ધોલેરા : અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકામાં આવેલું ગામ અને પ્રાચીન બંદર. ભૌગોલિક સ્થાન : 22° 15’ ઉ. અ. અને 72° 15’ પૂ. રે.. તે ધંધૂકાથી આશરે 28 કિમી.ના અંતરે સમુદ્રકિનારે આવેલું છે, જે રાજ્યપરિવહનની બસસેવા સાથે સંકળાયેલ છે. જૂના વખતમાં તે ‘ધોલેરાપુરા’ તરીકે ઓળખાતું હતું અને તે જાણીતું બંદર તથા વેપારનું મથક હતું. પ્રાચીન સમયમાં તે કુદરતી બારાની સુવિધા ધરાવતું હોવાથી  19મી સદીમાં તે વેપારમાં ધમધમતું હતું. તે સમયે તેનો નાળ-વિસ્તાર પહોળો અને ઊંડાણવાળો હોવાથી 107થી 143 ટનની ક્ષમતાવાળાં વહાણો લાંગરતાં હતાં. આ સમયગાળા અગાઉ તે માત્ર 300 ઘરની વસ્તીવાળું નાનું ગામ હતું. આ બંદરના પીઠપ્રદેશમાં ઘઉં અને કપાસની ખેતી વધુ થતી હોવાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ત્યાં બંદરનો વિકાસ કરવાનો પ્રારંભ કર્યો. 1871-1877ના ગાળા દરમિયાન વધુ વેપારના અર્થે તેને વીરમગામ સાથે સાંકળવામાં આવ્યું હતું. ત્યાર બાદ ક્રમશ: તેની નાળમાં પુરાણ થતું ગયું અને વેપાર પણ ઘટતો ગયો. પરિણામે તે નાના બંદર તરીકે ઓળખાતું થયું. એકવીસમી સદીના પ્રારંભમાં ગુજરાત સરકાર તેના પુન: વિકાસ માટે સક્રિય બની છે.

અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, ચિકિત્સાલય, પશુઓનું દવાખાનું, બૅંક, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જિનિંગ ફૅક્ટરી તેમજ લાકડાને લગતા કુટિર-ઉદ્યોગો પણ વિકસ્યા છે. ધોલેરાને અમદાવાદ સાથે પાકા રસ્તાથી સાંકળવામાં આવ્યું છે.

નીતિન કોઠારી