ધર્મનાથપ્રાસાદ (કાવી) : ખંભાતના નાગર વણિક બડુઆના પુત્ર કુંવરજીએ વિ. સં. 1654 (ઈ. સ. 1598)માં કાવીમાં કરાવેલો ‘રત્નતિલક’ નામનો બાવન જિનાલયવાળો ધર્મનાથપ્રાસાદ. તે વહુના દેરાસર તરીકે વિશેષ ઓળખાય છે. સાસુ-વહુનાં દેરાં નામે મંદિરસંકુલમાં આવેલું આ દેરાસર મૂળ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢ મંડપ, ચોકીઓ, ભમતી અને બાવન દેવકુલિકાઓ ધરાવે છે. મંદિર પૂર્વ-પશ્ચિમ 48.2 મીટર લાંબું અને ઉત્તર-દક્ષિણ 19.1 મીટર પહોળું છે. ગર્ભગૃહમાં ધર્મનાથજીની પંચતીર્થી પ્રતિમા ઉપરાંત શાંતિનાથ, સંભવનાથ અને અજિતનાથની પ્રતિમાઓ પણ પ્રતિષ્ઠિત છે. ગર્ભગૃહની અંદરનું છાવણ સુશોભિત છે. તેના ઉપર રેખાન્વિત નાગર શૈલીનું શિખર કરેલું છે. ગૂઢ મંડપનું છાવણ સાદું છે અને તેના પર દાદરી ઘાટની સંવરણાની રચના કરેલી છે. ત્રણે ચોકીઓ પર બેઠા ઘાટના ઘુંમટ છે. ગર્ભગૃહના લલાટબિંબ પર વીણાવાદિનીનું મનોહર શિલ્પ કંડારેલું છે. અંતરાલના એક ગવાક્ષમાં મંદિર કરાવ્યાને લગતો શિલાલેખ છે. અંતરાલમાં 51 ફણાનો છત્રવટો ધરાવતા ચિંતામણિ પાર્શ્વનાથની અને શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાઓ છે. દેવકુલિકાઓ પર રેખાન્વિત શિખરો કર્યાં છે, જ્યારે તેમને સંયોજતી ભમતીની છતમાં એને અનુરૂપ નાના ઘુંમટની રચના છે. મંદિરનું સંયોજન અને આરસની સજાવટ બંને ર્દષ્ટિએ આ દેરાસર નમૂનેદાર બન્યું છે.

પ્રવીણચંદ્ર પરીખ