો ઘણો ભાગ આ વખતે બાંધવામાં આવ્યો હતો. શહેરને છેવાડે મૃતકોને દાટીને ઉપર પથ્થરોની વાડ કરેલાં સ્થાનો (cairn burials) આ કાળનાં હોવાની શક્યતા છે. આ શહેરને સિંધુ સંસ્કૃતિ પહેલાંના કાળનાં બલૂચિસ્તાન, સિંધ, રાજસ્થાનનાં શહેરો સાથે સંબંધ જણાય છે.

કચ્છની ભૂમિમાં દટાયેલું 5000 વર્ષ જૂનું નગર ધોળાવીરા

આ જ સ્થળે કોઈ પણ જાતની તૂટ (break) વગર મોહેં-જો-દડો (મુએં-જો-ડેરો)ના જેવા જ સિંધુ સંસ્કૃતિના શહેરી અવશેષો મળે છે, જેમાં મુદ્રાઓ (seals), મુદ્રાંકનો (sealings), તોલમાપનાં વજનો, કંપાસ, ચર્ટ પથ્થરનાં પાનાં, અનેક પ્રકારના મણકા, સોના, રૂપા, તાંબા તથા સીસાનાં ઘરેણાં, બંગડીઓ, અર્ધકીમતી પથ્થરોના મણકા અને દાગીના મળ્યાં છે. માટીની પકવેલી થેપલીઓ, ગોફણના ગોળા, બગ્ગીઓ, રમકડાંનાં ગાડાં, શંખની બંગડીઓ, કડછીઓ, આચમનીઓ અને જડતરના દાગીના મળ્યા છે.

આ કાળનાં માટીનાં પકવેલાં વાસણો ટકાઉ અને ઉપયોગી છે. તેમાં માટલાં, કોઠીઓ, ડિશ, પાયા પર બેસાડેલી ડિશ, કથરોટો, લોટા, પ્યાલા, વાટકા અને કાણાંવાળી બરણીઓ (perforated jars) વગેરેનો સમાવેશ થાય છે. વાસણોનાં ચિતરામણ અને ઘાટ સિંધુ સંસ્કૃતિનાં જ છે.

શહેરના મુખ્ય બે ભાગ છે : દરબારગઢ વિસ્તાર અને શહેરી વિસ્તાર. સમગ્ર દરબારગઢ વિસ્તાર લંબચોરસ કિલ્લેબંધીવાળું બાંધકામ છે. તેના ઉત્તર અને દક્ષિણ – એમ બે ભાગ પડે છે. આ બંને વિભાગોની દીવાલો વચ્ચે 55 મી.ની પહોળી શેરી છે. બંને ભાગોને જોડતા પગથિયાંવાળા ઊંચા વિશાળ દરવાજા છે.

ઉત્તરના ભાગને ‘મિડલ ટાઉન’ કહે છે, જે પૂર્વ-પશ્ચિમે 333 મી. અને ઉત્તર-દક્ષિણે પૂર્વમાં 181 મી. તથા પશ્ચિમમાં 200 મી. છે. ઉત્તરના ભાગમાં પથ્થરથી ચણેલાં મકાનોના અવશેષો છે. આ બાંધકામનો ઉત્તરનો દરવાજો શહેરના મુખ્ય રસ્તે ખૂલે છે. આ દરવાજાની બંને બાજુએ ચોકીદારોને બેસવા માટેની દોઢીઓ છે.

દક્ષિણનો 15 મી.થી 18 મી. ઊંચો અને પૂર્વ-પશ્ચિમે 300 મી., અને ઉત્તર-દક્ષિણે અનુક્રમે પૂર્વમાં 160 મી. અને પશ્ચિમમાં 140 મી.ના ભાગ મુખ્ય છે. તેના ઉત્તર-દક્ષિણે દીવાલથી વળી બે ભાગ પડે છે. આમાં ઊંચા અને મહત્વના ભાગને નગરદુર્ગ (citadel) અને નીચાણે આવેલા ભાગને વાડો (court) કહે છે. આ બંને ભાગોને જોડતો દરવાજો અને પગથિયાં છે. બંને ભાગોમાં અવશેષો તથા મકાનો, પથ્થરો અને દીવાલો જોવા મળે છે. શહેરનો મહત્વનો ભાગ દક્ષિણનો ભાગ છે અને તે કોઈ વહીવટી તંત્રનું સ્થળ હોય તેવું લાગે છે. આ ભાગમાં ઉત્ખનન કરવામાં આવેલું છે.

દરબારગઢની 7 મી.થી 8 મી. જાડી બહારની દીવાલોને પથ્થરોથી જિપ્સમમાં ચણવામાં આવેલી છે. અંદરના ભાગે કાચી ઈંટોનો પણ ઉપયોગ થયો છે. આ દરબારગઢની રાંગેથી પાણી ભરવાની કૂંડી, સ્નાનાગાર, કૂવો તેમજ શૌચાલય જેવાં બાંધકામો અને દરબારગઢમાંથી બહાર નીકળવા માટે ગઢની દીવાલમાંથી નીકળતો પગથિયાં તથા હવાબારીવાળો ખાનગી માર્ગ પણ મળ્યો છે.

સૌથી મહત્વના તો દક્ષિણના દરબારગઢના દરવાજાની દોઢી ઉપર લાકડાનાં પાટિયાં ઉપરનાં 27 સેમી. ઊંચા અને 25થી 27 સેમી. ની પહોળાઈવાળા સિંધુલિપિના અક્ષરો છે જે ઉકેલાતાં વહીવટી સત્તાની ઓળખ માટે અને સિંધુ સંસ્કૃતિ માટે મહત્વના સાબિત થશે.

શહેરને અડીને ત્રણેય બાજુ આવેલા શહેરી વિસ્તારમાં ઉત્તરના દરવાજાની તથા દરબારગઢની રાંગને અડીને આવેલાં મકાનો પથ્થરોથી જિપ્સમમાં ચણેલાં છે. ઘરોને રેતિયા પથ્થરમાં ઘડેલી ઢાળવાળી ખુલ્લી ખાળો છે. શેરીઓ સીધી અને સમાંતર છે; પરંતુ શહેરને છેવાડે જતાં મકાનો પથ્થરોથી માટીમાં ચણેલાં છે, જે શહેરના આર્થિક-સામાજિક સ્તરો દર્શાવે છે. સમગ્ર શહેરને ફરતો કોટ હતો એમ મનાય છે.

કચ્છના મોટા રણનાં સંશોધનોથી જણાયું છે કે આજથી 4000 વર્ષ પૂર્વે બંને રણો ઉપર વહાણવટું થઈ શકે તેવો સમુદ્ર હતો. સિંધ, રાજસ્થાન અને કચ્છ-ગુજરાતના ત્રિભેટે આવેલ અને ઈરાની અખાતના દેશો સાથે સાંકળનાર આ જળમાર્ગોએ જ ધોળાવીરા શહેરની સ્થાપના અને વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો જણાય છે. હકીકતે તો ઉપર્યુંક્ત ત્રણેય પ્રદેશો, સિંધુ સંસ્કૃતિના સમગ્ર વિસ્તારો, મેસોપોટેમિયા તથા ઈરાની અખાતના દેશોના તૈયાર માલનું આયાતનિકાસ કરવાનું ધોળાવીરા બજાર ગણાય છે.

કચ્છના રણમાં આવેલી ભૂસ્તરીય ખામીઓ(geological faults)ને કારણે થતા ભૂકંપોને લીધે જમીન ઊંચી આવવાથી અને સમુદ્રસપાટી ઘટી જવાથી સમુદ્ર ખસી ગયો અને કચ્છનાં બંને રણો અસ્તિત્વમાં આવ્યાં. ધોળાવીરાની જીવાદોરી સમાન જળમાર્ગો કપાઈ જવાથી અને વેપાર બંધ થઈ જતાં શહેર ઉજ્જડ થઈ ગયું.

આ શહેરની રેડિયોકાર્બન-14થી તપાસ-ગણતરી કરાઈ નથી; પરંતુ સમગ્ર પુરાવા જોતાં ઓછામાં ઓછું ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 2000 વચ્ચે આ શહેર ધીકતું બંદર હશે એમ જણાય છે.

પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને સિંધમાંથી ભૂતકાળમાં વહેતી અને હિમાલયમાંથી નીકળતી મહાનદીના સુકાઈ ગયેલા પ્રવાહમાર્ગો મળ્યા છે. આ મહાનદી પ્રાચીન સરસ્વતી નદી હતી અને તે કચ્છના રણના સ્થાને આવેલા સમુદ્રમાં પડતી એમ સ્પષ્ટ થાય છે. આવા સંજોગો અને પુરાવામાં સરસ્વતીના મુખ ઉપર સિંધ, રાજસ્થાન અને કચ્છ-ગુજરાતના ત્રિભેટે ઈરાની અખાતના જળમાર્ગો ઉપર આવેલું ધોળાવીરા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. આથી પુરાતત્વ-વિજ્ઞાનીઓ તેને પંજાબના હડપ્પા અને સિંધના મોહેં-જો-દડોની સમકક્ષ ગણીને તેને સિંધુ સંસ્કૃતિનું બીજું મોહેં-જો-દડો કહે છે.

સુમનબહેન પંડ્યા