ધોલેરા સત્યાગ્રહ

March, 2016

ધોલેરા સત્યાગ્રહ : મીઠાના કાયદાભંગ માટેનો અહિંસક સત્યાગ્રહ. ગાંધીજીએ દાંડીકૂચ કરીને 6 એપ્રિલ, 1930ના રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર ભારતમાં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થઈ. સૌરાષ્ટ્રના દેશભક્તો આ લડત ઉપાડી લેવા ઉત્સુક હોવાથી અમૃતલાલ શેઠે ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિની મંજૂરી મેળવી. અમદાવાદ જિલ્લાના ધોલેરા બંદરે  દરિયાની ખાડી નજીક મીઠાના કાયદાનો ભંગ કરવાનો નિર્ણય કર્યો. તદનુસાર મોહનલાલ મહેતા (સોપાન), વજુભાઈ શાહ, મનુભાઈ જોધાણી અને ઝવેરચંદ મેઘાણીએ ભાવનગર, મોરબી, ગોંડલ, પોરબંદર, અમરેલી,  કોડીનાર વગેરે સ્થળેથી સત્યાગ્રહીઓની ભરતી કરી. સમગ્ર સૌરાષ્ટ્રમાં ‘ચલો ધોલેરા’નો નાદ ગુંજી ઊઠ્યો. સત્યાગ્રહીઓ 5 એપ્રિલ, 1930ના રોજ ધોલેરાના પાદરે એકઠા થયા. તેઓનું વિશાળ સરઘસ અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરામાં ફર્યું. મોહનલાલ મહેતાએ તેમને ગીત ગવડાવ્યાં અને લોકોએ તેમનું સ્વાગત કર્યું.

નગરજનો વચ્ચે ધોલેરા સત્યાગ્રહીઓ

6 એપ્રિલ, 1930ના રોજ અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ 21 સત્યાગ્રહીઓની ટુકડી સમુદ્રની ખાડી પાસે પહોંચી અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ઘોષણા સહિત, પોલીસોની હાજરીમાં મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બધા સત્યાગ્રહીઓની ધરપકડ કરી, તેમની પાસેથી બળજબરીથી મીઠું પડાવી લીધું. તેમને થોડો સમય કસ્ટમ હાઉસમાં બેસાડી રાખી, છોડી દેવામાં આવ્યા. અમૃતલાલ શેઠ પર કેસ ચલાવી અઢી વર્ષની સજા કરવામાં આવી. બળવંતરાય મહેતાની સરદારી હેઠળ મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓની ટુકડી 13 એપ્રિલની સવારે નીકળી. તેણે મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બળવંતરાયની ધરપકડ કરી, ધંધૂકામાં કેસ ચલાવી બે વર્ષની સજા કરવામાં આવી. આશરે દોઢ મહિનાની સક્રિય લડતમાં મણિશંકર ત્રિવેદી, દેવીબહેન પટ્ટણી, ભીમજીભાઈ સુશીલ, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા (સોપાન) જેવા અગ્રણીઓને જેલમાં મોકલવા છતાં લડતનો જુસ્સો ચાલુ રહેવાથી પોલીસે ધોલેરા, ધંધૂકા, બરવાળા અને રાણપુરની સત્યાગ્રહની છાવણીઓ પર છાપા મારી, છાવણીઓ કબજે કરવાથી ધોલેરાના સ્મશાનમાં છાવણી શરૂ કરી. કુલ આઠ મહિના સુધી સત્યાગ્રહ ચાલુ રાખવામાં આવ્યો. આ દરમિયાન સત્યાગ્રહીઓ ઉપર પોલીસોએ અમાનવીય અત્યાચારો ગુજાર્યા હતા. આ સત્યાગ્રહ દરમિયાન ઝવેરચંદ મેઘાણીએ ધરપકડ સ્વીકારી ધંધૂકાની અદાલતમાં આયરિશ વીર મૅક્સ્વીનીના ઉદગાર પરથી સૂઝેલું ગીત બુલંદ અવાજે ગાઈને મૅજિસ્ટ્રેટ સહિત સૌને પિગળાવી દીધા હતા. માર્ચ, 1931માં ગાંધી-ઇર્વિન કરાર થતાં આ ચળવળ બંધ રહી.

મહેબૂબ દેસાઈ