ધર્મનિરપેક્ષતા : કોઈ પણ ધર્મ કે તેના ભાગરૂપ ગણાતા સંપ્રદાય કે પંથથી તટસ્થ અથવા નિરપેક્ષ રહેવાનો ગુણ. અંગ્રેજી શબ્દ ‘સેક્યુલર’નો ભારતીય ભાષાઓમાં અનુવાદ, સામાન્ય રીતે ધર્મનિરપેક્ષતા અથવા બિનસાંપ્રદાયિકતા કરવામાં આવે છે. એનાં અર્થ અને વ્યાખ્યા વિશે મતભેદ પ્રવર્તે છે. વિશાળ અર્થમાં તેને એક જીવનદર્શન અથવા જીવન જીવવાની શૈલી તરીકે ઘટાવવામાં આવે છે, તો સીમિત અર્થમાં ધર્મ અથવા સંપ્રદાય અને રાજ્ય બંનેનાં કાર્યક્ષેત્રો નોખાં હોવાથી ધર્મ અથવા સંપ્રદાયે રાજ્યના વ્યવહારોમાં કે રાજ્યે ધર્મ અને સંપ્રદાયના વ્યવહારોમાં કોઈ દખલગીરી ન કરવી જોઈએ એવા એક સિદ્ધાંત તરીકે ઘટાવવામાં આવે છે.
એક જીવનદર્શન અથવા જીવનશૈલી તરીકે ધર્મનિરપેક્ષતાની કેટલીક અંગભૂત વિભાવનાઓ અથવા નિષ્ઠાઓનો વિકાસ યુરોપમાં નવજાગૃતિ (Renaissance) અને ધર્મસુધારણા(Reformation)ના આંદોલન દરમિયાન ક્રમશ: થયો છે અને ઓગણીસમી સદીમાં તે એક વિચાર અને વ્યવહાર તરીકે પશ્ચિમી જગતમાં પ્રસ્થાપિત થયો છે. આ વિભાવનાઓ અને નિષ્ઠાઓના વિશ્લેષણ અને સંદર્ભમાં ધર્મનિરપેક્ષતાનો અર્થ વધુ સ્પષ્ટ બને છે અને તેના આચરણમાં જરૂરી માર્ગદર્શન મળે છે.
પ્રથમ તો, એ ઇહલોકમાં માને છે. આ જગત એ જ સાચું જગત છે અને પરલોક એ માત્ર કલ્પના છે એમ એ માને છે. ધર્મ અથવા સંપ્રદાય ઇહલોકને બદલે પરલોક પર, ઇન્દ્રિયાતીત જગત પર ભાર મૂકે છે. તેથી ઇહલોક્ધો વધુ સમૃદ્ધ બનાવવાનો પુરુષાર્થ એ જ સાચો પુરુષાર્થ છે એવી એની ર્દઢ માન્યતા છે.
એની બીજી પાયાની નિષ્ઠા ભૌતિકવાદ છે. જગત અને જીવનના અંતિમ કારણરૂપ તત્વ તરીકે ભૌતિક પદાર્થ છે; આપણી તર્કબુદ્ધિથી પર એવું કોઈ અગોચર ચેતન તત્ત્વ, પરમતત્વ, પરમાત્મા નથી, એમ એ માને છે. મનુષ્ય અને તેની ચેતના એ સતત ચાલી રહેલી ઉત્ક્રાંતિનું પરિણામ છે. આમ, વિચારતત્વવાદ અથવા ચેતનાવાદ(idealism)થી વિપરીત ભૌતિકવાદ એ સેક્યુલરિઝમની પાયાની નિષ્ઠા છે.
બુદ્ધિનિષ્ઠાવાદ (rationalism) એ ધર્મનિરપેક્ષતાની ત્રીજી પાયારૂપ નિષ્ઠા છે. મનુષ્યની વિચારશક્તિ અથવા બુદ્ધિ એ એનું સૌથી મહત્વનું લક્ષણ છે અને મનુષ્યજાતિનાં વિકાસ અને પ્રગતિનો એ આધાર છે. મનુષ્ય કુદરતી પરિબળોને સમજીને એના પર કાબૂ મેળવવાનો જે પ્રયાસ કરે છે, એના પાયામાં એની આ શક્તિ પડેલી છે. બીજી બાજુ સામાજિક વ્યવહારોમાં પ્રગટ થતી નીતિમત્તા પણ એની આ વિચારશક્તિને જ આભારી છે, એમ બુદ્ધિનિષ્ઠાવાદ માને છે. આમ, નીતિમત્તાનો આધાર કોઈ અપૌરુષેય પરમ તત્વ કે ધર્મતત્વ નથી, પણ મનુષ્યમાં રહેલી બુદ્ધિનિષ્ઠા જ છે, એ ધર્મનિરપેક્ષતાની પાયાની માન્યતા છે.
શું સત્ય છે, અને શું સત્ય નથી, એ સમજવાનો અને સમજાવવાનો વૈજ્ઞાનિક અભિગમ એ પણ સેક્યુલરિઝમની એક મહત્વની નિષ્ઠા છે. કોઈક સિદ્ધાંત અંગે કલ્પના બાંધવી, એને અનુરૂપ હકીકતો એકત્ર કરવી, તેમનું વર્ગીકરણ અને પૃથક્કરણ કરવું, તેમાં સહસંબંધ કે કાર્યકારણ-સંબંધ સ્થાપવાનો પ્રયાસ કરવો, તેને આધારે જરૂરી તારણો તારવવાં, વાસ્તવિકતાના સંદર્ભમાં આ તારણોની ચકાસણી કરવી અને એનાં સત્યાસત્યની કસોટી કરી સામાન્ય નિયમો તારવવા – આ બધા વૈજ્ઞાનિક અભિગમના તબક્કા છે. વળી, નવાં તથ્યો પ્રકાશમાં આવતાં ફરીથી એ જ પ્રક્રિયા આદરવી, તેને સામાન્ય તથા વૈજ્ઞાનિક અભિગમ કહેવાય છે. માત્ર વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં જ નહિ પણ જીવનનાં તમામ ક્ષેત્રોમાં આ અભિગમથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એમ ધર્મનિરપેક્ષતાવાદીઓ માને છે.
વ્યક્તિમાત્રની એક મનુષ્ય તરીકે પ્રતિષ્ઠા થવી જોઈએ અને વ્યક્તિમાત્ર પ્રત્યે એક મનુષ્ય તરીકેનો વ્યવહાર થવો જોઈએ એવું ર્દઢ પ્રતિપાદન કરતા માનવવાદમાં ધર્મનિરપેક્ષતાની નિષ્ઠા છે. મનુષ્ય સ્વયમેવ ધ્યેય છે, એ અન્ય કશાનું સાધન કે પ્યાદું નથી; રાષ્ટ્ર, સમાજ, વર્ગ, સંપ્રદાય કે એવી કોઈ અમૂર્ત સામૂહિકતા ખાતર એનો ભોગ માગી કે લઈ શકાય નહિ. એ માનવવાદી વિચારદર્શન ધર્મનિરપેક્ષતાનો મહત્વનો આધાર છે. પોતાની નિયતિનો નિર્માતા ખુદ મનુષ્ય છે. એની સિદ્ધિ કે નિષ્ફળતા માટે એ સ્વયં જવાબદાર છે, એ માટે ઈશ્વર કે પ્રારબ્ધને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી એમ એ માને છે.
ધર્મનિરપેક્ષતાને પરિપુષ્ટ કરતી આ પાંચેય નિષ્ઠા એકબીજી પર આધારિત અને પરસ્પર પૂરક છે. પણ ધર્મનિરપેક્ષતાની વિભાવનાના વિકાસમાં એ દરેકનો વધતેઓછે અંશે ફાળો રહેલો છે.
વધુ પ્રચલિત, પણ પ્રમાણમાં થોડા સીમિત અર્થમાં ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા અને ચર્ચા ધર્મ અથવા સંપ્રદાયના સંદર્ભમાં કરવામાં આવે છે. રાજ્ય સાથેના સંબંધમાં વ્યક્તિને કોઈ સંપ્રદાયનું લેબલ લગાડ્યા સિવાય, મતલબ કે એ કયા સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવે છે, અથવા કોઈ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવે છે કે નહિ એ બાબતને વચ્ચે લાવ્યા સિવાય, એનો એક નાગરિક તરીકે સ્વીકાર કરવામાં આવે અને એક નાગરિક તરીકે તેની સાથે વ્યવહાર કરવામાં આવે એવો ભાવ એમાં અભિપ્રેત છે.
રાજ્યના સંદર્ભમાં ધર્મનિરપેક્ષતાના ખ્યાલનો વિચાર કરીએ છીએ ત્યારે કેટલીક બાબતો વધુ સ્પષ્ટ બને છે : પ્રથમ તો રાજ્ય કોઈ ધર્મ અથવા સંપ્રદાયને વરેલું હોવું જોઈએ નહિ. કોઈ રાજ્યમાન્ય અથવા રાજ્યપુરસ્કૃત ધર્મ હોવો જોઈએ નહિ. ધર્મ અથવા સંપ્રદાય અને રાજ્ય એ બંને ક્ષેત્રો એકબીજાંથી અલગ છે. બે, કોઈ પરમતત્વ અથવા ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી કે ન રાખવી એ વ્યક્તિની અંત:શ્રદ્ધાનો વિષય છે. બીજા શબ્દોમાં, ધર્મ અથવા સંપ્રદાયને પરલોક સાથે લેવાદેવા છે, જ્યારે રાજ્યને મનુષ્યોના જાહેર, સામૂહિક અને ઐહિક જીવન સાથે લેવાદેવા છે. આમ હોવાથી બંનેનું મિશ્રણ થવું ન જોઈએ. સંપ્રદાયે રાજ્યની બાબતોમાં કે રાજ્યે સાંપ્રદાયિક બાબતોમાં કોઈ દખલગીરી ન કરવી જોઈએ. એકમેકનાં ક્ષેત્રોમાં જો દખલગીરી થાય તો વ્યવહારમાં ઘણી મુશ્કેલીઓ અને ઘણા પ્રશ્નો ઊભાં થાય.
ભારતના બંધારણમાં, રાજ્યતંત્રના પાયારૂપ સિદ્ધાંતો જેવા કે ઉદારમતવાદી લોકશાહી, પ્રજાસત્તાકવાદ અને સમવાયતંત્ર સાથે સેક્યુલરિઝમ અથવા ધર્મનિરપેક્ષતાનો એક પાયારૂપ સિદ્ધાંત તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. જોકે ભારતના બંધારણના મૂળ દસ્તાવેજમાં, આરંભમાં ‘સેક્યુલર’ અથવા ‘ધર્મનિરપેક્ષતા’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. 42મા બંધારણીય સુધારા (1976) દ્વારા બંધારણના આમુખમાં ભારતીય રાજ્યના એક વિશેષણ તરીકે ‘સેક્યુલર’ શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો છે. બંધારણની વિવિધ જોગવાઈઓ થકી તેને સ્ફુટ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. સમાનતાના હક અન્વયે ભારતના બધા જ નાગરિકો ધર્મસહિત કોઈ પણ જાતના ભેદભાવ વિના કાયદા સમક્ષ સમાન છે, તેમ જ કાયદાનું રક્ષણ મેળવવા સૌ સરખા અધિકારી છે. ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધર્મ, જાતિ કે જ્ઞાતિને ધોરણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રાજ્ય કોઈ ભેદભાવ આચરશે નહિ. એ જ રીતે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વંશ કે જન્મસ્થળના આધારે જાહેર નોકરીઓમાં રાજ્ય તરફથી કોઈ ભેદભાવ આચરવામાં આવશે નહિ. હિંદુ સમાજમાં જોવા મળતી અસ્પૃશ્યતાની પ્રથાને નાબૂદ કરતી જોગવાઈ પણ બંધારણમાં કરવામાં આવી છે.
ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો હોવાથી ભારતમાં કોઈ રાજ્યમાન્ય અથવા રાજ્યપુરસ્કૃત ધર્મ નથી. આમ છતાં, ધાર્મિક સ્વતંત્રતાના હક અન્વયે વ્યક્તિને મનપસંદ ધર્મ પાળવાની, તેનો પ્રચાર અને પ્રસાર કરવાની, આનુષંગિક ધાર્મિક વિધિવિધાનો કરવાની, સંસ્થાઓ સ્થાપવાની, તેમનો વહીવટ અને નિભાવ કરવાની અને તે માટે મિલકત ધરાવવાની વગેરે સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. અલબત્ત, આ ધાર્મિક સ્વતંત્રતાઓ અમર્યાદિત નથી. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યના હિતમાં આ સ્વતંત્રતાઓ પર રાજ્ય વાજબી નિયંત્રણો મૂકી શકે છે. અમુક પ્રકારની ધાર્મિક માન્યતાઓ ધરાવનારી વ્યક્તિઓનો જે સમૂહ બને છે, એ સમૂહને પોતાની સંસ્થાઓ સ્થાપવાની, તેમનો વહીવટ કરવાની અને તેમનો નિભાવ કરવાની સ્વતંત્રતાઓનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. આવી સંસ્થાઓને મિલકતો પ્રાપ્ત કરવાની, ધરાવવાની અને તેમનો વહીવટ કરવાની સ્વતંત્રતાઓ છે, જે રાજ્યના સામાન્ય કાયદાને અધીન છે.
વ્યક્તિને કોઈ પણ ધર્મમાં માનવાની કે પાળવાની તેમ કોઈ પણ ધર્મમાં નહિ માનવાની કે કોઈ પણ ધર્મ નહિ પાળવાની પણ સ્વતંત્રતા છે. તેથી ધર્મને નામે, કે ધાર્મિક સંસ્થાઓના વિકાસના નામે કોઈ વ્યક્તિને કોઈ વેરો આપવાની ફરજ પાડી શકાય નહિ, એવી સ્પષ્ટતા ભારતના બંધારણમાં કરવામાં આવી છે.
રાજ્યે ધર્મનિરપેક્ષતાનો સ્વીકાર કર્યો હોવાથી રાજ્ય કે રાજ્યની સંસ્થાઓ પોતે કોઈ એક ધર્મ કે સંપ્રદાયના પ્રચાર કે પ્રસાર માટેનું સાધન બની શકે નહિ. આથી, રાજ્યની સહાયથી ચાલતી શિક્ષણસંસ્થાઓમાં કોઈ એક ધર્મ કે સંપ્રદાયનું ખાસ શિક્ષણ આપી શકાય નહિ. ઉપરાંત, કોઈ વિદ્યાર્થીને એ ધર્મના કર્મકાંડ પ્રમાણે વર્તન કરવાની ફરજ પણ પાડી શકાય નહિ. આમ છતાં, વિવિધ ધર્મોએ ઉપદેશેલા સદાચાર માટેના સિદ્ધાંતો અથવા સર્વ ધર્મો પ્રત્યે સમભાવ કે આદર વ્યક્ત કરતી પ્રાર્થનાને સંકુચિત અર્થમાં ધાર્મિક શિક્ષણ ગણી શકાય નહિ, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
ધર્મ, ભાષા, લિપિ અને સંસ્કૃતિની ર્દષ્ટિએ ભારતીય સમાજમાં અપાર વૈવિધ્ય છે. આ વિવિધતાઓનાં સન્માન અને સંગોપનના આધાર પર રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રીય એકતાનું ચણતર કરવાનો મનસૂબો ભારતે સેવ્યો છે. આ વિવિધતાઓના આધાર પર રચાયેલી લઘુમતીઓના કેટલાક વિશિષ્ટ સાંસ્કૃતિક અને કેળવણીવિષયક હકોની બંધારણમાં ખાતરી આપવામાં આવી છે. આ લઘુમતીઓને પોતાની વિશિષ્ટતા જાળવી રાખવાના હકો આપવામાં આવ્યા છે. પણ એમની એ વિશિષ્ટતા કોઈ પણ જાહેર હેતુના સંદર્ભમાં તેમની ગેરલાયકાત ન બને એની ખાસ કાળજી પણ લેવામાં આવી છે; જેમ કે, રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી કે રાજ્ય તરફથી સહાય મેળવતી કેળવણીની કોઈ સંસ્થામાં ધર્મ કે સંપ્રદાય, ભાષા, જ્ઞાતિ, જાતિ કે એમાંના કોઈ એક આધાર પર નાગરિકને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી શકાશે નહિ. ઉપરાંત, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને પોતાની પસંદગીની શિક્ષણસંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આમ છતાં, એમના આ અધિકારો અમર્યાદિત નથી. આ સંસ્થાઓનાં અસરકારક અને યોગ્ય સંચાલન, રાજ્યની અનામતનીતિના પાલન, કર્મચારીનાં હિતો, શૈક્ષણિક ગુણવત્તાની જાળવણી, નૈતિકતા, જાહેર વ્યવસ્થા, શિસ્ત તથા સ્વાસ્થ્યનાં ધોરણો જાળવવાં વગેરે બાબતો સંબંધી જરૂરી નિયમન કરવાની સત્તા રાજ્યને છે.
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતના બધા નાગરિકોને સમાન રીતે લાગુ પડે એવો ‘કૉમન યુનિફૉર્મ સિવિલ કોડ’ ઘડવા બાબતે રાજ્યને માર્ગદર્શક આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય એકતા અને સમાન નાગરિકતાના વિકાસ માટે આ જરૂરી છે એ વિશે ભારતની સર્વોચ્ચ અદાલતે પણ એની ઇચ્છનીયતા પ્રગટ કરી છે.
42મા બંધારણીય સુધારા (1976) થકી બંધારણમાં નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ભારતના બધા લોકો વચ્ચે એક ભાઈચારાની ભાવના ઊભી કરવાની, આપણા સમન્વિત સંસ્કારવારસાનું જતન કરવાની તેમજ વૈજ્ઞાનિક માનસ અને માનવવાદી મૂલ્યો વિકસાવવાની પ્રત્યેક નાગરિકની ફરજ છે, એનો અન્ય ફરજો સાથે વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
‘ધર્મનિરપેક્ષ રાજ્ય’(secular state)નો અર્થ ભારતમાં બધા ધર્મો અથવા સંપ્રદાયો પ્રત્યે રાજ્યનો નિરપેક્ષ ભાવ અથવા તાટસ્થ્યભાવ કરવાને બદલે સર્વધર્મસમભાવ એવો કરવામાં આવ્યો છે, એને કારણે વ્યવહારમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે. ભારત જેવા બહુધર્મી અને ધર્મનિષ્ઠા ધરાવતા સમાજમાં ‘સેક્યુલર સ્ટેટ’નો અર્થ નાસ્તિક રાજ્ય અથવા ‘ધર્મ પ્રત્યે અનાસ્થા ધરાવતું રાજ્ય’ અથવા ‘ધર્મવિરોધી રાજ્ય’ એવો થતો નથી. ધર્મ અને રાજકારણનાં ક્ષેત્રો નોખાં હોવાથી તે એકબીજાંથી નિરપેક્ષ રહે, એવો અર્થ કરવો જોઈએ. ધર્મનિરપેક્ષતાનો અર્થ માત્ર અમુક એક ધર્મથી નિરપેક્ષ એમ નહિ, પણ સૌ ધર્મોથી નિરપેક્ષ, ધર્મમાત્ર પ્રત્યે તટસ્થભાવ, એવો થાય. જો આ અર્થ સ્વીકારીએ તો રાજ્ય (જાહેર સત્તાપબ્લિક પાવર) સાથે સંકળાયેલા સૌએ ધાર્મિક-સાંપ્રદાયિક મેળાવડાઓ, જાહેર પ્રદર્શનો, વિધિવિધાનો, કર્મકાંડો, સભા-સંમેલનો, શોભાયાત્રાઓ વગેરેથી અળગા રહેવું જોઈએ. ખરેખર તો સર્વધર્મસમભાવ એ સમાજે અને વિવિધ જૂથોએ પાળવાનો આદર્શ અને વ્યવહાર છે, રાજ્યે તો સૌ ધર્મો-સંપ્રદાયો પ્રત્યે નિરપેક્ષભાવ, તટસ્થભાવ રાખવાનો છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે પણ ‘બોમ્માઈ કેસ’(માર્ચ, 1994)ના ચુકાદામાં સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે ‘સેક્યુલરિઝમ’ અથવા ધર્મનિરપેક્ષતા એ બંધારણનું એક ‘પાયાનું લક્ષણ’ છે; અર્થાત્, તે બંધારણના ‘પાયાના માળખા’(basic structure)નો એક અનિવાર્ય ભાગ છે. એનો ભંગ થાય એ રીતે વર્તવાનો કોઈનેય અધિકાર નથી; એટલું જ નહિ, એને હાનિ કે ક્ષતિ થાય એ રીતે બંધારણમાં ફેરફાર કરવાની સત્તા સંસદને પણ નથી. સર્વોચ્ચ અદાલતના મત મુજબ ‘સેક્યુલરિઝમ’નો અર્થ, ભારતના સંદર્ભમાં રાજ્યે ધર્મ પ્રત્યે વિરોધભાવ કે દુશ્મનભાવ રાખવો એવો થતો નથી, પણ રાજ્યે જુદા જુદા ધર્મો અથવા સંપ્રદાયો પ્રત્યે તટસ્થતા અથવા નિરપેક્ષતા કેળવવી એવો થાય છે.
તેણે વધુમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ધર્મનિરપેક્ષ લોકશાહી બંધારણના પાયાના માળખાનો ભાગ હોવાથી કોઈ પણ રાજકીય પક્ષને ધર્મ અને રાજકારણની ભેળસેળ કરવા દેવાય નહિ. લોકપ્રતિનિધિ ધારામાં આ વિશે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે; જેમ કે, દરેક રાજકીય પક્ષે એક પક્ષ તરીકે નોંધણી કરાવતા પહેલાં ધર્મનિરપેક્ષતા અને લોકશાહી જેવાં બંધારણનાં પાયાનાં લક્ષણો પ્રત્યે વફાદારી વ્યક્ત કરવાનું સોગંદનામું રજૂ કરવાનું હોય છે. ઉપરાંત, ધર્મ કે સંપ્રદાયને નામે મત મેળવવાની અપીલ કરવી અને જુદા જુદા ધર્મસમુદાયો વચ્ચે તિરસ્કાર, ધિક્કાર અથવા દુશ્મનાવટની લાગણી ઉશ્કેરીને મત મેળવવાના પ્રયાસને ‘ભ્રષ્ટરીતિ’ ગણવામાં આવી છે અને આવી ‘ભ્રષ્ટરીતિઓ’ અપનાવીને ચૂંટાઈ આવેલ ઉમેદવારની ચૂંટણી રદ કરવાની સત્તા અદાલતોને આપવામાં આવી છે.
દિનેશ શુક્લ