ધોળા : ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલું મહત્વનું રેલવે જંકશન. ભૌ. સ્થાન 21° 45´ ઉ. અ. અને 71° 50´ પૂ. રે.. તાલુકામથક ઉમરાળાથી તે 8 કિમી. અને જિલ્લામથક ભાવનગરથી 29 કિમી. દૂર છે. ધોળાથી વલભીપુર 18 કિમી., સોનગઢ 10 કિમી. અને લોકભારતી સંસ્થાથી જાણીતું બનેલું સણોસરા 8 કિમી. દૂર છે.
ધોળાની આજુબાજુના પ્રદેશમાં કપાસ, મગફળી અને બાજરી તેમજ રંઘોળાના તળાવની નહેરનો લાભ મેળવતાં ગામોમાં શેરડીનો પાક થાય છે. અહીં તેલની મિલ અને ખેતીનાં સાધનોનું સમારકામ કરવા માટે લેથ વગેરેની સગવડ છે. ધોળા એ આજુબાજુનાં ગામો માટેનું ખરીદ-વેચાણનું કેન્દ્ર છે. અહીં ભાવનગર રાજ્યના વખતથી ખેતીવાડી સુધારણા માટેનું મૉડલ ફાર્મ આવેલું છે.
1880માં નંખાયેલી ભાવનગરથી સુરેન્દ્રનગર-વીરમગામ રેલવેનું તથા ધોળા-ઢસા-જેતલસર-પોરબંદર રેલવેનું જંકશન છે. ધોળાથી એક ફાંટો ઢસા થઈને ખીજડિયા–ધારી જાય છે જ્યારે બીજો ફાંટો ધોળાથી ઢસા-સાવરકુંડલા-રાજુલા થઈને મહુવા જાય છે. ધોળાથી રાજ્ય-પરિવહનની બસો અમરેલી-વલભીપુર-ભાવનગર-સોનગઢ અને પાલિતાણા જાય છે.
અહીં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા તથા બાલમંદિર-શિક્ષણ આપતી સંસ્થાઓ છે. અહીંની વસ્તી આશરે 828 (2022) હતી.
શિવપ્રસાદ રાજગોર