ધોળકિયા, નવનીત (લૉર્ડ)

March, 2016

ધોળકિયા, નવનીત (લૉર્ડ) (જ. 4 માર્ચ 1937, ટાન્ઝાનિયા) : બ્રિટનની પાર્લમેન્ટના હાઉસ ઑવ્ લૉર્ડ્ઝના સન્માનનીય લૉર્ડ મેમ્બર અને બ્રિટનમાં વસતા મૂળ ભારતીય સમુદાયના બ્રિટનની લિબરલ પાર્ટીના સંસદીય નેતા. મૂળ વતન ભાવનગર, પિતા પરમાનંદદાસ અને માતા શાંતાબહેનના મેધાવી પુત્ર. જ્ઞાતિએ વાળંદ. બી.એસસી. સુધીનો અભ્યાસ. શ્રી અને શ્રીમતી ધોળકિયાની બે પુત્રીઓ છે; જેમાં અંજલિ વકીલ છે જ્યારે બીજી એલેન ડૉક્ટર છે.

 તેઓ લંડનમાં રહીને બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયનાં હિતોના રક્ષણ માટે વિવિધ ક્ષેત્રે સક્રિય બની સતત ઝૂઝતા રહ્યા. સૌપ્રથમ વાલથેમ બ્રુક્સના બૅરન તરીકે તેમને નીમવામાં આવ્યા. 29 ઑક્ટોબર, 1997ના રોજ તેઓ ઇંગ્લૅન્ડના ઉમરાવગૃહ(House of Lords)માં દાખલ થયા.

જૂન, 1999માં તેમને વેસ્ટ સસેક્સ પરગણાના ડેપ્યુટી લેફ્ટનન્ટ નીમવામાં આવ્યા. દરમિયાનમાં નવનીત ધોળકિયા ‘નૅશનલ ઍસોસિયેશન ફૉર ધ કેર ઍન્ડ રીસેટલમેન્ટ ઑવ્ ઑફેન્ડર્સ’ (NACRO) નામની સંસ્થાના ચૅરમૅન; તેની રેસ ઇશ્યૂઝ એડ્વાઇઝરી કમિટીના પ્રમુખ; સેવ ધ ચિલ્ડ્રન ફંડની કારોબારી(council)ના સભ્ય પણ રહ્યા. તેઓ હૉવર્ડ લીગ ફૉર પીનલ રિફૉર્મ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે તથા ‘હૉવર્ડ જર્નલ’ના સંપાદક-મંડળના સભ્ય છે. ઉપરાંત, તેઓ ‘મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન’ના ટ્રસ્ટી, ‘કૉમનવેલ્થ ઇન્સ્ટિટ્યૂટ’ના સંચાલક-મંડળના સભ્ય તથા ‘પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑન એજિંગ ઍન્ડ ઍથ્નિસિટી’ની કારોબારીના સભ્ય છે.

નવનીત લૉર્ડ ધોળકિયા

વળી તેમણે કમિશન ફૉર રૅશિયલ ઇક્વૉલિટી, પોલીસ કમ્પ્લેન્ટ્સ ઑથોરિટી, ઍથ્નિક માઇનૉરિટી ઍડવાઇઝરી કમિટી ઑફ ધ જ્યુડિશિયલ સ્ટડીઝ બૉર્ડ તથા લૉર્ડ ચાર્લાઇલ કમિટી ઑવ્ ધ પેરોલ સિસ્ટિમ્સ રિવ્યૂ જેવી સંસ્થાઓમાં કાર્ય કર્યું છે.

ધોળકિયા હોમ ઍફેર્સ ટીમના સભ્ય હોવા ઉપરાંત લિબરલ ડેમૉક્રેટ પક્ષના દંડક પણ છે. ઇંગ્લૅન્ડના સંસદના ઉપલા ગૃહ(ઉમરાવ સભા)માં પણ તેઓ જુદા જુદા પદ પર કામ કરી રહ્યા છે; જેમ કે, સિલેક્ટ કમિટી ઑન ધ હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ ઑફિસિસ, યુરોપિયન કમ્યૂનિટીની પેટાસમિતિ, હાઉસ ઑવ્ લૉર્ડ્ઝના નિમણૂક પંચ, લિબરલ ડેમૉક્રેટસ પક્ષના પ્રમુખ વગેરે.

તેમણે મૅજિસ્ટ્રેટ તરીકે પણ પોતાની સેવાઓ આપી છે તથા બૉર્ડ ઑવ્ વિઝિટર્સ ફૉર હિઝ મૅજેસ્ટિઝ પ્રિઝન લૂઇસના સભ્યપદે રહી ચૂક્યા છે.

આ ઉપરાંત તેઓ અહિંસા ફૉર ક્વૉલિટી ઑવ્ લાઇફ, એન. આર. આઇ. ક્લબ ઇન્ટરનેશનલ (બર્મિધમ), ઑક્સફર્ડ સેન્ટર ફૉર હિંદુ સ્ટડીઝ, સ્ટુડન્ટ પાર્ટનરશિપ વર્લ્ડવાઇડ, યુએનએ, ઇન્ટરનેશનલ ઇયર ફૉર ધ કલ્ચર ઑફ પીસ (2000) અને 4 સાઇટ (વેસ્ટ સસેક્સ ઍસોસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ), ગાંધીટ્રસ્ટ, ડૉ. જે. એમ. સંઘવી ફાઉન્ડેશન, ઇન્ડિયન જ્યૂઇશ ઍસોસિયેશન, યુ. કે. તથા કમિશન ઑન્ ધ ફ્યૂચર ઑવ્ મલ્ટિઍથ્નિક બ્રિટન જેવી સંસ્થાઓ સાથે પેટ્રન, અધ્યક્ષ, ટ્રસ્ટી તથા કારોબારીના સભ્યની રૂએ સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. હાલ તેઓ લિબરલ ડેમૉક્રેટ પક્ષના ઉપનેતા (ડેપ્યુટી લીડર) છે.

આમ તેમણે સંસદીય લોકશાહી અને માનવ-અધિકારના જતન તેમજ આંતરરાષ્ટ્રીય જનસમુદાયો વચ્ચે શાંતિ, ન્યાય, સમજ અને મૈત્રીના સંવર્ધનક્ષેત્રે ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન દ્વારા દેશવિદેશમાં ભારતની અને ગુજરાતની પ્રતિષ્ઠા વધારી છે. આમ તેમની મેધાવી સંસદીય પ્રતિભા, લોકશાહી પ્રત્યેની ઉદાર મૂલ્યનિષ્ઠા, સમષ્ટિ અને માનવસમાનતાથી પ્રેરિત જીવન-વ્યવહારથી બ્રિટનના જાહેર સેવાક્ષેત્રમાં તેઓ અગ્રેસર રહ્યા છે.

તેમની અતિમૂલ્યવાન અને પ્રશંસાપાત્ર સેવાઓ બદલ વિશ્વગુર્જરી સંસ્થાએ તેમને 1999ના વર્ષનો ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર’ એનાયત કર્યો હતો.

બળદેવભાઈ કનીજિયા