ધર્મ-નિરપેક્ષ શિલ્પો : ધર્મ નિરપેક્ષ શિલ્પો ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ધાર્મિક ઇમારતો પર ગૌણ સાધનો તેમજ શોભાત્મક પ્રતીકો તરીકે અલ્પમૂર્ત, અર્ધમૂર્ત રૂપે અને કવચિત અધિમૂર્ત સ્વરૂપે પણ પ્રયોજાયાં છે. ભરહુત, સાંચી અને અમરાવતીનાં સ્મશાન-સ્મારકો(સ્તૂપો)માં ઘણી રસિક રીતે બાજુબાજુમાં દૈવી અને ધર્મનિરપેક્ષ વિષયો નિરૂપતાં દૃશ્યોનો સમાવેશ થાય છે. આ પ્રથા ચાલુ રહી ભારતીય કલાકારો, સામાન્યતઃ પોતાની ધાર્મિક ઇમારતો પર કોઈ જગ્યા અણકોરેલી રાખવા અંગે અણગમો ધરાવતા – આ જગ્યાઓને માત્ર બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને બ્રાહ્મણી હિંદુ ધર્મ સાથે સંકળાયેલ પૌરાણિક વિષયો નિરૂપતાં અંશમૂર્તિ શિલ્પો જ નહિ, પણ ધર્મનિરપેક્ષ જીવનનાં વિવિધ પાસાંને પ્રગટ કરતાં શિલ્પોથી પણ પૂરતા હતા. તેઓ બુદ્ધની જાતકકથાઓ, જિન પાર્શ્વનાથની જીવનકથા, રામાયણ અને કૃષ્ણાયનની પુરાણકથાઓ તેમજ રામ-રાવણ અને કુરુ-પાંડવોના યુદ્ધોની વિરાટ કાવ્યકથાઓમાંથી સરખી રીતે પ્રસંગ નિરૂપણ કરતા. તેઓ ખજુરાહો, ભુવનેશ્વર અને કોણારકનાં મંદિરોના વિપથગામી વિકાસો ધરાવતા શૃંગારિક વિષયોનો ઉપયોગ કરતા. પૂર્ણમૂર્ત કે અંશમૂર્ત ધર્મનિરપેક્ષ શિલ્પોમાં મંદિર-પરસ્ત ન હોય તેવા રાજાઓ અને મહાપુરુષોનાં પૂતળાં પણ બનતાં. મથુરા મ્યુઝિયમમાં સુરક્ષિત મહાદંડનાયક ઉલાનની પ્રતિમા, કદફિશ, કનિષ્ક અને મહાક્ષત્રપ ચષ્ટનનાં શિલ્પો ઉલ્લેખનીય છે. પલ્લવ રાજાઓ અને વિજયનગરના મહારાજા કૃષ્ણદેવરાય અને રાજપરિવારનાં શિલ્પો પણ આ કલાના ઉત્તમ નમૂના ગણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ