ધર્મપાલ (ઈ. સ. 770 થી 810) : ઈ. સ 765 પહેલાં બંગાળમાં ચાલતી રાજકીય અંધાધૂંધીમાંથી બંગાળમાં વ્યવસ્થિત રાજ્ય સ્થાપનાર પાલવંશના રાજા ગોપાલ પુત્ર. ધર્મપાલે ભારતનું ચક્રવર્તી પદ મેળવવા માટે કર્ણાટક, અવંતિ, ગુર્જર વચ્ચે ચાલતી સ્પર્ધામાં ઝંપલાવ્યું. ગંગા-યમુનાનો પ્રદેશ જીતવા ગયેલા ધર્મપાલને ધ્રુવ-ધારાવર્ષે હરાવ્યો ખરો, પરંતુ દખ્ખણમાં પુન:શાંતિ સ્થાપવા ગયેલા રાજાની ગેરહાજરીનો લાભ લઈને ઇન્દ્રાયુધને ધર્મપાલે હરાવ્યો અને કનોજ જીતીને પોતે પસંદ કરેલા ચક્રાયુધને એના સિંહાસન પર બેસાડ્યો (સન 783). તેની સત્તા પંજાબ, પાંચાલ, ઉજ્જયિની અને ગુજરાતની સીમા પર્યંત હતી. રાષ્ટ્રકૂટ રાજા પ્રબળની પુત્રી રન્નાદેવી ધર્મપાલની રાણી હતી. તેને દેવપાલ નામે પુત્ર હતો. ધર્મપાલે ‘પરમભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર’નાં બિરુદો ધારણ કર્યાં હતાં. ગયાજીની આસપાસ તેના પૂર્વજોએ બંધાવેલા બૌદ્ધ વિહારોના નિભાવ માટે તેણે દાન આપ્યાની વિગતો તામ્રપત્રોમાં સચવાયેલી છે.

તેણે મગધમાં પર્વતની ટોચે પ્રસિદ્ધ વિક્રમશીલ વિહાર સ્થાપ્યો. તેના અવશેષો પહાડપુરમાંથી મળ્યા છે. એ વિહારની આસપાસ અનેક કુટિઓ બંધાવી, ત્યાં 108 પંડિતો રહીને છાત્રો અને ભિક્ષુઓને વ્યાકરણ, દર્શન ઇત્યાદિ વિષયો શીખવતા અને તેમના પદવીદાન-સભારંભોમાં પાલ રાજાઓ સક્રિય રસ લેતા. તેણે ગુરુ હરિભદ્રને પ્રજ્ઞાપારમિતા સૂત્ર ગ્રંથ પર વૃત્તિ લખવા પ્રેર્યા. યોગાચારમતનું પ્રતિપાદન કરી એના અભ્યાસ માટે લગભગ 50 વિહારો બંધાવ્યા. પોતાના ગુરુબંધુ બુદ્ધિજ્ઞાનપાદના હસ્તે આ મહાવિહારની સ્થાપના કરાવીને તેમને વજ્રાચાર્યપદે રાખ્યા. તેણે તાંત્રિક ક્રિયા માટે 53 કુટિઓ કરાવી. એ બૌદ્ધ વિહારમાં અનેક સંસ્કૃત-પ્રાકૃત બૌદ્ધ ગ્રંથોના તિબેટી અનુવાદ થયા હતા. આથી બૌદ્ધોનો હીનયાન પંથ વિકસ્યો. આ સમયમાં સોમપુરી પહાડપુરનો વિહાર પણ વિદ્યાપીઠ તરીકે વિકસ્યો. અગિયારમી સદીના મધ્ય ભાગમાં બંગ સૈન્યોએ આગ લગાડી ત્યારથી તેની જહોજલાલીનો અસ્ત થયો.

વિભૂતી વિ. ભટ્ટ