ધર્મપુરી : તમિળનાડુ રાજ્યની ઉત્તર સરહદે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : 12° 08´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.. તેની ઉત્તરે આંધ્રપ્રદેશ રાજ્યની સીમા, પૂર્વે વેલ્લોર જિલ્લો તથા તિરુવન્નામલાઈ જિલ્લો, અગ્નિ તરફ વેલ્લુપુરમ્, દક્ષિણે સાલેમ, નૈર્ઋત્યે ઇરોડ અને પશ્ચિમે કર્ણાટક રાજ્યની સીમા આવેલી છે. ધર્મપુરી એ ધર્મપુરી જિલ્લાનું મુખ્ય શહેર અને વહીવટી મથક પણ છે. જિલ્લાનું ક્ષેત્રફળ 9,622 ચોકિમી. છે અને વસ્તી 15.02 લાખ (2011) છે.

ધર્મપુરી તેનાથી 55 કિમી. દક્ષિણે આવેલા સાલેમ સાથે જોડાયેલું છે. અહીં સારી ઓલાદનાં ઢોરોનું મોટું બજાર છે, વળી ચામડાનું કેન્દ્ર પણ છે. ઊનનાં વસ્ત્રો પણ અહીં બનાવાય છે. આ પ્રદેશની મુખ્ય પેદાશો મગફળી, ડાંગર, શેરડી, કઠોળ અને કપાસ છે. હાથસાળના કાપડનો, દીવાસળીનો અને ચામડું કમાવવાનો ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસ્યો છે. આ શહેરની બાજુમાં કોરંડમ ખનિજની ખાણ આવેલી છે.

ધર્મપુરી નામનું બીજું નગર આંધ્રપ્રદેશના કરીમનગર જિલ્લામાં કરીમનગરથી 55 કિમી. દૂર ઉત્તરમાં ગોદાવરી નદી પર પણ આવેલું છે.

ગિરીશ ભટ્ટ